વૈશ્વિક મિશ્ર વલણ સામે નિફટી 19 પૉઈન્ટ સુધારે 11691.50

વૈશ્વિક મિશ્ર વલણ સામે નિફટી 19 પૉઈન્ટ સુધારે 11691.50
આઈટી, મેટલ અને નાણાસેવાના શૅરમાં લેવાલી
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 18 જૂન
અમેરિકાની આગામી ફેડ રિઝર્વની મિટિંગ પૂર્વે વ્યાજદર બાબતના નિર્ણય પૂર્વે એશિયાના મુખ્ય શૅરબજારમાં મિશ્ર ટ્રેન્ડ ઊભર્યો હતો. જેની સામે સ્થાનિક બજારમાં ચાર દિવસ સતત ઘટાડા પછી આજે દિવસભરના ચઢાવઉતાર પછી એનએસઈ ખાતે નિફટી 19 પૉઈન્ટ સુધારે 11691.50 બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષ 86 પૉઈન્ટના સુધારે 39046 બંધ હતો. સેન્સેક્ષના મુખ્ય શૅરમાં 20 સુધરીને બંધ હતા. જોકે, સુધારો સિમિત કહી શકાય, છતાં નિફટીના 34 શૅરના ભાવ સુધર્યા હતા. 17 ઘટાડે બંધ હતા. આઈટી 0.58 ટકા અને મેટલ ઈન્ડેક્સ 0.5 ટકા વધ્યો હતો. બીએસઈ ખાતે મિડકેપ ઈન્ડેક્સ 12 પૉઈન્ટ વધવા સામે સ્મોલકેપ ઈન્ડેક્સ 60 પૉઈન્ટ ઘટયો હતો. બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ શૅરમાં 1571 ઘટયા હતા, જ્યારે 966 શૅર ઓછાવત્તા સુધારે બંધ રહ્યા હતા. આજે વ્યક્તિગત શૅરમાં આઈસીઆઈસીઆઈ 2 ટકા, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ 4 ટકા સુધર્યા હતા. જ્યારે ડાબર ઇન્ડિયા 5 ટકા, જેટ ઍરવેઝ 41 ટકા અને રિલાયન્સ ઈન્ફ્રા ટ્રેડ દરમિયાન 18 ટકા ઘટયો હતો. એચડીએફસી એસેટ્સ મૅનેજમેન્ટ 7 ટકા ઘટાડે રૂા. 1802 બંધ હતો.
આજના શૅરોમાં સુધારાની આગેવાની લેતા નાણાસેવા ક્ષેત્રે બજાજ ફિનસર્વ રૂા. 125, આઈટી ક્ષેત્રે ઈન્ફોસીસ રૂા. 9, એચસીએલ ટેક રૂા. 15, ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 10, બીપીસીએલ રૂા. 9, કોલ ઇન્ડિયા રૂા. 5, વેદાંતા રૂા. 4 અને ડૉ. રેડ્ડીસ રૂા. 37 વધ્યા હતા. આજના ઘટાડામાં નોંધપાત્ર રીતે મારુતિ સુઝુકી રૂા. 143, ઇન્ડિયાબુલ્સ રૂા. 45, એચયુએલ રૂા. 8, એચડીએફસી રૂા. 20, બ્રિટાનિયા સતત બીજા દિવસે રૂા. 32 અને સનફાર્મા રૂા. 5 ઘટયો હતો.
અગ્રણી સંશોધન સંસ્થાના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે ચાર્ટ પર સ્મોલ બોડીએડ કેન્ડલ ઊભરે છે. એફએન્ડઓના ટ્રેન્ડને ધ્યાને લેતા નિફટી 11500થી 11900 વચ્ચે ફરતો રહેવાનો અંદાજ છે. જોકે, વ્યક્તિગત શૅરની વધઘટ વધુ અગત્યની રહેશે એમ ટ્રેન્ડ જોતા જણાય છે.
વૈશ્વિક બજારો
અમેરિકાના મુખ્ય શૅરબજાર નાસ્દાકનો ટ્રેન્ડ સુધરતા સૂચકાંક 47 પૉઈન્ટ વધ્યો હતો. એશિયાના મુખ્ય હૉંગકૉંગ શૅરબજારમાં હૅંગસૅંગ 272 અને શાંઘાઈ ઈન્ડેક્સ 3 પૉઈન્ટ વધ્યો હતો. જોકે, જપાન ખાતે નિક્કી 151 પૉઈન્ટ ઘટીને બંધ હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer