બજેટમાં એસએમઈ સેક્ટરને વિશેષ રાહતો મળવાની શક્યતા

બજેટમાં એસએમઈ સેક્ટરને વિશેષ રાહતો મળવાની શક્યતા
જેમ્સ-જ્વેલરી, ટેક્સ્ટાઈલ, પર્યટન ક્ષેત્રોને લાભ મળવાની ધારણા
એજન્સીસ
નવી દિલ્હી, તા.11 જૂન
નાણા મંત્રાલય બજેટમાં રોજગાર અને નિકાસને વધારવા માટે પ્રતિબદ્ધ છે. મંત્રાલય વ્યાજદરમાં રાહત, નાણાં સહાય, ચોક્કસ ટર્નઓવર ધરાવતા એમએસએમઈ (માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈસિસ) ક્ષેત્રને ઓછો કર જેવાં પ્રોત્સાહન આપી શકે છે, જેથી રોજગારમાં વધારો થાય અને નિકાસની તકો પણ વધે. 
વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)નાં સૂત્રોએ કહ્યું કે, આ ક્ષેત્રોમાં વધુ નાણાંની ફાળવણી થઈ શકે છે જેથી ઉપરોક્ત બે લક્ષ્યને પૂરા કરી શકાશે. ટેક્સ્ટાઈલ, લેધર, ફૂડ પ્રોસેસિંગ, જેમ્સ અને જ્વેલરી, હસ્તકળા, ફૂટવેર અને પર્યટન જેવાં ક્ષેત્રોમાં નિકાસ અને રોજગારની વધુ તકો હોવાથી આ ક્ષેત્રોને વિશેષ રાહત મળવાની શક્યતા છે. 
વચગાળાના બજેટમાં એમએસએમઈ ક્ષેત્ર માટે કોઈ પ્રોત્સાહનની જાહેરાત કરવામાં આવી હતી. આ ક્ષેત્રમાં નોટબંધી અને ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ની માઠી અસર પડી હોવાથી રોજગાર ઘટયા છે. ગયા વર્ષના નવેમ્બરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી રજિસ્ટર્ડ એસએમઈને 59 મિનિટમાં બે ટકા વ્યાજે રૂા.1કરોડ સુધીની લોન આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય અન્ય કોઈ પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યા નથી. 
ઈનપુટમાં રિફંડ રૂપે પણ પ્રોત્સાહન આપી શકાય છે. કેન્દ્ર અને રાજ્ય સ્તરના અનરિબેટેડ કરમાં નવા પ્રોત્સાહનો ઓફર થઈ શકે છે, એમ પણ સૂત્રોએ કહ્યું હતું. નાણા પ્રધાન નિર્મલા સિતારામને તાજેતરમાં ઉદ્યોગ સાથે  કરેલી મિટિંગમાં નિકાસ, રોજગાર સહિત અન્ય મુદ્દાઓ ઉપર હિસ્સાધારકો સાથે ચર્ચા કરી હતી.  રોજગાર નિર્માણ હાલ મહત્ત્વનો મુદ્દો છે. બજેટમાં આ મુદ્દો કેન્દ્ર સ્થાને હોઈ શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer