સૌરાષ્ટ્રમાં 1000 ફૂટ બોર કોરા જાય છે

સૌરાષ્ટ્રમાં 1000 ફૂટ બોર કોરા જાય છે
ત્યારે ભેખડિયાના મહિલા સરોવરમાં 20 ફૂટે પાણી આવ્યા!
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 18 જૂન
ગુજરાતના ભયાનક જળસંકટમાં સર્વત્ર 1000થી 1500 ફૂટ સુધીના બોર કોરા જાય છે, ત્યારે ભેખડિયાના મહિલા સરોવરમાં 25 ફૂટે પાણી આવ્યું અને સાત ફૂટ ભરાયું છે! આ ચમત્કારને જોવા આસપાસના પ્રદેશનાં લોકો ઊમટી રહ્યાં છે!
જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાએ આ નિમિત્તે કહ્યું કે, આપણે જો નહીં જાગીએ તો આગામી પાંચ વર્ષમાં દેશની સૌથી મુખ્ય સમસ્યા જળસમસ્યા હશે. મહી-નર્મદા-તાપી-દમણગંગાના કાંઠે હજારો આદિવાસી ગામોમાં સૌરાષ્ટ્ર જેવું જ ભયાનક જળસંકટ સર્જાશે. જળસંકટ દેશના તમામ વિકાસ ક્ષેત્રોના સમીકરણ બદલી નાખશે. જળસંકટરૂપી રાષ્ટ્રીય અને વૈશ્વિક સમસ્યાનો સૌથી સફળ ઉપાય જામકાથી ભેખડિયાની લોકજાગૃતિ-લોકસંગઠન અને શ્રમદાનની આધારિત ચેકડેમ-તળાવ યોજના છે.
ભેખડિયાના આદિવાસી આગેવાન રતનભગત રાઠવાએ કહ્યું છે કે, ડાંગથી આબુના આદિવાસી પ્રદેશમાં ગામે ગામ પાંચથી 25 ચેકડેમો તો બંધાયા પણ ભોળી ગરીબ પ્રજાનો લાભ ઉઠાવી સિમેન્ટની ખાલી બોરીઓમાં માટી ભરીને સિમેન્ટના બદલે ધૂળથી બંધાયા, જેથી રૂપિયા ખર્ચાયા પછી પણ કયાંય જળસંગ્રહ થયું નથી.
જામકાના પરસોત્તમભાઈ સિદપરાએ જણાવ્યું કે સન 1999માં મનસુખભાઈ સુવગીયાની પ્રેરણાથી દેશની જળક્રાંતિની જન્મભૂમિ જામકામાં સરકારી સહાય વગર લોકફંડ અને શ્રમદાનથી માત્ર 10 લાખ રૂપિયામાં બંધાયેલ 51 ચેકડેમ આજે 20 વર્ષે પણ સલામત ઊભા છે. કૃષિ ઉત્પાદનમાં વાર્ષિક 10 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ છે. રોજગારી-ઘાસચારો બમણા થયા છે. કૂવા-બોરમાં બારમાસી પાણી છે.
સૌરાષ્ટ્રના હજારો ગામોમાં જળક્રાંતિના બીજ રોપાયા પછી વર્ષ 2018-19માં ભેખડિયા-જામલીના મજૂરી કરીને જીવતા ગરીબ આદિવાસીઓએ શ્રમદાન કરીને 6થી 12 ફૂટ ઊંચાઈના 100 વર્ષ ટકાઉ 30 વિશાળ ચેકડેમો બાંધ્યા. મહિલાઓના શ્રમદાનથી ક્ષણ અને બાળકોના શ્રમદાનથી ચેકડેમ બંધાયા. આદિવાસીઓના શ્રમદાનને વધાવવા પાલા મંદિરના મહંત મુનિ શ્રી અવધૂતજી મહારાજ અને 21 સાધુ-સંતોએ ભેખડિયા આવીને શ્રમદાન કર્યું. 1000થી વધુ લોકોએ શ્રમદાન કર્યુ. મનસુખભાઈ સુવાગીયાની કોઠાસૂઝથી ચેકડેમની ડિઝાઈન અને ગ્રામજનોના શ્રમદાનથી સરકારી ચેકડેમોની તુલનાએ માત્ર 10થી 15 ટકા ખર્ચમાં 100 વર્ષ ટકાઉ ચેકડેમ યોજના સાકાર થઈ છે અને જળસંકટ સંપૂર્ણ દૂર થયું છે. હવે બારમાસી ત્રણ પાક આવશે. ગરીબ આદિવાસી ખેડૂતો, ગાય-પશુધન, જીવસૃષ્ટિ અને પર્યાવરણ આબાદ અને સમૃદ્ધ થશે.  આ ચેકડેમ યોજના રાષ્ટ્ર અને વિશ્વ જળસંકટ નિવારણની સૌથી સફળ યોજના છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer