આલ્કલી ઉદ્યોગને સોડા, સોડા એશ પર વધુ આયાત ડયૂટી જોઈએ છે

આલ્કલી ઉદ્યોગને સોડા, સોડા એશ પર વધુ આયાત ડયૂટી જોઈએ છે
ચેન્નઈ, તા. 18 જૂન
આલ્કલી મેન્યુફેક્ચર્સ ઍસોસિયેશન અૉફ ઈન્ડિયા (એએમએઆઈ)એ સરકાર સમક્ષ માગ કરી છે કે કોસ્ટીક સોડા અને સોડા એશની આયાત ઉપર ડયૂટી વધારવામાં આવે. 
બે લાખ રોજગાર પુરો પાડતા રૂા.26,000 કરોડનો આલ્કલી અને ક્લોરો-વિનાયલ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી એએમએઆઈની સરકાર સમક્ષ માગ છે કે કોસ્ટિક સોડા અને સોડા એશની આયાત ડયૂટી વધારવામાં આવે. તેમ જ પોલી-વિનાયલ ક્લોરાઈડ (પીવીસી)માં આયાત ડયૂટી વધારીને 12.5 ટકા કરવાની તેની માગ  છે, આ ડયૂટી અત્યારે 7.5 ટકા છે. આયાત કરવામાં આવતા કોસ્ટિક સોડા, સોડા એશ અને પીવીસીને લીધે સ્થાનિક ઉત્પાદનોને નુકસાન થતું હોવાનું જણાવવામાં આવ્યું છે. 
છેલ્લા ચાર વર્ષમાં કોસ્ટિક સોડાની માગ ચાર ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી છે, જ્યારે સોડા એશની માગ સાત ટકા વધી છે. આ બંનેની માગ પૂરી કરવા માટે સ્થાનિક ક્ષમતા પૂરતી હોવા છતાં આયાત સસ્તી હોવાથી સ્થાનિક ઉત્પાદકોને ફટકો પડયો છે.  
એએમએઆઈના સેક્રેટરી જનરલ કે શ્રિનિવાસને કહ્યું કે, વર્ષ 2017-18માં દેશમાં 4.47 લાખ ટન કોસ્ટિક સોડાની આયાત થઈ હતી, જેનું મૂલ્ય રૂા.1,534 કરોડ હતું. સ્થાનિક ઉદ્યોગ આ માગને પહોંચી વળે એમ  છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશના આલ્કલી ઉત્પાદકોની ક્ષમતા 82 ટકા છે. અમે આ ક્ષમતાને વધારીને 95 ટકા કરી શકીએ છીએ, પરંતુ ઉર્જા ખર્ચ વધી જાય છે. 
કોસ્ટિક સોડાના ઉત્પાદકોને ઉર્જાની સમસ્યા નડી રહી છે. ઉદ્યોગે વીજ મથકો સ્થાપવા માટે રોકાણ કર્યું છે, પરંતુ તે જરૂરિયાતને પહોંચી વળવા માટે અપૂરતા છે. 
ગુજરાત આલ્કલીઝ ઍન્ડ કેમિકલ્સના મૅનેજિંગ ડિરેક્ટર પીકે ગીરાએ કહ્યું કે, અમે સરકારને વિનંતી કરી છે કે ઈલેક્ટ્સીટી અને સેસને ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) અંતર્ગત મૂકવામાં આવે. મોટા ભાગના ઉદ્યોગોમાં ઉર્જા ખર્ચ 10 ટકાથી વધુ હોતો નથી, પરંતુ આ ઉદ્યોગમાં 55-60 ટકા છે. અમને ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળે તો અમે વૈશ્વિક હરિફોને ટક્કર આપી શકીએ છીએ. 
પીવીસીની માગ છેલ્લા અમુક વર્ષમાં આઠથી નવ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી છે, પરંતુ સ્થાનિક માગ વ્યવસ્થિત નહીં હોવાથી આયાત ઉપર નિર્ભર રહેવું પડે છે. એએમએઆઈએ વિનંતી કરી છે કે ઈડીસી અને વીસીએમના ફીડસ્ટોકની આયાત ઉપર કસ્ટમ્સ ડયૂટી માફ કરવામાં આવે જેથી ઉદ્યોગને ટેકો મળે અને આયાત ઓછી થાય. 
ઉદ્યોગ મીઠાનો સૌથી મોટો ખરીદદાર છે, તેમણે નિકાસ ડયૂટી લાદવાની પણ વિનંતી કરી છે જેથી સ્થાનિક કંપનીઓને મીઠાની ઉપલબ્ધતા રહે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer