સુરતના કાપડઉદ્યોગના સાહસિકો માટે વૉટરજેટ ટેકનૉલૉજીમાં અનેક તક

સુરતના કાપડઉદ્યોગના સાહસિકો માટે વૉટરજેટ ટેકનૉલૉજીમાં અનેક તક
આગામી વર્ષોમાં દેશમાં વૉટરજેટ મશીનોની સંખ્યા વધશે 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 18 જૂન
ગુજરાતમાં જ ફેબ્રિકથી ગાર્મેન્ટ સુધી વેલ્યુ ચેઈન ઉપલબ્ધ છે. પહેલાં સાડી માટેનું માર્કેટ હવે ગાર્મેન્ટ તરફ વધી રહ્યું છે. સુરતના કાપડઉદ્યોગના સાહસિકો માટે વોટરજેટ ટેકનોલોજીમાં અનેક તક છુપાયેલી છે. ચીનને બાદ કરતાં તાઈવાન, કોરીયા અને થાઈલેન્ડનો વિકાસ જોઈએ તેવો ન હોવાથી ભારત માટે ભવિષ્ય ઊજળું છે તેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના અસીમ ખાને દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના જીએફઆરઆરસી દ્વારા આયોજિત વોટર જેટ વિવિંગના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય પરના સેમિનારમાં કહ્યું હતું.
તેમણે સુરતના ઉદ્યોગસાહસકો માટે વોટરજેટ ટેકનોલોજીમાં ઉત્તમ તક હોવાનું કહ્યું હતું. આ તકનો લાભ લેવો જોઈએ. ફેરડીલ ફીલામેન્ટ્સ લિમિટેડના ધીરૂભાઈ શાહે વોટરજેટ ઉદ્યોગની સમીક્ષા કરી હતી. વોટરજેટમાં આપણે સફળ થયા છીએ અને હજુ પણ ભવિષ્યમાં તેની ટેકનોલોજીનો લાભ ઉદ્યોગ સાહસિકોને મળશે. 80 ટકા પ્રોડક્ટ હવે વોટરજેટ પર બનાવી શકાય છે. પરંતુ, સફળ થવા માટે યોગ્ય પ્લાનિંગ કરવું આવશ્યક છે. વોટરજેટમાં 90 ટકા પાણી રીસાયકલ થઈ શકે છે. શરૂઆતમાં રોકાણ વધારે લાગશે પણ એફિશિયન્સી અને ક્વોલિટીને ધ્યાનમાં રાખી તો પડતર કિંમત ઓછી થઈ શકે છે. સાથે જ મશીનની આયુષ્યમાં પણ વધારો થશે. 
સુરત ઓટોલૂમ્સ વિવર્સ ઍસોસિયેશનના પ્રમુખ સંજય દેસાઈએ વોટરજેટના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય પર પ્રકાશ પાડયો હતો. સુરતમાં પહેલાં સેન્ટ્રલાઈઝડ અને ડીસેન્ટ્રલાઈડઝ મશીનો હતાં. વર્ષ 2000 પહેલાં 850 મશીનો હતાં. જેના પર ત્રણથી ચાર ફેબ્રિક ચાલતાં હતાં. વર્ષ 2002-03માં માઈક્રોની ડિમાન્ડ આવી અને કોરીયાથી મશીનો આયાત થયા હતાં. સરકારની ટફ અને વ્યાજમાં સબસિડીની યોજનાઓને કારણે 35 હજાર મશીનો થઈ ગયાં હતાં. વર્ષ 2001થી 2014 સુધીનો સમયગાળો વોટરજેટ માટે ગોલ્ડન પીરીયડ કહી શકાય. જ્યારે વર્ષ 2015થી ત્રણ વર્ષ થોડાં નબળાં રહ્યાં હતાં. આમ છતાં હવે ફરી વોટરજેટનું ભવિષ્ય સારું નોંધવું રહ્યું. દર વર્ષે 20 ટકાના ગ્રોથ સાથે બજાર આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યુ હતું કે, ચીન પાસે ચાર લાખ વોટરજેટ મશીનો છે, જ્યારે ભારત પાસે 35 હજાર મશીનો છે. ચાઈના અને ભારત વચ્ચે અંતર વધારે છે. પરંતુ, સરકારે આયાતી ફેબ્રિક બંધ કરતાં ઉદ્યોગ માટે સારી વાત છે. સુરત સહિત ભારતમાં મોટી સંખ્યામાં વોટરજેટનું આગમન ઊજળાં ભવિષ્યની નિશાની છે.
વોટરજેટના સફળ ઉદ્યોગપતિ ચેતન દેસાઈએ વોટરજેટ મશીન ઉપર પ્લેન, ડોબી અને જેકાર્ડ વગેરે જુદાં-જુદાં પ્રકારનાં ફેબ્રિક બનાવી શકાય છે તેની માહિતી આપી હતી. તેમજ બાર પાવડીનાં મશીનો સાહસિકોએ લેવાં જોઈએ તેમ કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer