ક્રૂડતેલની માગ વૃદ્ધિના અંદાજમાં ઘટાડો

ક્રૂડતેલની માગ વૃદ્ધિના અંદાજમાં ઘટાડો
લંડન, તા. 18 જૂન
ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઈએ)એ નબળી વૈશ્વિક માગના પગલે વર્ષ 2019માં ક્રૂડ તેલની માગ વૃદ્ધિનો અંદાજ ઘટાડયો છે. 
ઔદ્યોગિક દેશોની ઉર્જા નીતિઓને ધ્યાનમાં રાખતી પેરિસની આ સંસ્થાના મતે વર્ષ 2019માં માગ વૃદ્ધિ પ્રતિ દિન 12 લાખ બેરલની આસપાસ રહેશે, જ્યારે વર્ષ 2020માં પ્રતિ દિન 14 લાખ બેરલ હશે. આર્થિક સેન્ટિમેન્ટ નબળું પડતાં ક્રૂડતેલની માગ ઉપર અસર પડી હોવાનું આઈઈએના માસિક ઓઈલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. દરેક પ્રદેશમાં વેપારનો આઉટલુક નબળો છે. 2018માં અમેરિકા અને ચીનના માલ ઉપર લાદવામાં આવેલા ટેરિફને આધારે ક્રૂડતેલની માગ વૃદ્ધિનો અંદાજ લેવાયો હતો, પરંતુ મે મહિનામાં અમેરિકાએ જે ટેરિફ નક્કી કર્યા છે તેને ધ્યાનમાં લેવાયા નથી. 
યુરોપમાં આ વર્ષના પહેલા છમાસિકમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગમાં મંદી, ઉત્તર ધ્રૂવમાં તાપમાન કરતાં વધુ ગરમી અને અમેરિકાની ગેસોલિન અને ડીઝલની મંદ માગને લીધે ક્રૂડતેલની એકંદર માગ ઉપર પ્રતિકૂળ અસર પડશે. સરકાર અર્થતંત્રમાં ધીમી ગતિને સુધારવા પ્રયત્નો કરશે અને બિન-વિકસિત વિશ્વમાં ખરીદી વધશે તો વર્ષના બીજા છમાસિકમાં માગ સુધરીને પ્રતિ દિન 16 લાખ બેરલ્સ થઈ શકે છે.
આઈઈએના રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ટૂંકા ગાળામાં ઉત્તેજન આપતા પેકેજથી ક્રૂડતેલની માગને ટેકો મળી શકે છે. વધુમાં અગ્રણી કેન્દ્રિય બૅન્કો દ્વારા વ્યાજ દરમાં વધારો કરવામાં આવે નહીં તો વર્ષ 2019ના બીજા છમાસિકમાં અને વર્ષ 2020માં ટેકો મળી શકે છે. 
અમેરિકાએ ઈરાન અને વેનેઝુએલા ઉપર નિયંત્રણો લાદતા, ઓર્ગેનાઈઝેશન અૉફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) દ્વારા ઉત્પાદનમાં કાપ, લિબિયા ઉપર હૂમલો અને ઓમાનમાં ટૅન્કર હૂમલાને લીધે સપ્લાયમાં પણ નિશ્ચિતતા રહેશે. મે મહિનામાં ઈરાનમાં ક્રૂડતેલનું ઉત્પાદન પ્રતિ દિન 2.10 લાખ બેરલ્સ ઘટયું હતું, જે વર્ષ 1980માં ઈરાન-ઈરાક વચ્ચેના યુદ્ધ પછી સૌથી ઓછું છે. નિકાસ પ્રતિ દિન 8.10 લાખ બેરલ્સથી ઘટીને 4.80 લાખ બેરલ્સ થઈ છે. 
અમેરિકાની સપ્લાય વધવાથી સાથે બ્રાઝીલ, કેનેડા અને નોર્વેમાં લાભ થવાથી નોન-ઓપેક સપ્લાય આ વર્ષે પ્રતિ દિન 19 લાખ બેરલ્સ થઈ છે, અને વર્ષ 2020માં 23 લાખ બેરલ્સ થઈ શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer