ઠંડી માગથી તેલના ભાવ માઝામાં રહેશે

ઠંડી માગથી તેલના ભાવ માઝામાં રહેશે
બ્લૂમબર્ગ લંડન, તા. 11 જૂન
ભારત માટે રાહતના સમાચાર છે. તેલના ભાવ માઝા મૂકે તેવી સંભાવના ઘટતી જાય છે. સઉદી અરેબિયા અને રશિયા આમનેસામને આવી ગયા છે. ઓપેક અને અન્ય તેલ ઉત્પાદક દેશો જો ઉત્પાદન કાપને લંબાવશે નહીં તો આવતા વર્ષે પણ તેલના અનામત ભંડારોમાં વધારો થવાની સંભાવના છે.
બીજી બાજુ માગનો વધારો અપેક્ષા કરતા ઓછો રહેવાની શક્યતા છે. આ સંજોગોમાં તેલ ઉત્પાદકોએ ભાવ ટકાવી રાખવા હોય તો વધુ મોટા ઉત્પાદનકાપ માટે તૈયાર રહેવું પડે. જો એમ થાય તો રશિયા અને સઉદી અરેબિયાની ભાઈબંધીનો તેલનીતિ પૂરતો તો અંત આવી જાય.
2016ના નવેમ્બર-ડિસેમ્બરમાં ઓપેક અને અન્ય દેશો દૈનિક ઉત્પાદનમાં 12 લાખ બેરલનો જંગી કાપ મૂકવા સંમત થયા હતા. ઓપેક બહારના દેશો પૈકી માત્ર રશિયાએ જ તેલ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો કરવા સંમતિ દર્શાવી હતી. તેલ ઉત્પાદક દેશોનો ઉદ્દેશ બજારમાંથી માલબોજો ઓછો કરીને 2017ના પ્રથમાર્ધ માગ અને સમતુલા વચ્ચે સમતુલા સ્થાપવાનો હતો.
પરંતુ એ ઉદ્દેશ 2019ના મધ્યભાગ સુધી સિદ્ધ થયો નથી. 2017થી 2019 તેલની આંતરરાષ્ટ્રીય માગ 1.4 ટકાના (રોજના 13.3 બેરલના) તંદુરસ્ત દરે વધી હોવા છતાં માગ અને પુરવઠાનું સંતુલન હજી દૂર જ રહ્યું છે, એમ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના તાજેતરના આંકડા દર્શાવે છે.
આઈઈએએ માર્ચ ત્રિમાસિક માટેના માગવધારાનો અંદાજ ઘટાડયો છે. તેલ ઉત્પાદકોને ભય છે કે આ શુક્રવારે જાહેર થનારા આંકડામાં એજન્સી તેના માગવધારાના અંદાજોમાં વધુ ઘટાડો કરી શકે તેમ છે. રશિયાના તેલ પ્રધાન એલેકઝાન્ડર નોવાકે ગયે અઠવાડિયે એવો નિર્દેશ આપ્યો હતો કે ચીન-અમેરિકા વેપાર સંઘર્ષને પગલે તેલનો દૈનિક માગવધારો 10 લાખ બેરલથી ઓછો થઈ જઈ શકે છે.
સમૃદ્ધ દેશોના સંગઠન ઓઈસીડીના અંદાજ મુજબ વેપાર સંગર્ષને કારણે જાગતિક વિકાસદરમાં 1 ટકા જેટલો ઘટાડો થઈ ચૂક્યો છે. તેણે 2019ના જાગતિક વિકાસદરનો અંદાજ 3.9 ટકાથી ઘટાડીને 3.2 ટકા ર્ક્યો છે. તેલની માગ આર્થિક વિકાસ સાથે સંકળાયેલી હોવાથી તેલ ઉત્પાદકો માટે આ માઠા સમાચાર છે.
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિન અગાઉ કહી ચૂક્યા છે કે રશિયા અને સઉદી અરેબિયા વચ્ચે તેલના વાજબી ભાવ વિશે કેટલાક મતભેદો છે. રશિયાને બેરલદીઠ 60-65 ડોલરનો ભાવ અનુકૂળ લાગે છે. તેલ ઉત્પાદકો ઉત્પાદન કાપને છ મહિના લંબાવવા માટે સંભવત: સંમત થશે, પરંતુ જ્યારે રશિયાને લાગશે કે હવે બહુ થયું ત્યારે મુશ્કેલી સર્જાશે.
અત્યારે રશિયાની યુરોપ જતી પાઈપલાઈનમાં કચરો હોવાની સમસ્યાને લીધે રશિયાનું ઉત્પાદન લક્ષ્યાંકથી નીચું રહે છે, પરંતુ એ સમસ્યા ઉકેલાઈ જાય તે પછી રશિયન કંપનીઓ ઉત્પાદન વધારવાની છૂટ માટે દબાણ કરશે. તેમને વધુ ઉત્પાદનકાપ માટે સમજાવવાનું પુટિન માટે મુશ્કેલ બનશે. અને ત્યારે સઉદી અરેબિયા અને રશિયાની સમજૂતી તૂટવાનો આરંભ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer