મહારાષ્ટ્રના બજેટમાં રૂા. 20,291 કરોડની ખાધ છતાં કૃષિ, સિંચાઈ ક્ષેત્રને મોટી રાહત

મહારાષ્ટ્રના બજેટમાં રૂા. 20,291 કરોડની ખાધ છતાં કૃષિ, સિંચાઈ ક્ષેત્રને મોટી રાહત
ખેડૂતોને અસ્ખલિત વીજપુરવઠો મળશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 જૂન
 ચોમાસામાં વિલંબથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો અને ચાર મહિના પછી થનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવારે મંગળવારે રાજ્યનું અંદાજપત્ર રૂા. 20,292 કરોડની ખાધ સાથે રજૂ કર્યું હતું, જેમાં સૌથી વધારે આર્થિક સહાય અને રાહત કૃષિ અને સિંચાઈ ક્ષેત્રને આપવામાં આવી છે. વિધાનસભામાં સુધીર મુનગંટ્ટીવારે અને વિધાન પરિષદમાં તેમના ડેપ્યુટી દીપક કેસરકરે વધારાનું બજેટ રજૂ કર્યું હતું. આ અગાઉ ગત ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારનું વચગળાનું બજેટ રજૂ કર્યું હતું.
કૃષિ અને સિંચાઈ ઉપરાંત આરોગ્ય સેવા અને માળખાકીય યોજનાઓ માટે ભંડોળ ફાળવવામાં આવ્યું છે, જેમાં કૃષિ સિંચાઈ માટે રૂા. 2720 કરોડ, જળ સ્રોત માટે રૂા. 12 હજાર કરોડ તેમ જ ખેડૂતો માટે અકસ્માત વીમા યોજનાની ઘોષણા આ બજેટમાં કરવામાં આવી છે. આ સાથે ખેડૂતોનો વીજપુરવઠો ખંડિત નહીં કરવાનો નિર્ણય પણ રાજ્ય સરકારે લીધો હોવાનું નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવારે બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર બજેટ 2019માં મહારાષ્ટ્રના નાણાપ્રધાને જળ અને સિંચાઈ માટે વધુ જોગવાઈ કરી છે. 2019-20ના વર્ષ માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ સ્કીમ માટે રૂા. 2720 કરોડની જોગવાઈ કરાઈ છે. બલીરાજા જળ સંજીવની સ્કીમ માટે રૂા. 1531 કરોડની નોંધપાત્ર જોગવાઈ કરવામાં આવી છે. જળ સ્રોત માટે રૂા. 12000 કરોડ ફાળવાયા છે.
જળયુક્ત શિવર અને ફાર્મ પોન્ડસ માટે રૂા. 3300 કરોડ ફાળવાયા છે.
ખેડૂત પરિવારના તમામ સભ્યોને ગોપીનાથ મુંડે ખેડૂત અકસ્માત વીમા સ્કીમનો લાભ મળશે. 
ચાર કૃષિ યુનિવર્સિટીઓ માટે રૂા. 200 કરોડની જોગવાઈ કરાઈ છે. મત્સ્ય ઉદ્યોગ અને આનુષાંગિક પ્રવૃત્તિઓ તેમ જ કાજુ માટે જુદી જોગવાઈ કરાઈ છે.
ગ્રામીણ વિકાસ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. મરાઠાવાડા વોટર ગ્રીડ અને મુખ્યમંત્રી રોજગાર નિર્મિતી કાર્યક્રમ સાથે રોજગાર વધારવા પર ભાર મૂકાયો છે. પીએમએવાય હેઠળ દિવ્યાંગના આવાસ માટે રૂા. 100 કરોડ ફાળવવામાં આવ્યા છે.
ઓબીસી માટે 36 હોસ્ટેલો માટે રૂા. 200 કરોડ ફાળવાયા છે. 2,30,000 વિદ્યાર્થિનીઓ માટે સાવિત્રીબાઈ ફૂલે સ્કોલરશિપ સ્કીમનો લાભ અપાશે.
ધનગર સમાજ માટે વિવિધ સવલતો પૂરી પાડવા રૂા. 1000 કરોડની જોગવાઈ કરાઈ છે. અન્ય કોઈ ડિપાર્ટમેન્ટ ફંડમાં આ નાણાં વાળી શકાશે નહી કે વાપરી શકાશે નહીં. 26 ચાલુ સિંચાઈ પ્રોજેક્ટોનો પ્રધાનમંત્રી કૃષિસિંચાઈ સ્કીમમાં સમાવેશ કરાયો છે.  પ્રોજેક્ટની બાકીની કોસ્ટ રૂા. 22398 કરોડ છે, જેમાંથી રૂા. 3138 કરોડ યુનિયન બજેટ મારફત આવશે.
કુદરતી આફતોને પહોંચી વળવા રૂા. 6410 કરોડની જોગવાઈ કરાઈ છે. વધારાની ગ્રાન્ટ જ્યારે જોઇશે ત્યારે પૂરી પાડવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer