ગુજરાત સરકાર અને નાફેડ 140 મગફળીની અૉઈલ મિલોને પુનર્જિવિત કરશે

ગુજરાત સરકાર અને નાફેડ 140 મગફળીની અૉઈલ મિલોને પુનર્જિવિત કરશે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 જૂન
ગુજરાત સરકાર અને નેશનલ એગ્રિકલચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન અૉફ ઇન્ડિયા (નાફેડ) સંયુક્તપણે રાજ્યની 140 બંધ પડેલી મગફળી અૉઈલ મિલોને પુનર્જિવિત કરવા માટે સમીક્ષા કરશે. 
સૂત્રોએ કહ્યું કે, ગાંધીનગરમાં તાજેતરમાં જ મિટિંગ યોજાઈ, જેમાં આ અૉઈલ મિલોને ફરી સક્રિય કરવા માટે ચર્ચા થઈ હતી. આ મિટિંગમાં નાફેડના ડિરેક્ટર દિલીપ સંઘવી, સૌરાષ્ટ્ર અૉઈલ મિલ્સ ઍસોસિયેશન (સોમા)ના પ્રતિનિધિઓ અને સરકારના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  સામાન્ય રીતે નાફેડ મગફળીની ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરે છે અને તબક્કાવાર ખરીદદારોને આપે છે. આ પ્રણાલી સિંગ માટે સારી છે. જોકે, નાફેડની વખારોમાં મગફળીનો સ્ટોક હોવા છતાં અૉઈલ મિલર્સને કાચા માલની પૂરતી સપ્લાય થતી નથી. ખેડૂતો પણ કપાસની ખેતી તરફ વળ્યા છે. રાજ્યમાં મગફળીનો વાવેતર વિસ્તાર પણ ઘટયો છે. 
આ સમસ્યાનો નિકાલ કરવા માટે અૉઈલ મિલર્સને મગફળીની ખરીદીમાં સહભાગી કરવામાં આવશે, જેથી અૉઈલ મિલ્સમાં પૂરતી સપ્લાય થાય, એમ નાફેડના ડિરેક્ટર દિલીપ સંઘવીએ કહ્યું હતું. તેમ જ મગફળીના પાકના વધુ ભાવ ચૂકવીને ખેડૂતોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. સંઘવી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિ.ના ચૅરમૅન પણ છે. તેમણે કહ્યું કે, મિલર્સ દ્વારા જે મગફળીનું તેલ કાઢવામાં આવે છે, તેની ખરીદી સરકાર મિડ-ડે મિલ યોજનામાં તેમ જ રાજ્યની દુકાનોમાં વેચવામાં આવે છે.  જો ઉપરોક્ત રીતે કામકાજ કરવામાં આવે તો ખેડૂત, અૉઈલ મિલર્સ અને રાજ્ય સરકાર ત્રણેયને ફાયદો થશે. ખેડૂતોને તેમના ઉત્પાદનનો સારો ભાવ મળશે અને અૉઈલ મિલર્સ પાસે ખરીદદાર હશે. રાજ્ય સરકારને સ્થાનિક ધોરણે જ સારી ગુણવત્તાનો ખાદ્ય તેલ મળી રહેશે, જે નાફેડ અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિ. જેવા સંસ્થાઓની નજરમાં બન્યો હશે. 
સૂત્રોનું કહેવું છે કે, સરકાર બંધ પડેલી અૉઈલ મિલોને નાણાં સહાય કરવાનું પણ વિચારી રહી છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે, જો બંધ પડેલી મિલ ફરી શરૂ કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જ 10,000 લોકોને રોજગાર મળશે. ગુજરાતના અન્ય ભાગોની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં રોજગારની તકો ઓછી છે. 
ગુજરાતમાં 350 અૉઈલ મિલ છે. આમાંથી અડધાથી પણ વધુ કાચા માલના અભાવે બંધ છે. મોટા ભાગના મગફળી તેલ કાઢવાવાળા સૌરાષ્ટ્રમાં છે, એમ સોમાના પ્રેસિડેન્ટ સમીર શાહે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ખાદ્ય તેલની માગ 250 લાખ ટન છે, જેની સામે દેશમાં 8-10 લાખ મગફળીનું તેલ બને છે. આવી પરિસ્થિતિમાં મગફળીનો પુરવઠો કરવામાં કોઈ મુશ્કેલી નડવી જોઈએ નહીં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer