માગના અભાવે સ્ટીલનો ભાવ વધારો ટકવો મુશ્કેલ

કોલકાતા, તા. 11 જૂન
સ્ટીલ કંપનીઓએ આ મહિને ટન દીઠ રૂા. 750થી રૂા. 1000નો ભાવવધારો કર્યો છે, પરંતુ નબળી માગના કારણે તેમણે ભાવ પર ડિસ્કાઉન્ટ આપવું પડે તેવી હાલત છે.
`સ્ટીલ પાટાની બધી ચીજોમાં ભાવ વધારાયા નથી. એમ મુખ્યત્વે ભારે ઇજનેરી ઉદ્યોગ, માળખાકીય પ્રોજેક્ટો તથા તેલ અને ગેસ ઉદ્યોગમાં વપરાતી ચીજોના ભાવ વધાર્યા છે', એમ એક ઉત્પાદકે જણાવ્યું હતું. અન્ય એક ઉત્પાદકે કહ્યું હતું કે આ ભાવે માલ વેચવો મુશ્કેલ છે. `ભાવ વધારી દીધા પછી કંપનીઓએ ડિસ્કાઉન્ટ આપવું પડે તેવી શક્યતા છે', એમ તેણે કહ્યું હતું. માસિક કોન્ટ્રાક્ટોના ભાવમાં વધારે કરાયો છે, પણ ત્રિમાસિક કોન્ટ્રાક્ટોના ભાવ યથાવત્ રખાયા છે.
ઉત્પાદકોના કહેવા મુજબ ઉત્પાદન સામગ્રી મોંઘી થવાથી તેમણે ભાવ સુધારવા પડયા હતા. `સ્ટીલના સ્થાનિક ભાવ એપ્રિલ અને મે મહિનામાં આંતરાષ્ટ્રીય ભાવ કરતા વધુ ઘટયા હતા. પરિણામે સ્ટીલના ભાવ નીચા છે. જ્યારે ઉત્પાદન સામગ્રી મોંઘી બની છે', એમ કહીને અન્ય ઉત્પાદકે કબૂલ કર્યું હતું કે પડતર વધવા છતાં માગ તો નબળી જ રહી છે.
જે ઉત્પાદકોએ વેપારીઓને માલ વેચવો પડે છે તેમની પાસે રકઝક કરવાની બહુ તાકાત રહી નથી.
એપ્રિલ મહિનામાં સ્ટીલની માગનો વધારો ધીમો પડીને 6.4 ટકા રહ્યો હતો. ઇક્રાના અંદાજ અનુસાર જૂન 2019 ત્રિમાસિકમાં સ્ટીલની માગ જૂન 2018 ત્રિમાસિક કરતાં નબળી રહેવાની ધારણા છે. જેને માટે અૉટોમોબાઇલ ક્ષેત્રની મંદી, બાંધકામ પ્રવૃત્તિમાં થયેલો ઘટાડો અને ચૂંટણીને કારણે ઘટી ગયેલી આર્થિક પ્રવૃત્તિ જવાબદાર છે.
2018-19ના ઉત્તરાર્ધમાં રોકડ નાણાંની ખેંચ અને બળતણાના ભાવમાં થયેલા વધારાને કારણે વાહનોની માગ ધીમી પડી જવાથી 2018-19માં સ્ટીલની માગમાં 7.5 ટકાનો વધારો નોંધાયો હતો. જે આગલા વર્ષે 7.9 ટકાનો હતો.
એક સેકન્ડરી ઉત્પાદકે જણાવ્યું કે કેટલીક વસ્તુઓ તો ગયા મહિના કરતા નીચા ભાવે વેચાઈ રહી છે. જો કે અન્ય ઉત્પાદકે કહ્યું હતું કે ચૂંટણી પૂરી થયા બાદ બજારના માનસમાં વિધેયાત્મક ફેરફાર આવ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer