તાંબાના ભાવમાં સતત નબળાઈ પછી સુધારો

તાંબાના ભાવમાં સતત નબળાઈ પછી સુધારો
ચીલીની ખાણની હડતાળ પર ભાવિ ચાલનો આધાર
સૈફી રંગવાલા
મુંબઈ, તા. 11 જૂન
તાંબાના ભાવમાં અઢી મહિનાની મંદી પછી પ્રથમવાર સુધારો નોંધાયો હતો. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) દ્વારા ચીનની આર્થિક વૃદ્ધિ ધીમી પડવાનો તાજો અહેવાલ અને ટેરીફ બંધારણ અંગે ચીન સામે અમેરિકાનું મક્કમ વલણ ચાલુ રહેવાથી એપ્રિલ પછી વિવિધ ચીજવસ્તુઓ અને ધાતુઓના વૈશ્વિક ભાવ સતત નબળાઈ તરફી રહ્યા હતા.
વાર્ષિક ધોરણે એલએમઈ ખાતે તાંબાનો વાયદાનો ટન દીઠ ભાવ 5780 ડૉલરના તળિયેથી થોડો (2.5 ટકા) સુધરીને 5832 ડૉલરે બંધ રહ્યો હતો.
એરોગન્ટ સિક્યુરિટીસના એનાલિસ્ટ હેલન લોરેન્સે જણાવ્યું હતું કે તાંબાનો ભાવ ટૂંકા ગાળાની મંદીની ચેનલમાં ફસાયો હોવાથી હજુ થોડો સમય તે નબળાઈ દર્શાવશે. પરંતુ સ્થાનિક આયાતકાર અને ઉદ્યોગો આજના ભાવે તાંબાની વર્જીન અને ભંગારના આયાતમાં કોઈ નુકસાનની સંભાવના જોતા નથી.
એલએમઈ ખાતે તાંબાની ઇન્વેન્ટરી 4 જૂને 27,450 ટન વધી હોવાના અહેવાલ છે. દરમિયાન ચીલીની સૌથી મોટી તાંબા ખાણ કેડેલ્કોની કામદારો સાથેની હડતાળ નિવારવાની વાટાઘાટો ઘોંચમાં પડવાના સંકેત છે. આવતા ગુરુવારે થનાર યુનિયન સાથે વાટાઘાટ પર હડતાળનો આધાર રહેશે. તાંબામાં આવેલા આજના સુધારાનો આધાર ચીલીના આગળના ઘટનાક્રમ પર રહેશે, એમ કેટલાક અનુભવીઓ જણાવે છે.
દરમિયાન તાંબાના ભાવમાં વાર્ષિક ધોરણે 7223 ડૉલરની ઊંચાઈએથી અંદાજે ભાવ 24 ટકા ઘટી ચૂક્યો છે. છેલ્લા 8 અઠવાડિયામાં તાંબાનો ભાવમાં 9 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. ચીનની નિકાસમાં નબળા આંકડા અને 2019-20માં 6.2 ટકાનો ઘટાડેલો આર્થિક વૃદ્ધિદરનો અંદાજ અમુક હદે તાંબાના ભાવના નબળાઇનું કારણ બન્યો છે.
શાંઘાઈ ખાતે તાંબાનો ભાવ 2017 પછી સૌથી નીચે 45,860 યુઆન ઉતર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer