જીએસટી રજિસ્ટર્ડ કરદાતા સંખ્યા લગભગ બમણી થઈ

`વૅટ' એન્ટ્રી ટૅક્સ સહિતની લેણી રકમની વસૂલાત માટે એમ્નેસ્ટી સ્કીમમાં સુધારા થશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 જૂન
મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે ગત ફેબ્રુઆરીમાં રજૂ કરેલા વચગાળાના બજેટમાં સેલ્સ ટૅક્સ ડિપાર્ટમેન્ટ હેઠળના `વૅટ' અને અન્ય કાયદા હેઠળની એરિયર્સની રકમ ઘટાડવા એમ્નેસ્ટી સ્કીમ રજૂ કરવામાં આવી હતી. તેને એકંદરે સારો પ્રતિસાદ મળ્યો છે. તે સ્કીમ સંબંધી વટહુકમમાં કેટલાક સુધારા કરવાનો પ્રસ્તાવ હોવાનું નાણાપ્રધાન મુનગંટ્ટીવારે જણાવ્યું છે.
મહારાષ્ટ્રમાં જીએસટીના અમલ પછી રજિસ્ટર કરદાતાઓની સંખ્યા 7.75 લાખથી વધીને 15.50 લાખ સુધી પહોંચી છે. વચગાળાના બજેટમાં થયેલી જાહેરાત પછી રાજ્યપાલે ગત છઠ્ઠી માર્ચે મહારાષ્ટ્ર સેટલમેન્ટ અૉફ એરિયર્સ અૉફ ટૅકસ, ઈન્ટરેસ્ટ, પેનલ્ટી, ઓર લેટ ફી ઓર્ડિનન્સ બહાર પાડયો હતો. તેમાં `વૅટ' હેઠળ લેણી નીકળતી રકમ અને વિવિધ સ્તરે અટવાયેલી અપીલનો ઝડપથી નિકાલ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આ માફી યોજના હેઠળ 17મી જૂન, 2019 સુધીમાં 15,650 અરજીઓ પ્રાપ્ત થઈ છે. તેની મારફતે 750 કરોડ રૂપિયા પ્રાપ્ત થઈ શકે એમ છે. હવે સરકાર આ વટહુકમમાં કેટલાક સુધારા કરવા ઈચ્છે છે. એમ્નેસ્ટી સ્કીમનો લાભ લેવા અરજદારે બિનવિવાદાસ્પદ વેરાની પૂર્ણ રકમ અને વિવાદાસ્પદ વેરાની અમુક ટકાવારી ચૂકવવી જરૂરી છે. તેની વિગતો એનેકસર-એક અને એનેકસર-બેમાં છે. એમ્નેસ્ટી સ્કીમનો લાભ લેવા માટેની સમયમર્યાદા લંબાવવામાં આવશે. તેનો પ્રથમ તબક્કો આવતી 31મીએ જુલાઈએ અને બીજો તબક્કો આવતી 31મી અૉગસ્ટે પૂરો થશે. સ્ટેચ્યુટરી ઓર્ડર અનુસાર એરિયર્સની રકમ અને 16મી અૉગસ્ટ પહેલાં સુધારિત રિટર્ન ભરનારાઓ આ સ્કીમનો લાભ લઈ શકશે. વટહુકમમાં સ્પષ્ટતા લાવવી આવશ્યક છે કે વેરાની રકમ પહેલા બિનવિવાદાસ્પદ વેરા સામે એડજસ્ટ કરવી અથવા વિવાદાસ્પદ વેરા સામે. તેથી વટહુકમમાં સુધારો કરીને સ્ટેચ્યુટરી ઓર્ડર બિનવિવાદાસ્પદ વેરા અને વિવાદાસ્પદ વેરા વચ્ચેનો રેશિયો નક્કી કરવાનો પ્રસ્તાવ છે. સેટલમેન્ટ માટે પાત્ર રકમ નક્કી કરવા માટે ગત 31મી માર્ચ સુધીમાં ચૂકવવામાં આવેલી રકમને વેરાની આઉટસ્ટેન્ડિંગની રકમમાંથી બાદ કરાશે. સેટલમેન્ટ માટે બિનવિવાદાસ્પદ વેરા અને વિવાદાસ્પદ વેરાના રેશિયો લાગુ પાડવામાં આવશે.
`વૅટ' એકટની અપીલ અંગેની જોગવાઈ મુજબ અપીલને દાખલ કરવા ડીકલેરેશન/ સર્ટિફિકેટ મળ્યું ન હોય ત્યારે અપીલ કરનારે વેરાની 100 ટકા રકમ ભરવી પડે છે. આ સંજોગોમાં ઉપર જણાવેલા ગ્રાઉન્ડને આધારે કરાયેલી ડિમાન્ડ સેટલ કરનારને માત્ર વ્યાજ અને પેનલ્ટીમાં જ રાહત મળી શકશે.
એમ્નેસ્ટી સ્કીમ એન્ટ્રી ટૅક્સ એકટ, 1987 હેઠળની એરિયર્સને પણ લાગુ પડશે. એન્ટ્રી ટૅક્સ એકટ હેઠળ ચૂકવાયેલી રકમ માટે `વૅટ'ના ધારા હેઠળ સેટ ઓફ મેળવવા સંબંધી અસ્પષ્ટતા દૂર કરવામાં આવશે.
સંબંધિત કાયદા હેઠળ વેરા, વ્યાજ, લેટ ફી અને પેનલ્ટીની રકમનું સેલ્ફ એસેસમેન્ટ કરી શકાશે. આ હેતુસર એનેકસર-એ અને એનેકસર-બીને વટહુકમમાં જોડવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer