વાયુ વાવાઝોડું આજે સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારો ઉપર ત્રાટકવાની શક્યતા

વાયુ વાવાઝોડું આજે સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારો ઉપર ત્રાટકવાની શક્યતા
દક્ષિણ  ગુજરાતના દરિયાકાંઠા એલર્ટ પર  - સુરતનો ડુમસ બીચ 15મી સુધી બંધ કરાયો
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, સુરત, તા. 11 જૂન 
ગુજરાતના દરિયાકિનારા પર આવતી કાલથી 14મી જૂન સુધીમાં વાયુ વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને જોતાં તંત્રએ દક્ષિણ ગુજરાતનો દરિયાકિનારે એલર્ટ જાહેર કરી નાગરિકો માટે સૂચનાઓ જારી કરી છે. સંભવિત વાવાઝોડાના પગલે તંત્રએ સુરતનો ડુમસ બીચ 15મી સુધી બંધ કર્યો છે. સરેરાશ 110થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સંભાવના જોતાં દરિયાકાંઠે ભારે નુકસાનની ભીતી સેવાઈ છે. તંત્રએ હજીરાના ઉદ્યોગોને તેમનાં વહાણ અને સ્ટીમરોને કિનારે લંગારવાની સૂચના આપી છે. હાલ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી અંદાજે 700 કિલોમીટર દૂર છે.
ગુજરાત તરફ 50 કિલોમીટરની ઝડપે આવી રહેલું વાયુ વાવાઝોડું 12મીની મધ્યરાત્રિએ ગુજરાતના દરિયાકિનારે ટકરાય તેમ છે. વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે વધુ ગતિથી ત્રાટકશે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે નહિવત્ અસર વચ્ચે પણ તંત્રએ વાવાઝોડાને લઇને પૂરતી તૈયારીઓ કરી રાખી છે. વલસાડ જિલ્લાની દરિયાઈ પટ્ટીમાં માછીમારોને દરિયો નહિ ખેડવાની સૂચના જારી કરવામાં આવી છે. વાવાઝોડાનો સંભવિત ખતરો જોતાં દાંડી, તીથલ, ડુમસ, ઉભરાટ સહિતના બીચ પર સહેલાણીઓને દરિયામાં નહિ જવા સૂચના આપી છે. તેમ જ માછીમારી કરતાં સાગરખેડુને દરિયો નહિ ખેડવાની સૂચના આપવામાં આવી છે. 
નવસારી કલેકટરે જાન-માલનું નુકસાન ન પહોંચે તે માટે તાકીદે બેઠક બોલાવીને અગમચેતીનાં પગલાં લેવાના શરૂ કર્યા છે. કાંઠા વિસ્તારના માછીમારોને તાત્કાલિક પાછા બોલાવી લેવા મદદનીશ મત્સ્યઉદ્યોગ કમિશનરે આદેશ જારી કર્યો છે. અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક સક્રિય થયેલા લૉ પ્રેશરને પગલે આગામી બે દિવસમાં મોન્સૂન સિસ્ટમ સક્રિય થશે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં બફારો અને ભેજનું પ્રમાણ એકદમથી વધ્યું છે. આજે સવારથી જ સુરત શહેરમાં વાદળછાયું વાતાવરણ અને સમગ્ર આકાશ ગોરંભાયું છે.
શહેરમાં ડુમસ બીચ અને ગણેશ બીચ સુધી જવાના રસ્તે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સહેલાણીઓને બીચ પર નહિ જવા માટે પોલીસ કામે લાગી છે. 
વાયુ વાવાઝોડું 12 અને 13 જૂનના રોજ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. આ તોફાન કેટલી તબાહી સર્જશે તે તો ખબર નથી, પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ઘમરોળી નાખશે. ગુજરાત સરકાર દ્વારા આ તોફાનને પહોંચી વળવા માટે તમામ શક્ય પગલાં લેવાઇ રહ્યાં છે. વેરાવળથી વાયુ વાવાઝોડાનું અંતર જે 740 કિલોમીટર હતું તે હવે ઘટીને 680 કિલોમીટર થયું છે. જેના પગલે જામનગર સહિત તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. ગઇકાલે એક નંબરનું સિગ્નલ અપાયુ ંહતું, જે હટાવીને બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાત પર તોળાતો વાયુ વાવાઝોડાનો ખતરો આગામી 36 કલાકમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. 
વાવાઝોડાની સંભવિત અસરના પગલે મોરબી જિલ્લામાં નવલખી દરિયાકાંઠાનાં 39 ગામના 5900થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, તો 160થી વધુ બોટ અને 4000 જેટલા માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઇ છે. એનડીઆરએફની ટીમને મોરબીમાં તૈનાત કરાઇ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 800 આસપાસની બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે.  અમરેલીના દરિયામાં મોજા ઉંચે ઊછળી રહ્યા છે. વાવાઝોડાના પગલે ગીર સોમનાથનાં 40 ગામોને એલર્ટ કરાયાં છે. સૂત્રાપાડાના 7, ઉનાના 17, કોડીનાર અને વેરાવળનાં 8-8 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે. ભાવનગરના દરિયાકાંઠાના 34 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. મહુવા અને તળાજાનાં આશરે 17થી 18 ગામ પર તંત્ર નજર રાખી રહ્યું છે.  આ માટે એનડીઆરએફની ટીમને મહુવા ખાતે મોકલવામાં આવશે. તો બીજી તરફ જોડીયા અને જામનગર ખાતે પણ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે.  કચ્છમાં જખૌ બંદર પર પણ એલર્ટ આપવામાં આવ્યું છે. જખૌ બંદર પર માછીમારોને સચેત કરી દેવામાં આવ્યા છે. એનડીઆરએફની બે ટીમ જખૌ બંદર પર તૈનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ તંત્ર તરફથી અલંગના કામદારોને ચેતવણી આપવામાં આવી છે. 
આ ઉપરાંત પંજાબથી પણ 5 ટીમ બોલાવવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે રો-રો ફેરી સર્વિસ હાલપૂરતી  સ્થગિત કરવામાં આવી છે. એક તરફ વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ દરિયાકાંઠે આવેલાં પર્યટન સ્થળો પરથી પર્યટકો પરત ફરી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer