ભારત-થાઇલૅન્ડ વચ્ચે વેપાર વધશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 જૂન
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલાં વ્યાપારિક યુદ્ધને લીધે વિશ્વમાં અન્ય અગ્રગણ્ય લેખાતા દેશોનો વેપાર વધી જશે. આ અન્ય દેશોમાં અૉસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, જાપાન, ભારત અને થાઇલૅન્ડનો સમાવેશ થાય છે. એવો આશાવાદ થાઇલૅન્ડનાં મુંબઈખાતેનાં એલચી અને ડિરેક્ટર શ્રીમતી સુપાત્રા સાવેંગશ્રીએ વ્યક્ત કર્યો હતો.
શ્રીમતી સુપાત્રાએ જણાવ્યું હતું કે આગામી થોડાક સમયમાં જ ભારત અને થાઇલૅન્ડનો વ્યાપાર પણ ઉપરોક્ત વ્યાપારીક યુદ્ધના લીધે વધી જશે.
ભારત અને થાઇલૅન્ડનાં દ્વિપક્ષી વેપાર વિષે તેમણે જણાવ્યું હતું કે સન 2018માં પૂરા થયેલ વર્ષ દરમિયાન બન્ને દેશો વચ્ચેનો વેપાર 12.46 અબજ ડૉલરનો થયો હતો. જેમાંથી થાઇલૅન્ડની કુલ નિકાસ 7.60 અબજ અમેરિકી ડૉલરની હતી. આની સામે ભારત તરફથી થયેલ નિકાસનું કુલ મૂલ્ય 4.86 અબજ અમેરિકી ડૉલરની રહી હતી.
દ્વિપક્ષી વેપારને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે લાઇલૅન્ડ સરકારે 27મી જૂનથી પ્રદર્શન અને સેમિનાર યોજ્યો છે. મહારાષ્ટ્રનાં ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer