મધ્યપ્રદેશ પાસેથી વધારાના ઘઉં ખરીદવાનો કેન્દ્રનો ઇનકાર

મધ્યપ્રદેશ પાસેથી વધારાના ઘઉં ખરીદવાનો કેન્દ્રનો ઇનકાર
નવી દિલ્હી, તા. 11 જૂન
મધ્યપ્રદેશની કૉંગ્રેસ સરકારને આંચકો લાગે તેવા એક નિર્ણયમાં કેન્દ્ર સરકારે તેની પાસેથી વધારાના 7 લાખ ટન ઘઉં ખરીદી લેવાનો ઇનકાર કર્યો છે, જેને પગલે રૂા. 1400 કરોડના ઘઉં રાજ્ય સરકારના ગળામાં આવી ગયા છે.
મધ્યપ્રદેશની કમલનાથ સરકારને ઘઉંની ખરીદીના મામલે એપ્રિલથી કેન્દ્ર સાથે ગજગ્રાહ ચાલે છે. કેન્દ્ર સરકારે ઘઉંનો પ્રાપ્તિ ભાવ ક્વિન્ટલ દીઠ રૂા. 1840 કરાવ્યો હતો. કમલનાથે ખેડૂતોને ક્વિન્ટલ દીઠ રૂા. 160 વધુ આપવાનું ચૂંટણી વચન પાળીને ક્વિન્ટલ દીઠ રૂા. 2000ના ભાવે 73.6 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે.
જોકે, ફૂડ કૉર્પોરેશન અૉફ ઇન્ડિયાએ રાજ્ય સરકારના પગલાં સામે વાંધો ઉઠાવ્યો છે કે આ વધારાની રકમ એક પ્રકારનું બોનસ છે અને તે 2016માં રાજ્ય સાથે થયેલા કરારનો ભંગ કરે છે. એફસીઆઈની માર્ગદર્શિકા અનુસાર જો કોઈ રાજ્ય સરકાર ખેડૂતોને બોનસ આપે તો એફસીઆઈ તેની પાસેથી વધારાના ઘઉં ખરીદશે નહીં. એફસીઆઈની ખરીદી કેન્દ્રીય અનામત જથ્થા માટેના 67 લાખ ટન પૂરતી મર્યાદિત રહેશે.
રાજ્ય સરકારની વારંવારની વિનંતીઓ છતાં કેન્દ્ર સરકારે એફસીઆઇને મધ્યપ્રદેશ સરકાર પાસેથી 67.25 લાખ ટનથી વધુ ખરીદી કરવાની છૂટ આપી નથી, એમ રાજ્ય સરકારના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. `અમારી પાસે 7 લાખ ટન ઘઉં પડી રહ્યા છે અને ખેડૂતોને ચૂકવેલા રૂા. 1400 કરોડ અમારે ભોગવવાના આવ્યા છે. આ વધારાના ઘઉંનું શું કરવું તે સમજાતું નથી.'
એફસીઆઈએ ચોખવટ કરી છે કે સરકારનાં ગોદામો ભરચક છે અને હવે તેણે ઘઉંની ખરીદીમાં હળવે હાથે કામ લેવું પડશે. `રાજ્ય સરકાર સાથે થયેલા કરાર અનુસાર બોનસ આપવાની છૂટ નથી. કેન્દ્ર સરકાર પાસે જરૂર કરતાં વધારે જથ્થો જમા થઈ ગયો હોવાથી આ નિર્ણય લેવાયો છે, `એમ એફસીઆઈના જનરલ મેનેજર અભિષેક યાદવે જણાવ્યું હતું.'
યાદવે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર ઇચ્છે તો વધારાના ઘઉં ખુલ્લા બજારમાં વેચી શકે અથવા અન્ય રાજ્યોને વેચાતા આપી શકે. તે ઇચ્છે તો રાજ્યના લોકોને સસ્તા ભાવે વેચવાની પણ યોજના ઘડી શકાય.
સામાન્ય વ્યવસ્થા અનુસાર રાજ્ય સરકારની એજન્સીઓ ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરે છે અને રેશનિંગ તેમ જ અન્ય યોજનાઓ માટે જરૂરી જથ્થો પોતાની પાસે રાખીને બાકીના ઘઉં એફસીઆઇને વેચી દે છે.
મુખ્ય પ્રધાન કમલનાથ આ બાબત કૃષિ પ્રધાન નરેન્દ્રસિંઘ તોમાર સાથે ઉપાડી લે તેવી શક્યતા છે. તોમાર મધ્યપ્રદેશમાં આપેલી મોરેના બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer