રત્નાગિરિ રિફાઈનરી બાબતે નિર્ણય અૉગસ્ટ સુધીમાં લેવો પડશે

મુંબઈ, તા. 18 જૂન
રત્નાગિરિની મેગા રિફાઈનરી બાબતે જો અૉગસ્ટ સુધીમાં જમીન ફાળવણીનો નિર્ણય રાજ્ય સરકાર લેશે નહીં તો તે આ પ્રોજેક્ટ ગુમાવશે. છેલ્લાં બે વર્ષથી 6 કરોડ ટનનો આ પ્રોજેક્ટ વિલંબમાં રહ્યો છે. હિસ્સાધારકો હવે વધુ રાહ જોવા માગતા નથી. 
આ બાબત સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું કે, વર્તમાન ટાઈમટેબલને જોતા પ્રોજેક્ટનો પહેલો તબક્કો વર્ષ 2025 સુધીમાં શરૂ થઈ જવો જોઈતો હતો, પરંતુ પ્રોજેક્ટમાં આવી રીતે જ વિલંબ થતો રહેશે તો નુકસાન થશે. 
રિફાઈનરી રત્નાગિરિ જીલ્લાના સિન્નરમાં હતી, પરંતુ સ્થાનિકમાં ધોરણે આંદોલન થયા હતા. પર્યાવરણને ધ્યાનમાં લઈને આ વિસ્તારમાં પ્રોજેક્ટ નહીં સ્થાપવાનો રાજકીય મુદ્દો પણ ઊભો થયો હતો. રાજ્ય સરકારે હિસ્સાધારકોને અન્ય સ્થળ ફાળવવાની ખાતરી આપી હતી. રાયગઢમાં આ પ્રોજેક્ટ ખસેડવાની વાત હતી, પરંતુ ચૂંટણીને લીધે કોઈ નિર્ણય લેવાયો નહોતો. ભાજપ ફરી સત્તાએ આવતા રત્નાગિરિ રિફાઈનરી ઍન્ડ પેટ્રોકેમિકલ્સ (આરઆરપીસીએલ)ને આશા છે કે ટૂંક સમયમાં જમીનની ફાળવણી થશે. 
આરઆરપીસીએલના અગ્રણી પ્રમોટર્સમાં સાઉદી અરામકો અને અબુ ધાબી નેશનલ ઓઈલ કંપનીનો સમાવેશ છે. આ બંનેનો પચ્ચીસ ટકા હિસ્સો છે, બાકીનો 50 ટકા હિસ્સો ઈન્ડિયન ઓઈલ, બીપીસીએલ અને એચપીસીએલનો છે. 
સૂત્રોએ કહ્યું કે, પહેલાથી જ બે વર્ષ થઈ ગયા છે. મહારાષ્ટ્ર સરકાર આ પ્રોજેક્ટને જાળવી રાખવા માગે છે, કારણ કે રોકાણ અને રોજગારની દૃષ્ટિએ આ પ્રોજેક્ટ મહત્ત્વનો છે. તેમ જ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા પણ આ પ્રોજેક્ટ મહત્ત્વનો છે. જો મહારાષ્ટ્રમાં જગ્યા ન મળે તો ગુજરાત જેવા રાજ્યમાં પ્રોજેક્ટ ખસેડાશે. 
ગુજરાતમાં પહેલાથી જ એસ્સાર ઓઈલ અને ઈન્ડિયન ઓઈલની રિફાઈનરી છે. નિષ્ણાતોના મતે ગુજરાત હજી રિફાઈનરીઓને આવકારશે. ગુજરાત રાજ્ય ઝડપી મંજૂરીઓને લીધે પણ જાણિતું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer