પહેલા ત્રિમાસિકમાં કોર્પોરેટ એડવાન્સ ટૅક્સમાં 171 ટકાનો ઊછાળો

એજન્સીસ, નવી દિલ્હી, તા. 18 જૂન
દેશના કોર્પોરેટ ક્ષેત્રમાં મંદી આવી હતી પરંતુ વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકના એડવાન્સ ટૅક્સના આંકડા જોતાં અર્થતંત્ર ફરી પાટે ચઢ્યા હોવાના સંકેત છે. 
ભારતીય કંપનીઓ દ્વારા એડવાન્સ ટૅક્સમાં 171 ટકાનો વધારો થયો હતો, જ્યારે મુંબઈમાં નોંધપાત્ર 133 ટકાનો વધારો થઈને રૂા.17,174 કરોડ થયો હતો, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂા.7356 કરોડનો હતો, એમ કર વિભાગના આંકડા દર્શાવે છે. 
કોર્પોરેટ ટૅક્સ કલેકશન રૂા.14,873 કરોડ થયું છે, જે ગત વર્ષે રૂા.5477 કરોડ હતું. ત્રિમાસિક ગાળામાં વ્યક્તિગત ચુકવણી 22.4 ટકા વધીને રૂા.1879 કરોડથી રૂા.2301 કરોડ થઈ છે. કર સત્તાવાળાઓનું માનવું છે કે આ સકારાત્મક વૃદ્ધિના સંકેત છે. નાણાકીય વર્ષ 19માં અર્થતંત્ર 20 મહિનાની નીચલી સપાટીએ વૃદ્ધિ પામીને 5.8 ટકા થયું હતું, જેથી એકંદર વૃદ્ધિ એક વર્ષની નીચલી સપાટીએ 6.8 ટકા હતું. 
અર્થતંત્રમાં સુધારો થયો હોવાથી આંકડા પણ સુધર્યા છે, એમ કર અધિકારીઓએ કહ્યું હતું. અધિકારીના મતે અમુક પરિબળોને લીધે કરદાતાઓ એડવાન્સ ટૅક્સ ચૂકવી રહ્યા છે. 
વધુમાં અમુક મોટી કંપનીઓની વૃદ્ધિ પણ ગત વર્ષની સરખામણીએ વધુ થઈ હતી. 
વચગાળાના બજેટમાં નાણાકીય વર્ષ 2020 માટે ડાયરેક્ટ ટૅક્સ કલેક્શનનું લક્ષ્ય રૂા.11.5 લાખ કરોડ છે. મુંબઈમાં સૌથી વધુ રૂા.4.39 લાખ કરોડનું કલેક્શનનું ટાર્ગેટ છે. મુંબઈમાં અત્યાર સુધીમાં રૂા.27,208 કરોડનું કલેકશન થયું છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીએ 54 ટકા વધુ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer