ફેબેક્સા 2019નું સમાપન રૂા. 2200 કરોડથી વધુના ઓર્ડર બુક

ફેબેક્સા 2019નું સમાપન રૂા. 2200 કરોડથી વધુના ઓર્ડર બુક
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.18 જૂન મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલા ત્રિદિવસીય ટેક્સ્ટાઇલ ફેર ફેબેક્સા 2019નું સફળતાપૂર્વક સમાપન થયું હતું. અમદાવાદ અને ગુજરાતના 60થી વધુ ટ્રેડર્સોએ ફેબેક્સામાં ભાગ લીધો હતો. ત્રણ દિવસ દરમિયાન દેશભરમાંથી આમંત્રિત કરેલા 400થી વધુ બાયર્સ-હોલસેલર્સોએ ખરીદીમાં સારો ઉત્સાહ દાખવતાં અંદાજે રૂા.2200 કરોડથી વધુના ઓર્ડર બુક કરાવ્યા છે. જે લગભગ ટ્રેડર્સોએ આગામી 3થી 4 માસનો એડવાન્સ વેપાર કર્યો છે.
આ બાબતે વધુ માહિતી આપતાં મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગભાઇ ભગતે અને ટેક્સટાઇલ ટ્રેડર્સ પ્રોસેસર્સ એસોસિયેશનના ઉપપ્રમુખ નરેશ શર્માએ જણાવ્યું હતું કે, આ અગાઉ ફર્મ ટુ ફેશન-1 અને 2નું આયોજન અમે જીસીસીઆઇ સાથે સંયુક્ત રીતે કર્યુ હતું, જ્યારે ફેબેક્સા 2019એ મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને તેની ટીમે સ્વતંત્ર રીતે આયોજન કર્યું અને સફળતા મેળવી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ત્રણ દિવસ દરમિયાન અનેક બી ટુ બી મિટિંગો યોજાઇ હતી. જેમાં અંદાજે 4300થી વધુ દેશભરના ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા વ્યાપારીઓ, બાયર્સોએ ભાગ લીધો હતો. ફેબેક્સા 2019માં સૌથી વધુ શર્ટિંગની વેરાઇટીના ઓર્ડર બુક થયા છે. આ ઉપરાંત લીનન, લાયક્રા, નોન લાયક્રામાં પણ ટેડર્સોએ મોટા પ્રમાણમાં ઓર્ડર બુક કર્યા છે.
ફેબેક્સાની સૌથી વિશેષ બાબત એ હતી કે, મુફ્તી, સ્પાઇકર જીન્સ, કીલર, રોકસ્ટાર, પામ અમેરિકા જેવી દેશભરની અગ્રણી બ્રાન્ડના ઉચ્ચ અધિકારીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને ઓર્ડર પણ બુક કરાવ્યા હતા.
ફેબેક્સામાં ભાગ લીધેલા ટ્રેડર્સોને મળેલા ઓર્ડર મોટા પ્રમાણમાં મળતાં ઉત્સાહ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને નવેમ્બર-ડિસેમ્બરમાં પણ ફેબેક્સા-2નું આયોજન કરવાની માગણી કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer