સઉદી અરેબિયાએ કેરળનાં ફળોની આયાત ફરી શરૂ કરી

સઉદી અરેબિયાએ કેરળનાં ફળોની આયાત ફરી શરૂ કરી
થિરુવનંથપુરમ, તા. 11 જૂન
કેરળમાં ફરીથી નિપાહ વાયરસનો ઉપદ્રવ ફાટી નીકળ્યો છે ત્યારે સઉદી અરેબિયાએ કેરળનાં ફળો અને શાકભાજીની નિકાસ પરના પ્રતિબંધને પાછો ખેંચી લેતાં રાજ્યને રાહતનો અનુભવ થયો છે.
સઉદી અરેબિયાએ કોચી, થિરુવનંથપુરમ અને કોઝીકોડેમાંથી દૈનિક ચાર લાખ ડૉલરનાં શાકભાજી અને ફળોની નિકાસની મંજૂરી આપી છે. કોઝીકોડેના પોમોના એક્સપોર્ટ્સના પી. ઈ. અશરફ અલીએ કહ્યું કે, મે મહિનાના બીજા પખવાડિયામાં અમને સઉદી અરેબિયન સરકાર પાસેથી સંદેશો મળ્યો કે પ્રતિબંધને પાછો ખેંચવામાં આવી રહ્યો છે. અૉક્ટોબર સુધી ગલ્ફના દેશો ફળોની ખરીદી વધારશે. 
સામાન્ય રીતે કેરળનાં ત્રણ વિમાનીમથકો પરથી ગલ્ફમાં રોજ $1.8 કરોડના ફળો અને શાકભાજીની નિકાસ થાય છે તેમાં ત્રીજા ભાગનો હિસ્સો સઉદી અરેબિયાનો છે. ગલ્ફના દેશો જે 130 ટન ફળો મગાવે છે તેમાં અનાનસ અને કેળાં મુખ્ય છે. એગ્રિકલચરલ પ્રોડકટ્સ ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ એક્સપોર્ટ્સના સેક્રેટરી દિલ કોશીએ કહ્યું કે, યુએઈ દર વર્ષે કેરળથી 35 કરોડ ડૉલરની કિંમતનાં ફળો અને શાકભાજીની આયાત કરે છે. કેરળ માટે યુએઈ સૌથી મોટું નિકાસ બજાર છે. 
ગયા વર્ષે યુએઈ દ્વારા પણ કેરળના ફળો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ગલ્ફના અન્ય દેશોની જેમ નિપાહ વાયરસ બાબતે સ્પષ્ટતા થતા તેણે પણ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. દરમિયાન આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધને ટ્વિટરના માધ્યમે કહ્યું કે, કેરળમાં નિપાહ વાયરસની ચિંતા કરવાનું કોઈ કારણ નથી. છ દર્દીઓમાં નિપાહ વાયરસનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer