અમેરિકા-ચીન ટ્રેડ વૉરનો લાભ ભારતને મળશે

અમેરિકા-ચીન ટ્રેડ વૉરનો લાભ ભારતને મળશે
151 જણસોની નિકાસ વધશે 
એજન્સીસ
નવી દિલ્હી, તા. 18 જૂન
અમેરિકા-ચીન ટ્રેડ વૉરને લીધે ભારતની ચીનમાં થતી 151 આઈટમોની નિકાસ વધવાની સંભાવના હોવાનું વાણિજ્ય વિભાગે જણાવ્યું છે. વિભાગના મતે બીજિંગ અને વોશિંગ્ટન ડીસીના ટ્રેડ વૉરને લીધે ચીનમાં ભારતીય નિકાસની તકો વધી છે. 
ચીન અમેરિકામાંથી તે ચીજોની આયાત કરે છે, તેમાંથી ભારતની નિકાસ કરવાની ક્ષમતા પારખીને 774 જણસોને પસંદ કરવામાં આવી છે, જેમાં ત્વરિત નીતિ લાવીને નિકાસને પ્રોત્સાહન આપી શકાય છે. આ એવી ચીજો છે જે ચીન અમેરિકાથી નોંધપાત્ર આયાત કરે છે, જ્યારે ભારત વિશ્વમાં નોંધપાત્ર નિકાસ કરે છે. 
ચીન જે 774 પ્રોડકટ્સની આયાત કરે છે તેનું મૂલ્ય 20.4 અબજ ડૉલર છે. બીજી બાજુ ભારત આ પ્રોડકટ્સની વિશ્વભરમાં કરતી નિકાસનું મૂલ્ય 32.8 અબજ ડૉલર છે. ચીનની આયાત 2.9 અબજ ડૉલર ઘટી હોવાથી તે સામે ભારતીય નિકાસ માટે સારી તક ઊભી થઈ છે, એમ વાણિજ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું. 
જોકે, વિભાગે 151 એવી આઈટમો પસંદ કરી છે, જેમાં તકો વિશાળ છે. વાણિજ્ય વિભાગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય નિકાસ અમેરિકાની નિકાસને ટક્કર આપી શકે છે. 
અગાઉ વર્ષ 2017ના રિપોર્ટમાં પણ આવો જ અભિગમ હતો. એવી દલીલ હતી કે ચીન જેવા અગ્રણી આયાતકારો વેપાર નીતિને આગળ ધપાવવા માટે ડેટાનો વપરાશ કરી રહી છે. સુધારિત ટ્રેડ બાસ્કેટથી ચીનમાં નિકાસ વધશે અને કમાણી નોંધપાત્ર થશે, તેમ જ વેપાર ખાધ ઘટશે, જે 2018-19માં 53.5 અબજ ડૉલર હતી. 
મધ્યમ વર્ગમાં વધારો અને મજૂરી ખર્ચ વધવાથી ચીન ટૂંક સમયમાં મજૂરલક્ષી અને ઓછા ઉત્પાદન ખર્ચના અભિગમને ત્યાગી શકે છે. ભારતીય ઉદ્યોગો ચીનના આ ડેવલપમેન્ટને અનુસરે છે. એક અધિકારીએ કહ્યું કે, અમે કામગાર-લક્ષી ક્ષેત્રને મજબૂત બનાવવા માગીએ છીએ, જેથી ભારતને વિકસિત દેશોથી ફાયદો થાય. 
વર્ષ 2018-19માં ભારતની સૌથી વધુ નિકાસ ચીનમાં થઈ હતી. ઓર્ગેનિક રસાયણો, રિફાઈન્ડ પેટ્રોલિયમ, કપાસ, પ્લાસ્ટીક અને ખનિજ લોખંડની નિકાસ કરવામાં આવી હતી. આમાંથી કાચા માલનો હિસ્સો 70 ટકાથી પણ વધુ હતો, એમ ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સના ડિરેક્ટર જનરલ અજય સહાયે કહ્યું હતું.  વેપાર ખાધ સતત વધતી હોવા છતાં ભારતે પાંચમા વર્ષે ચીન સાથે દ્વીપક્ષીય કરાર કર્યા છે. સપ્ટેમ્બર 2014માં ભારત-ચીન વચ્ચે પાંચ વર્ષ માટે દ્વીપક્ષીય કરાર કર્યા હતા, જેમાં બે દેશ વચ્ચે વેપાર, રોકાણ અને મધ્યમ ગાળા માટે સહકારનો સમાવેશ હતો. જોકે આ કરાર `અ-બાધિત' છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer