મહારાષ્ટ્રમાં વર્ષ 2018-2019 દરમિયાન

મહારાષ્ટ્રમાં વર્ષ 2018-2019 દરમિયાન
રૂા. 80 હજાર કરોડનું વિદેશી રોકાણ આવ્યું
રૂા. 36, 632 કરોડની કૃષિ લોન ફાળવાઈ 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 જૂન
મહારાષ્ટ્રમાં વર્ષ 2018-19 દરમિયાન રૂા. 80,013 કરોડનું ફોરને ડિરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) આવ્યું હોવાનું રાજ્યના આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે.
રાજ્ય વિધાનમંડળમાં ગઈકાલે રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં મહારાષ્ટ્ર સરકારે અછતગ્રસ્ત વિસ્તારોમાં રાહત માટે રૂા. 4909.50 કરોડ 151 તાલુકાની 85.76 લાખ હેકટર જમીન માટે ફાળવ્યા હોવાનું જણાવ્યું હતું.
વર્ષ 2018-19 દરમિયાન વિવિધ નાણાં સંસ્થાઓના માધ્યમથી રૂા. 31,282 કરોડની પાક લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે વર્ષ 2017-18 દરમિયાન રૂા. 25,322 કરોડની હતી.
તે ઉપરાંત કૃષિ ટર્મ લોન રૂા. 36,632 કરોડની કરવામાં આવી હતી. જે પાછલા વર્ષે રૂા. 25, 695 કરોડની હતી, એમ આર્થિક સર્વેમાં જણાવવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર વર્ષ 2025 સુધીમાં ટ્રીલીયન ડૉલરનું  અર્થતંત્ર બનવા પ્રયત્નશીલ છે. ત્યારે વિધાનગૃહોમાં રજૂ કરવામાં આવેલા વર્ષ 2018-19ના આર્થિક સર્વેક્ષણમાં મોટા ભાગનાં ક્ષેત્રોમાં વિકાસદર  ઘટયો છે.
મહારાષ્ટ્રના નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવારે વિધાનસભામાં રજૂ કરેલા આર્થિક સર્વેક્ષણમાં બાંધકામ ક્ષેત્રમાં બે ટકા વધારો થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે ખાણ, ઉત્પાદન અને યુટિલિટી ક્ષેત્રમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. સર્વેક્ષણમાં નાણાકીય વર્ષ 2017-18માં ખાણ અને ક્વેરિંગ ક્ષેત્રમાં વિકાસદર 7.2 ટકા રહ્યો હતો. જ્યારે નાણાકીય વર્ષ 2018-19માં તે દર ઘટીને 2.9 ટકા પહોંચ્યો હતો. વર્ષ 2017-18માં ઉત્પાદન ક્ષેત્રમાં વધારો 7.7 ટકા રહ્યો હતો. જોકે, તેની સામે વર્ષ 2018-19માં તે ફક્ત 7.1 ટકા રહ્યો હતો. યુટિલિટી સર્વિસ ક્ષેત્રમાં વર્ષ 2017-18માં વિકાસદર 6.5 ટકા રહ્યો હતો. ચાલુ વર્ષે તે ઘટીને 4.3 ટકા રહ્યો હતો. નાણાકીય વર્ષ 2017-18માં બાંધકામ ઉદ્યોગ 7.9 ટકાના દરે વિકસ્યો હતો. તેની સાથે વર્ષ 2018-19માં તે 9.9 ટકા દરે વિકસશે એવો અંદાજ રાખવામાં આવ્યો હતો.
સુધીર મુનગંટ્ટીવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રએ પ્રથમવાર 226 મેગાવૉટ વીજળી વધુ પેદા કરી છે. કૃષિ ક્ષેત્રમાં નબળા દેખાવ માટેનું કારણ એ છે કે વર્ષ 2016 સિવાય છેલ્લાં કેટલાંક વર્ષોથી નબળો વરસાદ પડયો છે. એમ.એસ.એમ.ઈ. સેક્ટરએ 57 લાખ જેટલી નોકરીઓ ઊભી કરી છે. આ ક્ષેત્રમાં અત્યાર સુધી 1.16 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. વિકાસદર ઘટવાની બાબતનો બચાવ કરતાં મુનગંટ્ટીવારે જણાવ્યું હતું કે કેટલાંક ક્ષેત્રોમાં મૂડીરોકાણ હજી કરવામાં આવી રહ્યું છે. તે કામ પૂર્ણ થતાં આગામી સમયમાં વિકાસ વધતો જોવા મળશે એમ મુનગંટ્ટીવારે જણાવ્યું હતું.
સરકારી હોદ્દા 26 ટકા વધુ ખાલી
મહારાષ્ટ્રમાં પહેલી જુલાઈ, 2018ના દિવસે એ, બી, સી અને ડી જૂથના મંજૂર થયેલા હોદ્દાની સંખ્યા 7.17 લાખ છે. તેમાંથી 1.91 લાખ હોદ્દા ખાલી છે. જે બતાવે છે કે લગભગ 26.6 ટકા હોદ્દા ખાલી છે. રાજ્ય સરકારે 72,000 હોદ્દા ભરવાની જાહેરાત કરી છે, પરંતુ તે ઝુંબેશ હજી શરૂ કરવામાં આવી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer