મલેશિયન પામતેલની આયાત ડયૂટી વધારવાની માગ

પુણે, તા.18 જૂન
દેશના ખાદ્ય તેલ રિફાઈર્ન્સે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે મલેશિયાથી આયાત કરવામાં આવતા પામતેલની આયાત ડયૂટીમાં વધારો કરવામાં આવે, કારણ કે આયાત કરવામાં આવતા આ પામતેલથી સ્થાનિક ઉદ્યોગને હાની પહોંચી રહી છે.
ભારત વિશ્વમાં ખાદ્ય તેલની આયાત કરવામાં પ્રથમ ક્રમાંકે છે. મે મહિનામાં રિફાઈન્ડ પામતેલની આયાત વધીને 3,71,060 ટન હતી, જે એપ્રિલમાં 2,38,479 ટન હતી, એમ સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન (સી)ના આંકડા દર્શાવે છે. જાન્યુઆરીમાં મલેશિયાથી આયાત કરવામાં આવતા રિફાઈન્ડ પામતેલની આયાત ડયૂટી 54 ટકાથી ઘટાડીને 45 ટકા કરી હતી. આયાત ડયૂટીમાં આ ઘટાડો બે દશક પહેલા સર્વગ્રાહી આર્થિક સહકાર કરાર (સીઈસીએ) અંતર્ગત કરવામાં આવ્યો હતો. જોકે, સ્થાનિક રિફાઈનર્સ અને તેલિબિયાના ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખતા આરબીડી પામોલિનની આયાત ડયૂટી વધારવામાં આવી હોવાનું `સી'ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી વી મહેતાએ કહ્યું હતું. 
વર્ષ 2011માં ભારત-મલેશિયા વચ્ચે કરાર થયા બાદ રિફાઈન્ડ પામતેલની આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે, અને સ્થાનિક પામ રિફાઈનર્સ ઉપર ભારે અસર પડી રહી છે, ઉપરાંત તેલિબિયાના ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે.
આ વર્ષના મે મહિનામાં પામતેલની કુલ આયાત 8,18,149 ટન હતી, જે ગત વર્ષના સમાન મહિનામાં 3,62,637 ટન હતી. વેજીટેબલ ઓઈલ (પામ અને હળવા ઓઈલ)ની આયાત ગત વર્ષના મે મહિનાના 12,86,240 ટનથી ઘટીને આ વર્ષના મે મહિનામાં 12,21,989 ટન થઈ છે, એમ સીના આંકડા દર્શાવે છે. 
ભારત મુખ્યત્વે ઈન્ડોનેશિયા અને મલેશિયાથી પામતેલની આયાત કરે છે અને લેટિન અમેરિકાથી ઓછા પ્રમાણમાં ક્રૂડ સોફ્ટ ઓઈલની આયાત કરે છે, જેમાં સોયાબિન ઓઈલનો પણ સમાવેશ છે. સૂર્યમુખીતેલની આયાત યુક્રેન અને રશિયામાંથી કરવામાં આવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer