વરસાદ ખેંચાતાં મગફળીનું વાવેતર 40 ટકા ઓછું

વરસાદ ખેંચાતાં મગફળીનું વાવેતર 40 ટકા ઓછું
વાવણી જોર પકડે એવી આશા બંધાઈ
કલ્પેશ શેઠ 
મુંબઈ, તા. 11 જૂન
કેરળમાં ચોમાસાની પધરામણી બાદ મુંબઈ સહિત પશ્ચિમ ભારતમાં ચોમાસું સક્રિય થઈ રહ્યું હોવાના અહેવાલો વચ્ચે સૌરાષ્ટ્રની રાજકીય વિવાદોથી ઘેરાયેલી કૉમોડિટી મગફળીનાં વાવેતર આ વખતે ધીમી ગતિએ પ્રગતિમાં છે. ચોમાસું બેસે તે પહેલાં દેશભરમાં આશરે 10,000 હેક્ટર વિસ્તારમાં ખરીફ મગફળીનું વાવેતર થયું છે. જોકે, મગફળીનાં વાવેતરની ગતિ પાછલા વર્ષની તુલના એ 40 ટકા જેટલી ઓછી હોવાનું જાણવા મળે છે. હવે વરસાદ આવતાં વાવેતર વેગ પકડશે એવી ધારણા છે. 
ભારત સરકારનાં કૃષિ વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે જૂન મહિનાનાં પ્રથમ સપ્તાહનાં અંત સુધીમાં આંધ્ર પ્રદેશમાં 4200 હેક્ટર, કર્ણાટકમાં 4100 હેક્ટર, ગુજરાતમાં 1300 હેક્ટર, તામીલનાડુમાં 200 હેક્ટર તથા અન્ય વિસ્તારોનાં આશરે 200 હેક્ટર ગણીને કુલ 10,000 હેક્ટરમાં મગફળીનાં વાવેતર સંપન્ન થયાં છે. યાદ રહે કે ગત વર્ષ આજ સમય ગાળા સુધીમાં 17000 હેક્ટરમાં મગફળીનાં વાવેતર થયાં હતા. સામાન્ય રીતે જૂનનાં પ્રથમ સપ્તાહનાં અંત સુધીમાં સરેરાશ 12000 હેક્ટર વિસ્તારમાંમગફળીનું વાવેતર થતું હોય છે. મતલબ કે આ વખતનું વાવેતર સરેરાશ કરતાં પણ ઓછું નોંધાયું છે. હવામાન ખાતાએ આગાહી કરી હતી કે પશ્ચિમ ભારતમાં 10 જૂન બાદ ચોમાસું સક્રિય થશે. મુંબઈમાં વરસાદી વાયરાં શરૂ થઇ ગયા છે જ્યારે અરબ સાગરમાં વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. 
દરમિયાન સરકારી સંસ્થા નાફેડે ઓરિસાનાં મલકાનગિરી વિસ્તારમાં મગફળીની ખરીદી શરૂ કરી છે. નાફેડની રવિ સિઝન-2019ની કુલ 79 ટનની ખરીદી થઇ હોવાના અહેવાલ છે. નાફેડ ટેકાના ભાવે એટલે કે ક્વિન્ટલ દિઠ  4890 રૂપિયાના ભાવે ખરીદી કરે છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે સિઝનનાં પ્રારંભે એટલે કે અૉક્ટોબર-18 માં એવા અંદાજ મુકાયા હતા કે ગુજરાતમાં વરસાદની ખેંચ રહી હોવાથી દેશમાં મગફળીનું ઉત્પાદન 29 ટકા જેટલું ઘટીને 37 લાખ ટન જેટલું થશે. પાછલા વર્ષે ઉત્પાદન 52.50 લાખ ટન જેટલું નોંધાયું હતું. માત્ર ગુજરાતમાં જ ઉત્પાદન અગાઉના વર્ષનું 31 લાખ ટનથી ઘટીને 16 લાખ ટન થવાની ધારણા મુકવામાં આવી હતી. કારણકે વરસાદ નહીં થતાં મગફળીના વાવેતર નિષ્ફળ જવાના કારણે ખેડૂતોને મગફળી કાઢીને અન્ય બિયારણ લગાવવા પડ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer