આંબાનો પાક ઓછો પણ ગુણવત્તા ઉત્તમ, ભાવ આસમાને

આંબાનો પાક ઓછો પણ ગુણવત્તા ઉત્તમ, ભાવ આસમાને
કેરીના મથક સમાન ગઢશીશા પંથકમાં ધમધમાટ પ્રવૃત્તિ
જિજ્ઞેશ આચાર્ય  
ગઢશીશા (તા. માંડવી), તા. 11 જૂન
આંબાની વિવિધ જાતનું વાવેતર અને ઉત્પાદનમાં જિલ્લામાં અગ્રહરોળમાં ગઢશીશા પંથકનું સ્થાન છે. વાતાવરણની પુન: વિપરીત અસરના કારણે માલના ઉત્પાદનમાં આ વખતે ઘટાડો જોવા મળ્યો છે તેવો એક સૂર ખેડૂતવર્ગ દ્વારા વ્યક્ત કરાયો છે તો ધાર્યા કરતાં 15-20 દિવસ મોડા આવેલા માલની ગુણવત્તા ઉત્તમ હોવાનું પણ જણાવાયું હતું. 
સમય કરતાં વધારે ચાલેલી ઠંડી અને જ્યારે ફલાવરિંગ થયું ત્યારે આવેલ વરસાદી ઝાપટાંએ ખેડૂતો સાથે આંબાના સ્વાદ રસિકોના જીવ પણ અદ્ધર કરી દીધા હતા, પરંતુ હવે સમય પ્રમાણે ગરમીના માહોલના કારણે  અનુકૂળ વાતાવરણ સર્જાતાં આંબાની ગુણવત્તા જળવાઈ રહી છે, પરંતુ  ભાવ પણ આસમાને રહ્યા છે અને વિદેશ નિકાસમાં પણ કાપ આવ્યો હોવાનું બહાર આવ્યું છે. 
 દર વરસ કરતાં ઓછા ફાલના કારણે જિલ્લા બહારના વેપારીઓ પણ ઓણ (આ સિઝનમાં) ઓછા જોવા મળે છે, જેના કારણે સ્થાનિક વેપારી વર્ગને ચાર પૈસા કમાવાનો મોકે મળી રહ્યો છે. 
ચાલુ સાલે આંબાનો ફાલ કેવો રહેશે? અને ખેડૂત વર્ગને સરકાર દ્વારા હજુ કઈ કઈ સુવિધા ઉપલબ્ધ થાય તો ખેડૂતોને ફાયદો થાય તે જાણવા કચ્છમિત્રએ પ્રયાસ કર્યો ત્યારે ઘણું બધું જાણવા મળ્યું. 
જિલ્લામાં વધતા જતા ઔદ્યોગિકીકરણના પગલે ઋતુચક્રમાં થયેલા ફેરફારના કારણે ખેતી પર માઠી દશા બેઠી હોય તેમ ખેતી' ખાતી' થઈ ગઈ છે અને જો ખેડૂત વર્ગ સમય સૂચકતા ન વાપરે અને કોઠાસૂઝથી ખેતી ન કરે તો જબ્બરો આર્થિક ફટકો સહન કરવો પડે તેમ છે અને ચાલુ સાલે પણ બાગાયતી પાકમાં 12 માસ સુધી ખેડૂત જે સિઝનની રાહ જોતો હોય તે આંબાની સિઝન ગ્લોબલ વોર્મિંગ (વાતાવરણની વિપરીત અસર)ના કારણે  ઓછો ફાલ ઊતર્યો છે, પરંતુ ગરમીના કારણે ગુણવત્તા જળવાઈ છે તેવું જિલ્લા અને રાજ્ય ઉપરાંત વિદેશમાં નામના મેળવનાર કૃષિઋષિ એવૉર્ડ વિજેતા અને ગુજરાત એગ્રો સેલના પૂર્વ ડાયરેકટર બટુકસિંહ મેઘરાજજી જાડેજાએ જણાવ્યું હતું. 
પેક હાઉસ અનિવાર્ય  
બટુકસિંહ જાડેજાએ એવું પણ સૂચન કર્યું છે કે જો સરકાર દ્વારા  ગઢશીશા વિસ્તારમાં જ બે મોટા પેક હાઉસ શરૂ કરાય તો તેના કારણે ખેડૂતોને બાગાયતી પાક કેરી ઉપરાંત દાડમ, ખારેક, કેળા, પપૈયા, ડ્રેગન ફ્રૂટ તથા વિવિધ શાકભાજી પણ વિદેશમાં નિકાસ માટે સરળ બને, કારણ કે પેક હાઉસમાં કોલ્ડ સ્ટોરેજ, પ્રિકુલિંગ સિસ્ટમ, વોટર હિટર ટ્રીટમેન્ટ, ગામા રેડિયેશન, રાયફ્રી ચેમ્બર જેવી સુવિધા મળી  શકે. 
માંડવી તાલુકા કિસાન મોરચાના પ્રમુખ મહેન્દ્ર રામાણી, રત્નાપરના અરજણભાઈ નાકરાણી, દેવજીભાઈ વાસાણી, ડાહ્યાલાલ ચોપડા, મઉંના પરષોત્તમભાઈ ભાનુશાલી, રાજેશ ઠક્કર, કીર્તિભાઈ ઠક્કર, દેવપરના વિમલભાઈ નિસર, નવીનભાઈ ગાલા, ગઢશીશાના હાજી સુલેમાન મેમણ,  હાજી દાઉદ રાયમા, હાજી અદ્રેમાન ખલીફા, સુનીલભાઈ ચોથાણી,  સોહિતભાઈ દેઢિયા, પ્રફુલભાઈ પાસડ, અનિલ શાહ (મનાલી ફાર્મ) કેશુભાઈ પારસિયા, પરષોત્તમ વાસાણી (વિરાણી), રસિક કે. સેંઘાણી (રાજપર), સુરેશ વાસાણી (વિરાણી), દુજાપરના નારાણભાઈ ચૌહાણ, નાનજીભાઈ ચૌહાણ, રમેશ ચૌહાણ, ઈશ્વર ધોળુ, અરવિંદ રંગાણી, રાજેશ રંગાણી વિગેરે જાગૃત ખેડૂતોએ ચાલુ સાલે આંબાના ઓછા ફાલની વાતને સમર્થન આપ્યું છે તો તેના કારણે ખુદ અમુક ખેડૂત જ જાતે વેપારી બની આંબાના રિટેઈલ વેપાર પણ કરતા થયા છે જેના કારણે ધાર્યા ભાવે આંબાનો વેપાર થઈ શકે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer