મુંબઈનાં જળાશયોમાં માત્ર 8 ટકા પાણીપુરવઠો

મુંબઈ, તા. 11 જૂન
મુંબઈ શહેરને પાણી પૂરું પાડતાં જળાશયોમાં માત્ર 8 ટકા જેટલો એટલે કે એક મહિનો ચાલે તેટલો જ જથ્થો છે. અસહ્ય તાપ અને ચોમાસું વિલંબમાં પડવાના અહેવાલથી પાણીની ચિંતા વધી છે. શહેરને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં 12363.2 કરોડ લિટર પાણીનો જથ્થો છે, જ્યારે ગયા વર્ષે આ સમયે 25610 કરોડ લિટર પાણી હતું. અર્થાત હાલનો જથ્થો વાર્ષિક ધોરણે 50 ટકા કરતા ઓછો છે અને દિનપ્રતિદિન ઘટી રહ્યો છે.
હાલનો જથ્થો જોતાં શહેરને 15 જુલાઈ સુધી પાણી ચાલે એટલું હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
મહત્ત્વનાં જળાશયોમાં 19 ટકા પાણી
સેન્ટ્રલ વૉટર કમિશન દેશનાં 91 જળાશયોની જળસંગ્રહની સ્થિતિ પર દેખરેખ રાખે છે. આ 91 જળાશયોની કુલ સંગ્રહક્ષમતા 161.993 અબજ ઘનમીટર છે. જે દેશની કુલ 257.812 અબજ ઘનમીટરની સ્થાપિત સંગ્રહક્ષમતાના 63 ટકા જેટલી છે. આ જળાશયોમાં 6 જૂન, 2019ના રોજ 30.461 અબજ ઘનમીટર પાણી હતું, જે આ જળાશયોની કુલ ક્ષમતાના 19 ટકા છે અને ગયા વર્ષના એ તારીખના જળસંગ્રહના 114 ટકા અને 10 વર્ષની જળસંગ્રહની સરેરાશના 103 ટકા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer