ચોમાસાના વિલંબથી કઠોળ અને સોયાબીનના વાવેતરને માઠી અસર

એજન્સીસ, નવી દિલ્હી, તા. 18 જૂન
કઠોળ અને સોયાબીનનો મહત્તમ પાક લેવાતા મધ્ય ભારતમાં ચોમાસું વિલંબાવાથી તેના વાવેતરને અસર થઈ છે એમ ખેડૂતો અને વેપારીઓનું કહેવું છે.
સામાન્ય રીતે સમગ્ર દેશનો મધ્ય વિસ્તાર અને બિહાર તેમ જ દક્ષિણ રાજસ્થાનમાં ચોમાસું જૂનના મધ્ય સુધીમાં શરૂ થાય છે, પરંતુ આ વર્ષે કેરળમાં એક સપ્તાહ મોડું 8 જૂને પહોંચ્યું હતું અને મંદ ગતિએ આગળ વધી રહ્યું છે. દેશમાં સોયાબીનનો પાક લેતા અગ્રેસર રાજ્ય મધ્યપ્રદેશમાં ચોમાસું લગભગ આઠ દિવસ વિલંબાયું છે. જેની વાવેતર પર અસર થશે, એમ સોયાબીન પ્રોસેસર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સોપા)ના અધ્યક્ષ દવિષ જૈને કહ્યું હતું. મધ્ય ભારતમાં 20 જૂન સુધીમાં વાવેતર વેગ પકડતું હોય છે. આ વર્ષે તેમાં આઠ દિવસનો વિલંબ થવાની શક્યતા છે. મધ્ય ભારતના વરસાદ આધારિત વિસ્તારમાં વ્યાપકપણે પાક લેવાય છે અને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે એમ જૈને કહ્યું હતું. સોયાબીન કાયમી લેવાતો પાક છે, પરંતુ ખેડૂતોને ખેતર ખેડે અને બિયારણનું વાવેતર કરે તે પહેલા જમીનમાં ભેજની જરૂર હોય છે. બિયારણને અંકુરિત થવા માટે બેથી ત્રણ ઈંચ જેટલો સારો વરસાદ સહાયક બને છે. ત્યાર બાદ છોડવાઓની સારા વિકાસ માટે પણ તે જરૂરી બને છે.
મધ્યપ્રદેશમાં આ મહિને વરસાદ સરેરાશ કરતાં 70 ટકા ઓછો હોવાથી જમીન ભેજ વગરની સૂકી છે. પરિણામે ખેડૂતોને ખરીફ પાક લેવા માટે મુશ્કેલી થઈ રહી છે.
મધ્યપ્રદેશના સરકારી અધિકારીઓએ કહ્યું હતું કે તેઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer