કપોળ બૅન્કના નવા બોર્ડ અૉફ ડિરેક્ટર્સની વરણી

આરબીઆઇનાં નિયંત્રણો હળવાં થતાં રહેશે
 
ચૅરમૅન શરદ પારેખ : સૌના સાથ અને વિશ્વાસથી બૅન્કની ભવ્યતા ફરીથી લાવશું

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : છેલ્લાં પાંચ વર્ષથી રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ)ના નિયંત્રણો અને નિમાયેલા એડમિનિસ્ટ્રેટરથી ચાલતી કપોળ કો-અૉપરેટિવ બૅન્ક નવા બૉર્ડ અૉફ ડિરેક્ટર્સની નિર્વિરોધ ચૂંટણી બાદ હવે આરબીઆઇનાં નિયંત્રણોથી ઘણા અંશે મુક્ત થઇ છે. કપોળ બૅન્કના નવા બૉર્ડ અૉફ ડિરેક્ટર્સના ચૅરમૅન પદે સર્વાનુમતે નીલકમલ ઇન્ડસ્ટ્રીઝના કપોળ અગ્રણી શરદભાઇ પારેખની વરણી નવા ડિરેક્ટરોએ કરી હતી. વહીવટી અનિયમિતતાઓ અને મર્યાદા બહાર નોન પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) તેમ જ લોન ડિફોલ્ટરોના કારણે બૅન્કના ખાતેદારો, રોકાણકારો તેમ જ શૅર હૉલ્ડરોના હિતમાં આરબીઆઇએ જૂન 2014થી કપોળ સમાજના વર્ચસ હેઠળની આ પ્રતિષ્ઠિત બૅન્ક પર પાંચ વર્ષ માટે નિયંત્રણો લાદ્યાં હતાં અને ઍડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરીને જૂના બોર્ડ અૉફ ડિરેક્ટર્સને બરખાસ્ત કર્યું હતું. આ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ આરબીઆઇએ નોટિફિકેશન બહાર પાડીને બૅન્કના નવા બૉર્ડની ચૂંટણીની સૂચના આપી હતી. 
કપોળ બૅન્કના નવા બોર્ડ અૉફ ડિરેક્ટર્સની ચૂંટણીનાં પરિણામો જાહેર કરતાં આજે વિલે પાર્લે (પશ્ચિમ)ના વિશ્વકર્મા બાગમાં મળેલી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં રિટર્નિંગ અૉફિસર (ચૂંટણી અધિકારી) એચ પી જૈમિન અને આરબીઆઇના ઍડમિનિસ્ટ્રેટર અંજન કુમાર ખાઉંડે કહ્યું હતું કે ખરેખર આ ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન પ્રક્રિયા હતી, બોર્ડ અૉફ ડિરેક્ટર્સની ચૂંટણી નિર્વિરોધ અને નિર્વિધ્ને પાર પડી છે. રોકાણકારો અને ખાતેદારોએ છેલ્લાં ચાર-પાંચ વર્ષથી મહેનત કરીને બૅન્કના હિતમાં પ્રોગ્રેસિવ ગ્રુપને આગળ કર્યું હતું અને તેમની સામે ચૂંટણી લડવા અન્ય કોઇ ગ્રુપનો પડકાર નહોતો. રિટર્નિંગ અૉફિસરે એજીએમમાં આલ્ફાબેટિકલી નિર્વિરોધ ચૂંટાયેલા બે મહિલા પ્રતિનિધિ સહિતના 17 ડિરેક્ટરોનાં નામ જાહેર કર્યાં હતાં.
લગભગ અડધા કલાકની એજીએમમાં આરબીઆઇ તરફથી ઍડમિનિસ્ટ્રેટર અંજન કુમાર ખાઉંડે આ પછીની પ્રક્રિયા વિશે કહ્યું હતું કે બપોર બાદ બોર્ડ અૉફ ડિરેક્ટર્સની બેઠક મળશે અને ડિરેક્ટરો ચૅરમૅન અને વાઇસ ચૅરમૅનની પસંદગી કરશે, ત્યાર બાદ સાંજે આરબીઆઇ તરફથી બૅન્કના આંશિક વહીવટનો ચાર્જ નવા બૉર્ડને સુપરત કરાશે.
ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા પ્રોગ્રેસિવ ગ્રુપના આગેવાન શરદભાઇ પારેખે આ પ્રસંગે એજીએમને સંબોધતાં કહ્યું હતું કે કપોળ સમાજની આ પ્રતિષ્ઠિત બૅન્ક આજથી નવી સફર શરૂ કરવા જઇ રહી છે. અનુભવી બિઝનેસમેને કહ્યું હતું કે હું મોટી ઉંમરે પણ મારા બિઝનેસ માટે રોજ દસ કલાકથી વધુ સમય ફાળવું છું અને મારા પરિવાર અને કર્મચારીઓના ટીમ વર્ક અને પુરુષાર્થથી બિઝનેસનો વિકાસ થયો છે. આજે સમાજે અને બૅન્કના રોકાણકારો તેમ જ ખાતેદારોએ અમને નવી જવાબદારી આપી છે, તેનું યોગ્ય રીતે નિર્વહન કરાશે. ધર્મ કરતાં કર્મ ચડિયાતું છે એમ જણાવી શરદભાઇએ કહ્યું હતું કે ધર્મથી તો ભગવાન પાસે આપણે માગવું પડે છે પરંતુ સારા કર્મ કરવાથી તો ભગવાને આપણને આપવું પડે છે. 
બૅન્કને ભવ્યતા ફરીથી લાવવા માટે પારેખે ઉપસ્થિતોનો સહકાર માગવા સાથે જ નવાં ડિરેક્ટરો પર ભરોસો મૂકવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. બૅન્કને ફરીથી ધમધમતી કરવા બૉર્ડના આગળના પ્લાનનો સંકેત આપતા પારેખે ચાર સૂત્રીય કાર્યક્રમ જાહેર કર્યો હતો. લેણાં પરત મેળવવાં, મૂડી રોકાણ વધારવું, સ્થાવર જંગમ મિલકતના વેચાણથી મૂડી વધારવી અને બાકીની રકમની ચુકવણી કરવી. થોડાં નિયંત્રણો સાથે કામ કરવાના સંકેતો આપતાં પારેખે કહ્યું હતું કે આપણું કર્મ ઇમાનદારીથી પુરુષાર્થ કરવાનું છે, બાકીનું બધું ભવિષ્ય પર છોડી દેવું. પરંતુ સારા કર્મનું સારું ફળ મળે જ છે.   
બપોર બાદ વિલે પાર્લે (પૂર્વ)માં બૅન્કની બ્રાન્ચમાં બૉર્ડ અૉફ ડિરેક્ટર્સની બેઠક મળી હતી જેમાં શરદભાઇ પારેખને ચૅરમૅન પદે તેમ જ વાઇસ-ચૅરમૅન પદે કીર્તિભાઇ શાહને સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. 
કપોળ બૅન્કનું નવું બૉર્ડ અૉફ ડિરેક્ટર્સ
ચૅરમૅન : શરદ વૃજલાલ પારેખ, વાઇસ ચૅરમૅન : કીર્તિ ડાયાલાલ શાહ
ડિરેક્ટરો : અનિલ શાંતિલાલ પારેખ, અશ્વિન પ્રભુદાસ વોરા, અવિનાશ ભોગીલાલ પારેખ, ધર્મેશ લક્ષ્મીકાંત રાણા, ધવલ મનસુખલાલ મહેતા, હેમાંશુ રમણિકલાલ મહેતા, હિતેન્દ્ર ભૂપતરાય ભાલરિયા, યતીન નટવરલાલ મહેતા, યોગેશ બાબુલાલ મહેતા, વિજયકુમાર વિઠ્ઠલદાસ ગાંધી, ભીમરાવ માલલ્પા નાઇક અને સંદેશ અર્જુન સાવંત     
મહિલા ડિરેક્ટરો : મીના અશોક કાણકિયા અને મીના ભરતકુમાર ભુતા

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer