વિશ્વભરમાં રૂનો મબલખ પાક થવાની અમેરિકાની આગાહી

વિશ્વભરમાં રૂનો મબલખ પાક થવાની અમેરિકાની આગાહી
ભારત, પાકિસ્તાનમાં 2019નું રૂ ઉત્પાદન વર્ષ ગત વર્ષની માફક નબળું રહેશે 
ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 11 જૂન
અમેરિકામાં રૂના ભાવ 3 વર્ષનાં તળિયે બેસી ગયા તે, ભારત સહિતના તમામ બજારોમાં ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. ચીન અને મેક્સિકો પર અમેરિકા દ્વારા વધારાની આયાત જકાત નાખવાની કવાયતથી રૂના રોકાણકારોના સેન્ટીમેન્ટ પર ભારે નકારાત્મક પ્રભાવ ઊભો કર્યો છે. આ તરફ મહત્તમ અમેરિકન રૂ વાવેતર વિસ્તારમાં પ્રમાણસર વરસાદ પડી જવાને લીધે બજાર પર નીચે જવાનું વધારાનું દબાણ ઉદ્ભવ્યું છે. અમેરિકાના રૂ વાવેતર રાજ્યોમાં વાવણી પ્રગતી પાંચ વર્ષની સરેરાશ જેટલી જ માફકસર ચાલી રહી છે. એ સાથે જ ફરી એક વખત મોટા પાકના વરતારા, ભાવને નીચે રહેવામાં મદદરૂપ થઇ રહ્યા છે. આટલું અધૂરું હોય તેમ અમેરિકન કૃષિ મંત્રાલય આખા વિશ્વમાં મબલખ પાકની અને આગામી વર્ષમાં ક્યાંય અછત સર્જાવાની શક્યતા નથી, એવી આગાહી કરી રહ્યું છે.  
અલબત્ત, ભારત અને પાકિસ્તાનમાં ચોમાસાની ધીમી અને મોડી શરૂઆતની આગાહી જોતા પાછોતરા તબક્કામાં પાકને નુકસાન થવાનો ભય વ્યક્ત થયો છે. બન્ને રૂ ઉત્પાદક દેશોમાં અત્યારે ચોમાસા પૂર્વે હોય તેવું સુકું અને ખૂબ ગરમ હવામાન પ્રવર્તી રહ્યું છે. હવામાન એનાલીસ્ટો માને છે કે 2019નું વર્ષ પણ ગત વર્ષની માફક, સામાન્ય કરતા નબળું રહેશે. આને લીધે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, અને તેલંગણા જેવા રાજ્યોમાં રૂની ઉપજ (યીલ્ડ)ને વ્યાપક અસર થવાનો ભય સર્જાયો છે. આ બધા રાજ્યો અત્યારથી જ હવામાનમાં ભેજ અધૂરપનો સામનો કરી રહ્યા છે. આથી વાવણીના સમયે હવામાનમાં ભેજનો અભાવ હશે, તો રૂ છોડ પર ઝીન્ડવા લાગ્યા પછી પ્રથમ, બીજી, ત્રીજી વીણાટ વખતે રૂનો ઉતારો નબળો આવવાનો પણ ભય વ્યક્ત થઇ રહ્યો છે. 
રૂ વાવેતર પર જો સપ્ટેમ્બરમાં વરસાદ પડે તો તેની મોટી અસર યીલ્ડ પર પડી શકે છે. હવામાન એજન્સી સ્કાયમેટનાં અનુમાન મુજબ 2019ના ખરીફમાં હેક્ટર દીઠ રૂ ઉત્પાદનની રાષ્ટ્રીય સરેરાશ 449 કિલો આવશે. ભારતીય કૃષિ મંત્રાલયે 2018-19નો રૂ ઉત્પાદનનો ત્રીજો આગોતરો અંદાજ, ફેબ્રુઆરીમાં મૂકેલા બીજા અનુમાન 301 લાખ ગાંસડીથી ઘટાડીને હવે માત્ર 276 લાખ ગાંસડી મૂક્યો છે. ગત વર્ષનાં સરકારી સત્તાવાર ઉત્પાદન અંદાજ 328 લાખ ગાંસડી કરતા પણ આ અંદાજ ઘણો બધો ઓછો છે. અલબત્ત, આ વર્ષનાં સરકારી અંદાજમાં ઘણી બધી ગોબાચારી અને ઘાલમેલ થઇ હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે. 
કોટન ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સીએઆઈ)એ રજૂ કરેલા તાજા રૂ પાક અનુમાન મુજબ ઉત્પાદન 315 લાખ ટન આવશે, આ આંકડો પણ છેલ્લા એક દાયકાના સૌથી ઓછા ઉત્પાદનનો છે. ગત વર્ષના ઉત્પાદનનો અંદાજ 365 લાખ ગાંસડી મૂકવામાં આવ્યો હતો. ઓકટોબર 2018થી મે 3019 સુધીમાં કુલ પુરવઠા અંદાજ પ્રમાણે 31 મે 2019 સુધીમાં 9 લાખ ગાંસડી આયાત અને 288 લાખ ગાંસડી બજારમાં આવી ગયાની ગણતરી સાથેનો આંકડો 325 લાખ ગાંસડી મૂકવામાં આવ્યો છે. 1 ઓકટોબર 2018નાં રોજ મોસમનો આરંભિક પુરાંત સ્ટોક 28 લાખ ગાંસડી મૂકાયો હતો. 
અમેરિકન કૃષિ મંત્રાલય દ્વારા મંગળવારે (11 જૂન) મુકાનારા વાસ્ડે (વર્લ્ડ એગ્રીકલ્ચરલ સપ્લાય ઍન્ડ ડીમાંડ એસ્ટીમેટ) અહેવાલ તેજીતરફી આવે તેવી, રૂ બજાર માટે અત્યાવશ્યકતા છે. જો વાસ્ડે રીપોર્ટ તેજીતરફી આવ્યો તો તે રૂ બજાર માટે સ્ફોટક પુરવાર થશે, પરંતુ મંદીતરફી અહેવાલ, મેક્સિકો સાથેના વેપાર ઝઘડાને સમાધાન તરફ દોરી જવાની અમેરીકાને ફરજ પાડશે. જાગતિક બજારના રૂ વાયદાનું ઇન્ડીકેટર આઈસીઈ (ઇન્ટરકોન્ટીનેન્ટલ એક્સચેન્જ) જુલાઈ ડિલિવરી  સોમવારે ઇન્ટ્રાડેમાં 1 જૂન 2016 પછીની બોટમ નજીક પ્રતિ પાઉન્ડ (454 ગ્રામ) 64.86 સેન્ટના તળિયે પહોંચી ગયો હતો. અલબત્ત 11 જૂન 2018ના રોજ (ગત વર્ષે આજના દિવસે) બેન્ચમાર્ક વાયદો 95.25 સેન્ટની ઉંચાઈએ હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer