પ્રોસેસિંગ માટે યોગ્ય સવલતોના અભાવે

ગુજરાતમાં પામનાં વૃક્ષોનાં વાવેતરને નબળો પ્રતિસાદ
અમદાવાદ, તા. 11 જૂન
પામતેલની આયાત ઘટાડવા માટે નેશનલ મિશન ઓફ ઓઈલસીડ્સ એન્ડ ઓઈલ પામ (એનએમઓઓપી) અંતર્ગત ગુજરાતમાં પામનાં વૃક્ષોનું વાવેતર વધારવાના પ્રયાસો થઈ રહ્યા હોવા છતાં દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં આ યોજનાને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે.
રાજ્યના કૃષિ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પામનાં ફળોના પ્રોસેસિંગ માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ ન હોવાથી પામ વૃક્ષોનાં વાવેતરનાં ઈચ્છિત પરિણામો હાંસલ કરી શકાયાં નથી. સર્વગ્રાહી અભિગમના અભાવે રાજ્યમાં 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો હોવા છતાં મિશન સફળ થયું નથી.
તેમણે ઉમેર્યું કે પામ ફળોની ખેતીને ટેકો આપતી પ્રોસેસિંગ અને માર્કેટિંગનું યોગ્ય વ્યવસ્થાતંત્ર જરૂરી છે, જે ગુજરાતમાં નથી. ઉપરાંત વાવેતર પછીની પ્રવૃત્તિઓ માટે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (જીએઆઈસી) જેવી એજન્સીઓની ભૂમિકા નક્કી કરવા બાબતે રાજ્ય અને કેન્દ્ર સરકારના કૃષિ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ હતો.
આ મિશન હેઠળ દક્ષિણ ગુજરાતના 12 જિલ્લાઓના ખેડૂતોને પામ વૃક્ષોના વાવેતર માટે પ્રોત્સાહન અપાયું હતું. જોકે, પાછલા અનુભવોને આધારે ખેડૂતો વાવેતરમાં રસ દર્શાવતા ન હતા. ખેડૂતોને પામ વૃક્ષોનાં ફળો માટે ગ્રાહક ન મળતા હોવાથી કેરી, ચીકુ અને કેળાં જેવા અન્ય રોકડિયા પાકોની પસંદગી કરાય છે.
ભરૂચ નજીક પામ ફળોનો પાક લેનારા ખેડૂત ગોપાલ પટેલે જણાવ્યું કે મગફળી, કપાસિયા, સરસવ અને તલ જેવાં અન્ય તેલિબિયાંની માફક પામ ફળો માટે પ્રોસેસિંગ યુનિટ નથી. ખેડૂતોએ પોતાનો પાક ગોવા મોકલવો પડે છે, જે પરવડે તેમ નથી.
રસપ્રદ છે કે એનએમઓઓપી હેઠળ પામ વૃક્ષોનું વાવેતર છેલ્લાં 13 વર્ષમાં ગુજરાતમાં માંડ 5500 હેક્ટર પહોંચ્યું છે, જ્યારે ભારતમાં 3.25 લાખ હેક્ટર થયું છે. આંધ્ર પ્રદેશ અને કર્ણાટક જેવાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં નોંધપાત્ર સફળતા મળી છે.
ભારત, પામતેલનો સૌથી મોટો આયાતકાર દેશ ગણાય છે. દર વર્ષે 80-90 લાખ ટન પામ તેલની આયાત થાય છે. ખાદ્ય તેલોની કુલ આયાતમાં પામ તેલનો હિસ્સો લગભગ 60 ટકા છે. પામ તેલ મુખ્યત્વે ઈન્ડોનેશિયા અને મલેશિયામાંથી આયાત થાય છે.
દેશમાં પામતેલની આટલી વિશાળ આયાત હોવા છતાં ઉત્પાદન વર્ષે માંડ બે લાખ ટન હોય છે. આને પગલે કેન્દ્ર સરકાર એનએમઓઓપી હેઠળ પામ વૃક્ષોનું વાવેતર વધારવાના પ્રયાસો કરી રહી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer