માંદા અને બંધ પડેલા સરકારી એકમોને ધમધમતા કરાશે અરવિંદ સાવંત

માંદા અને બંધ પડેલા સરકારી એકમોને ધમધમતા કરાશે અરવિંદ સાવંત
એકમોના નવનિર્માણ વડે નવા રોજગાર તૈયાર કરવાનું સર્વોચ્ચ લક્ષ્ય
એજન્સીસ
મુંબઈ, તા. 11 જૂન
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મમાં ભારે ઉદ્યોગ અને જાહેર એકમોના મંત્રાલય માટે પ્રથમવાર કેબિનેટ પ્રધાન બનેલા અરવિંદ સાવંત નવા રોજગાર નિર્માણને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી રહ્યા છે. કેન્દ્ર સરકાર હસ્તક બંધ પડેલા અને માંદા એકમોને ફરીથી શરૂ કરી વધુ રોજગાર નિર્માણ કરવાનું લક્ષ્ય તેમનું છે.
પોતાની સરકારના મેઈક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને તેના જેવા અન્ય અભિયાનો માટે પોતાનું મંત્રાલય નોંધપાત્ર યોગદાન આપવા પ્રતિબદ્ધ હોવાનું અરવિંદ સાવંતે જણાવ્યું હતું.
સરકાર હસ્તક બંધ પડેલા અને માંદા એકમોને પુનર્જીવિત કરવાનું મારું પ્રથમ ધ્યેય છે અને તે દ્વારા નવા રોજગાર તૈયાર કરવામાં આવશે એમ શિવસેનાના આ ઉપનેતાએ જણાવ્યું હતું.
હું જાણું છું કે બંધ પડેલા સરકારી એકમો અને નાણાભીડથી માંદા પડેલા એકમોને જૂની અને પરંપરાગત ઢબે ફરી ઊભા કરવા શક્ય નથી, પરંતુ ઇન્ફોર્મેશન-ટેક્નૉલૉજી અને નવા સંશોધન વડે તેને ફરી ધમધમતા કરી શકાય છે, એમ અરવિંદ સાવંતે જણાવ્યું હતું.
મૂડી રોકાણ છૂટું કરવાની સાથે ખાનગીકરણ અને એકમોની વિશાળ અસ્કયામતોમાં સામેલ જમીનનું વેચાણ કરી ભંડોળ ઊભું કરવા જેવા વિવિધ વિકલ્પોનો અમલ તેમનું મંત્રાલય કરશે, એમ તેમણે ઉમેર્યું હતું.
જોકે, એકવાત હું સ્પષ્ટ કરવા માગું છું કે જાહેર એકમોની જમીનનું વેચાણ નહીં થાય કારણ કે સરકારનો તેમાં સૌથી મોટો હિસ્સો રહેશે. સંયુક્ત સાહસ હેઠળ ભાગીદારને સામેલ કરવામાં આવશે, જેમને જમીનનો એક હિસ્સો આપવામાં આવશે અને તે દ્વારા મળેલા નાણાંનો ઉપયોગ ફરી જાહેર એકમને સક્ષમ કરવા માટે થશે.
જોકે, અંતિમ વ્યૂહ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને દિશાનિર્દેશ બાદ તૈયાર થશે. જાહેર એકમોને પુન:જીવિત કરવા માટે પોતાનું કૌશલ્ય આપવા માગતી વ્યક્તિઓનું અમે સ્વાગત કરીશું. આ માટે કન્સલ્ટન્ટ્સને પણ રોકીશું, એમ સાવંતે જણાવ્યું હતું.
વર્ષ 2014થી 2019 વચ્ચે સંસદની સ્થાયી સમિતિના સભ્ય તરીકે મને જાહેર એકમોની કામગીરીની જાણ છે, માંદા અને બંધ એકમોને ફરી ધમધમતા કરવા એ મારા માટે પરિચિત બાબત છે.
કેન્દ્ર સરકારના 320 જાહેર એકમો છે, તેમાંથી 244 કાર્યરત છે જ્યારે 76 એકમો તેમનું કામ હજી શરૂ કરી શકયા નથી. વર્ષ 2015-16માં 165 એકમોએ નફો કર્યો હતો જ્યારે 78 એકમોએ ખોટ નોંધાવી હતી, તેથી મારી સમક્ષ મોટા પડકારો છે, એવો સ્વીકાર અરવિંદ સાવંતે કર્યો હતો.
નફો કરતા જાહેર એકમોનો ચોખ્ખો નફો રૂા. 1.44 લાખ કરોડ અને ખોટમાં જતાં એકમોની ચોખ્ખી ખોટ રૂા. 28,756 કરોડ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer