ભારતનો જીડીપી 2011-2017 વચ્ચે વધુપડતો ઊંચો દર્શાવાયો હતો અરવિંદ સુબ્રમણ્યમ

ભારતનો જીડીપી 2011-2017 વચ્ચે વધુપડતો ઊંચો દર્શાવાયો હતો અરવિંદ સુબ્રમણ્યમ
એજન્સીસ
નવી દિલ્હી, તા. 11 જૂન
વિશ્વના સૌથી ઝડપથી વિકસતાં અર્થતંત્રોમાં ભારતની ગણના થતી હતી, પણ ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ જણાવે છે કે 2011-2017 વચ્ચે ભારતીય જીડીપીના વિકાસદરનો વાર્ષિક 7 ટકાનો જે દાવો કરાતો હતો તે વધુપડતો હતો. વાર્ષિક વિકાસદર વાસ્તવમાં 4.5 ટકા જ હતો, એમ હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ દ્વારા પ્રકાશિત સંશોધનપત્રમાં જણાવાયું છે.
પાછલી કૉંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે 2012માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ની ગણતરીની પદ્ધતિમાં ફેરફાર કરતાં આ વધુપડતા ઊંચા અંદાજો આવતા થયા હતા. કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે અગાઉના વોલ્યુમ આધારિત આંકડાના બદલે નાણાકીય હિસાબ આધારિત આંકડા ગણતરીમાં લઈ સમાધાન કર્યું હતું. આથી તેલના ભાવો નીચા હતા તે ગાળામાં ભાવોના ફેરફાર અંગે જીડીપી અંદાજો વધુ સંવેદનશીલ રહ્યા હતા. ઇનપુટ પ્રાઇસ દ્વારા ઇનપુટ વેલ્યુના સંકોચનના બદલે ગણનાની નવી પદ્ધતિમાં આઉટપુટ પ્રાઇસ દ્વારા વેલ્યુના કારણે ઉત્પાદનવૃદ્ધિ વધુપડતી જણાઈ હતી.
આ અભ્યાસ ભારતના આર્થિક આંકડાઓ અંગે વધુ શંકા ઊભી કરે છે. વધુને વધુ વિવેચકો ભારતના વર્તમાન વિકાસના ઊંચા આંકડાઓ અંગે પ્રશ્નો ઉઠાવતા થયા છે. વિલંબિત રોજગાર અહેવાલ અંગે પણ આ વર્ષના પ્રારંભે વિવાદ ઊભો થયો હતો, આંકડાઓ અંગે શંકા વ્યક્ત કરનાર બે સ્ટેટિસ્ટિક્સ અધિકારીઓને છૂટા થવું પડયું હતું અને વિશ્વભરના 108 અર્થશાત્રીઓના ગ્રુપે પણ પ્રશ્નો કર્યા હતા.
સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ડેટા જનરેશન અંગે ભારતની શાખને જે ઘસરકો લાગ્યો છે તે ભારતે દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ. આ સમગ્ર પ્રક્રિયાની સ્વતંત્ર ટાસ્ક ફોર્સ દ્વારા સમીક્ષા થવી જોઈએ. તાજેતરના આંકડા જણાવે છે કે આ વર્ષના પ્રથમ 3 મહિનાનો ભારતનો વિકાસ પાંચ વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer