ગરમી અને દુકાળથી કાંદાના ભાવ વધવાનો ભય

મુંબઈ, તા. 11 જૂન
ઘણાં વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ અને દુષ્કાળના ભયથી કાંદાના ભાવ વધી શકે છે. કાંદાના પાકમાં 60 ટકા હિસ્સો ધરાવતાં મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત આકરો તાપ અને દુકાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે.
મહારાષ્ટ્રની લાસલગાંવની મંડીમાં કાંદા પ્રતિકિલોએ રૂા. 12ના ભાવે વેચાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં કાંદાનું રવી વાવેતર 15-20 ટકા ઘટયું છે અને લાસલગાવમાં ભાવ 12 રૂપિયો પહોંચી ગયો છે. આગામી બે મહિનામાં ભાવ વધવાનો ભય છે, એમ સરકારી અધિકારીએ કહ્યું હતું.
કાંદા રાજકીય દૃષ્ટિએ સંવેદનશીલ ચીજ છે, ગયા વર્ષે પુષ્કળ પાક થવાથી હલકા માલો કિલોદીઠ રૂા. 1ના ભાવે વેચાયા હતા. પરિણામે સરકારે ભાવને ટેકો આપવા તાત્કાલિક પગલાં લીધાં હતાં. થોડાંક મહિના પછી પરિસ્થિતિ સુધરી હતી. જોકે, નવેમ્બર પછી ભાવ સ્થિર થશે. નેશનલ એગ્રિકલ્ચરલ કો-ઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન (નાફેડ)એ આ સિઝનમાં 50,000 ટન કાંદા ખરીદ્યાના અહેવાલ પછી ભાવ વધારાની ગતિને વેગ મળ્યો હતો. નાફેડે ગયા વર્ષની ખરીદીના માલનું વેચાણ ર્ક્યું હોવાથી ભાવ નિયંત્રણમાં રહ્યાં છે.
ઓનિયન એક્ષ્પોર્ટર્સ એસોસિયેશન અૉફ ઈન્ડિયાના પ્રમુખ અજિત શાહે જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાંથી કાંદાની વધુ ખરીદી થઈ છે તે ચિંતાની બાબત છે.
ગયા વર્ષે પણ દુષ્કાળ હતો અને પાક ઓછો થયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer