સતત વધી રહેલો સોના સામે ચાંદીનો રેશિયો સૂચવે છે કે

સતત વધી રહેલો સોના સામે ચાંદીનો રેશિયો સૂચવે છે કે

 ચાંદી માટે `અચ્છે દિન' આવી ગયા છે
  • 1 : 90ના ગોલ્ડ : સિલ્વર રેશિયોથી રોકાણકારો ચાંદી ખરીદી રહ્યા છે   
  • ફન્ડામેન્ટલ ઘટનાઓ ચાંદીને આગામી બે વર્ષમાં $ 25થી 30 સુધી ઉપર લઇ જવા સજ્જ 
  • ભારત અને ચીન આખા વિશ્વનાં કુલ ચાંદી ઉત્પાદનનો 50 ટકા હિસ્સો પચાવી જાય છે  
ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 18 જૂન
વિશ્વની કરન્સીમાં અસ્થિરતા અને વૈશ્વિક આર્થિક વિકાસ ધીમો પડવાની આશંકાને લીધે મૂડીનો વ્યાપક પ્રવાહ ચાંદીમાં વળવો શરૂ થયો છે. સામાન્ય માન્યતા એવી છે કે 10 ટકા રિસ્ક કેપિટલ કીમતી ધાતુમાં પ્રવાહિત થઇ રહી છે, સોનાને તેજીની ગતિ પ્રાપ્ત થઇ ગઈ હોવાથી આવો મૂડીપ્રવાહ હવે ચાંદી તરફ વળી રહ્યો છે.
અમેરિકાસ્થિત ભારતીય કોમોડિટી સ્પેક્યુનોમિસ્ટ  કુશલ ઠાકર કહે છે કે બધા દેશોમાં ખરાબાવાળી જમીનમાં સોલાર એનર્જી ફાર્મ સ્થાપવાની  સ્પર્ધા વધી છે તે જોતાં પણ આગામી વર્ષોમાં ચાંદીની સ્થિર વપરાશી માગ જળવાઈ રહેશે. ફન્ડામેન્ટલ પરિબળો ચાંદીના ભાવને બે વર્ષમાં 25થી 30 ડૉલર સુધી વધારે તેવી શક્યતા છે.
વિશ્વની મધ્યસ્થ બૅન્કો વ્યાજદર ઘટાડી રહી છે, એ જોતાં ઓછું વળતર આપતા સોના-ચાંદી માટે `અચ્છે દિન' આવી ગયા છે. નબળા વિકાસ અને ફુગાવાને કાબૂમાં રાખવાની ચિંતાઓએ મધ્યસ્થ બૅન્કોને પોતાની નાણાનીતિ વધુ હળવી બનાવવાની જરૂરિયાત ઊભી થઇ છે. ભારત અને ચીન આખા વિશ્વનાં સોના-ચાંદી ઉત્પાદનનો 50 ટકા હિસ્સો વાપરે છે. 2004થી 2012 સુધી ગોલ્ડ:સિલ્વર સરેરાશ રેશિયો 1:56 હતો તે 2012થી 2018 સુધી સરેરાશ 1:73 રહ્યો. 2019માં તો આ રેશિયો માર્ચ, 1993 પછી પહેલી વખત 1 : 90 સર્જાયો છે. 
વર્તમાન ગોલ્ડ : સિલ્વર રેશિયો પ્રમાણે આજે રેશિયો ટ્રેડર્સ પ્રતિ ઔંસ 1345.35 ડૉલર સોનાના ભાવથી 14.84 ડૉલરના ભાવની 90.66 ઔંસ (પ્રત્યેક 31.1035 ગ્રામ) ચાંદીના સોદા પાડી રહ્યા છે. 1990 અને 1993 વચ્ચે માત્ર 237 ટ્રેડિંગ દિવસોમાં આ રેશિયો 90 આસપાસ બોલાયો હતો. 2008માં અમેરિકામાં લિમેના બ્રધર્સે દેવાળું ફૂકયું અને જાગતિક મંદી શરૂ થયા બાદ 1 એપ્રિલ 2011ના રોજ ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ 48.50 ડૉલર બોલાયા હતા, પરિણામે ગોલ્ડ : સિલ્વર રેશિયો 1 : 84થી ઘટીને 1 : 31ની બોટમે પહોંચ્યો હતો. કુશલ ઠક્કર કહે છે કે મેક્રો ઇકોનોમિક સ્તરે ગણતરીમાં લેવાતાં મહત્તમ પાસાં નબળાં પડી ગયાં હોવાથી, સોનામાં નવેસરથી રોકાણની રુચિ વધવા લાગી છે, જેનો લાભ હવે ચાંદીને મળવાનો આરંભ થયો છે.  
ભાવસંવેદનશીલતાનો કુદરતી સ્વભાવ ધરાવતા પરંપરાગત ભારતીયો વર્તમાન 1:90ના ઐતિહાસિક ભાવ રેશિયોથી ચાંદીમાં દાખલ થવા લાગ્યા છે. માર્ચ ત્રિમાસિકમાં ભારતની ચાંદી આયાત ગત વર્ષના સમાનગાળા કરતાં 9 ટકા વધીને 1310 ટન થઇ હતી. એકલા મે, 2019 મહિનામાં 517 ટન ચાંદી આયાત નોંધાઈ હતી. 2018માં ભારતની ચાંદીની માગ 30 ટકા વધુ હતી, આથી એકલા ભારતમાં 2018માં સૌથી વધુ 1680 ટન ચાંદીમાં મૂડીરોકાણ થયું હતું. એનાલિસ્ટો માને છે કે 2017ના ત્રીજા ત્રિમાસિક પછી ક્યારેય નહિ જોવાયેલા 18 ડૉલરના ભાવ ટૂંકા ગાળામાં કુદાવી જશે. તેઓ 2019માં વાર્ષિક ભાવ સરેરાશનો અંદાજ 15.60 ડૉલર મૂકી રહ્યા છે. 
2019માં અત્યાર સુધીમાં ચાંદીનો ભાવ સરેરાશ પ્રતિ ઔંસ 14.23 રહી છે. ગત સપ્તાહે ભાવ 15 ડૉલર પાર કરી ગયો અને શુક્રવારે 14.84 ડૉલર રહ્યો હતો. ચાંદીએ 2019માં તળિયું બનાવી બોટમઆઉટ થવાની શરૂઆત કરી છે, આથી મંદીવાળા સટોડિયાઓનું ફ્યુચર્સ એન્ડ ઓપ્શનમાં શોર્ટ કવરિંગ (વેચાણ કાપણી) શરૂ થઇ છે. જો વેપાર ઝઘડાની થોડી સરખી કળ વળશે કે તરત જ ચાંદી તેજીની ચાલ પકડીને, ભાવવધારાની બાબતે સોનાને પાછળ રાખી દેશે. મેટલ ફોકસ એજન્સી માને છે કે 2019માં જ ચાંદી, સોનાનો ચળકાટ ઝાંખો પાડવાની શરૂઆત કરી દેશે અને 2020માં ગોલ્ડ : સિલ્વર રેશિયોને નીચે જવાનું આરંભશે. જ્યારે રેશિયો નીચો હોય ત્યારે રેશિયો ટ્રેડરો રેશિયો વેચતા હોય છે અને ઉપર જાય ત્યારે નફો કમાવા લેણ કરતા હોય છે. તમે શું વિચારો છો?

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer