જેટ એરવેઝને નાદાર જાહેર કરવા એસબીઆઈએ એનસીએલટીનાં દ્વાર ખખડાવ્યાં

જેટ એરવેઝને નાદાર જાહેર કરવા એસબીઆઈએ એનસીએલટીનાં દ્વાર ખખડાવ્યાં
એરલાઈન્સ ફરી શરૂ થવાની આશા રહી નથી
મુંબઈ, તા.18 જૂન
જેટ એરવેઝની મુખ્ય ધિરાણકાર સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની મુંબઈ બેન્ચમાં ઈનસોલવન્સી એન્ડ બૅન્કરપ્સી કોડ (આઈબીસી)ની કલમ 7 અંતર્ગત કટોકટીમાં ફસાયેલી આ એરલાઈન્સને ફડચામાં લઈ જવાની વિરુદ્ધ અરજી કરી છે. 
મહિનાઓ સુધી વાટાઘાટો કર્યા પછી પણ કોઈ રસ્તો નહીં નીકળતા અંતે એસબીઆઈએ રિઝોલ્યુશન માટે બૅન્કરપ્સી કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જેટ એરવેઝના માથે રૂા.8500 કરોડનું દેવું છે. 
એસબીઆઈના નેતૃત્વ હેઠળની ધિરાણ આપનારી બૅન્કોએ આઈબીસીની બહાર જેટ એરવેઝના દેવાંની પતાવટ માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ  બૅન્કોએ છેવટે આઈબીસી પ્રક્રિયા અપનાવવાનો નિર્ણય લીધો છે, એમ જેટ એરવેઝે નિવેદન આપ્યું હતું. વધુમાં બે ધંધાદારી લેણદાર ક્રેડિટર્સ- શમન વ્હિલ્સ અને ગગ્ગર એન્ટરપ્રાઈસિસ પણ એનસીએલટીમાં ગઈ હતી. ટ્રિબ્યુનલે 20 જૂને અરજી સ્વીકારવાનો નિર્ણય લીધો છે. 
જેટનાં વિમાનો 17મી એપ્રિલથી ઉડતાં નથી.તે વખતે એમ કહેવાયું કે સર્વિસીસ કામચલાઉ બંધ કરવામાં આવી છે પરંતુ હજી સુધી એરલાઈન્સને નવો ખરીદદાર મળ્યો નથી. તેથી તેને શરૂ કરવાની રહી સહી શક્યતા પણ નાબૂદ થઈ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer