વિવિધ ગ્રેડની ચા માટે લઘુતમ ભાવ નક્કી કરવાની વિચારણા

પીટીઆઈ
નવી દિલ્હી, તા. 18 જૂન
ટી બોર્ડ ચાના વિવિધ ગ્રેડ માટે લઘુતમ બેન્ચમાર્ક ભાવ નક્કી કરવા માટે ઉદ્યોગની માગની વિચારણા કરી રહ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ચા ક્ષેત્રની વૃદ્ધિને અને નિકાસને પ્રોત્સાહન આપવા ચાના વિવિધ ગ્રેડ માટે સરકાર લઘુતમ બેન્ચમાર્ક ભાવ નક્કી કરે તેવી માગણી ઈન્ડિયન ટી બોર્ડ એસોસિયેશન (આઈટીએ)એ કરી છે. ટી બોર્ડ અને આઈટીએ આ બાબતે ચર્ચાવિચારણા કરી રહ્યાં છે.
આ ઉદ્યોગના જણાવ્યા મુજબ સુધારણા કરવાની માગથી ચા કંપનીઓ આ ક્ષેત્રને અસર કરતી અસમાન ભાવની સમસ્યાઓનો ઉકેલ લાવી શકશે.
બેન્ચમાર્ક ભાવ ચાના ઉત્પાદન અને અગાઉના મહિનાના લિલામના દરના આધારે નક્કી થાય છે. આ ઉદ્યોગની દરખાસ્ત મુજબ વિવિધ પ્રકારની ચાનું વેચાણ બોર્ડે નક્કી કરેલા ચોક્કસ કરતાં ઓછા ભાવે કરવું જોઈએ નહીં.
દેશમાંથી 2018માં રૂા. 5132.37 કરોડના મૂલ્યની ચાની નિકાસ કરી હતી જે 2017માં રૂા. 4987.59 કરોડની થઈ હતી.
ભારત માટે ચાની નિકાસની મુખ્ય બજાર ઈરાન, ચીન, યુએઈ, પાકિસ્તાન અને આર્મેનિયા, બેલારુસ, કઝાકસ્તાન અને કિર્ગિસ્તાન છે.
આ વર્ષે જાન્યુઆરીમાં ચાનું ઉત્પાદન ગયા વર્ષના સમાનગાળાના 176.80 લાખ કિ.ગ્રા.થી ઘટીને 139.60 લાખ કિ.ગ્રા. થયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer