કાપડના વેપારીઓ પેમેન્ટના નિયમોને કડક બનાવશે

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 25 જૂન
દેશભરમાં સાડી અને ડ્રેસનું વેચાણ કરતાં સુરતનાં કાપડ માર્કેટનાં વેપારીઓ જીએસટી બાદ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. એક સમયે વેપારીઓ પાસે ત્રીસથી સાઈઠ દિવસમાં વેંચેલા માલનાં નાણાં પરત આવતાં હતાં. આજે આ સમયગાળો વધીને છ માસ થયો છે. જેનાં કારણે સુરત કાપડ માર્કેટનાં 80 ટકાથી વધુ વેપારીઓ આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે. ફેડરેશન અૉફ સુરત ટૅક્સટાઈલ ટ્રેડર્સ ઍસોસિયેશને આ મામલે તમામ આડતિયા અને દલાલો સાથે સંપર્ક કરી પેમેન્ટના નિયમોને ચુસ્ત-દુરસ્ત કરવાની તૈયારીઓ શરૂ કરી છે.
આ મામલે કાપડ માર્કેટના સંગઠન ફોસ્ટાએ પહેલ કરતા આડતિયા અને દલાલો સાથે સમન્વય સાધીના પેમેન્ટનો સમયગાળો ત્રણ માસની અંદર લાવવાનાં પ્રયાસો આદર્યા છે. ફોસ્ટાના મંત્રી ચંપાલાલ બોથરા કહે છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, દક્ષિણમાં કેરળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ સહિતની મંડીઓમાં વેપારીઓનાં નાણાં ફસાયા છે. અગાઉ ત્રણ માસની અંદર નાણાં પરત આવતાં એક વેપારી વર્ષમાં ચાર વખત નાણાં ફેરવી શકતો હતો. આજે નાણાં ફેરવવાની આ ચેનલ ઘટીને બે પર પહોંચી છે. 
ફોસ્ટાનાં પ્રયાસનાં ભાગરૂપે આગામી દિવસોમાં આડતિયા અને દલાલો સાથે બેઠક યોજીને પેમેન્ટ મામલે નિયમો બનાવવાની દિશામાં આગળ વધવામાં આવશે. પેમેન્ટનો ધારો કડક બનાવવામાં આવે તો ચોક્કસપણે વેપારીઓની મૂડીનું ધોવાણ અટકાવી શકાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer