કપાસિયા ખોળમાં ઝડપી કડાકો

સ્ટોકનો માલ બગડવા લાગતાં વેચવાલીથી એક જ દિવસમાં રૂા. 35 ઘટયા

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 25 જૂન
સમય કરતાં વહેલા કરવામાં આવેલા કપાસિયા ખોળના સ્ટોકની ગુણવત્તા બગડવા લાગી છે. પરિણામે સ્ટોક કરનારો વર્ગ વેચવા નીકળતાં ખોળના ભાવમાં બે દિવસમાં રૂા. 30-35 સુધીનો ઘટાડો આવી ગયો છે. મિક્સીંગ ખોળના ભારેખમ પગપેસારાથી શુદ્ધ ખોળની ઘટેલી માગ ઉપરાંત વાયદા બજાર પણ તૂટતાં ખોળના ભાવમાં મંદી થઇ છે. જોકે સારો વરસાદ પડી ગયા પછી ખોળમાં તેજી આવવાની સંભાવના સૌને દેખાઇ રહી છે.
કપાસિયા ખોળનો ભાવ ગઇકાલની તુલનાએ રૂા. 30 જેટલો ઘટીને નાની મિલોનો રૂા. 1500-1530 અને મોટી મિલોનો રૂા. 1550-1570 થઇ ગયો હતો. મિક્સીંગવાળો ખોળ રૂા. 1330-1350માં વેચાય છે. કપાસિયાના ભાવમાં પણ છેલ્લા ચારેક દિવસમાં રૂા. 25નો ઘટાડો થતાં રૂા. 605-615 થઇ ગયા છે. સૌરાષ્ટ્ર કપાસ, કપાસિયા અને ખોળ એસોસિયેશનના પ્રમુખ અવધેશભાઇ સેજપાલ કહે છે, કપાસિયાનો સ્ટોક ગુજરાતમાં 5500 ગાડી કરતાં વધારે નથી. ખોળનો સ્ટોક પણ ડિમેટ સાથે 8થી 9 લાખ ગૂણી જેટલો છે. માગની તુલનાએ 30 ટકા જેટલો જ સ્ટોક છે છતાં વગર માલની મંદી થઇ ગઇ છે. મિક્સીંગ અતિશય થઇ રહ્યું હોવાથી સારા ખોળની અછત હોવા છતાં બજારમાં તેજી થવાને બદલે ભાવ તૂટી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે, જુલાઇ ઓગસ્ટમાં સામાન્ય વર્ષોમાં તેજી થતી હોય છે પણ આ વખતે માર્ચ-એપ્રિલમાં ભાવ ઊંચકાઇ જતાં સ્ટોકિસ્ટોએ માલ એકઠો કરી લીધો હતો. હવે માલ નબળા પડતા જાય છે એટલે ગભરાટભરી વેચવાલી છે. તેજીમાં ઘણા સ્ટોકિસ્ટોએ નબળો માલ પણ ખરીદી લીધો હતો. જોકે હવે બજારને મિક્સીંગ કરેલો ખોળ પણ અકળાવે છે. 
વરસાદ પડી ગયા પછી ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં ખોળની માગ નીકળવાની ધારણા છે. ત્યાં સુધી પશુપાલકો વૈકલ્પિક ચારાનો ઉપયોગ કરશે.  એનસીડેક્સ ઉપર ખોળનો જુલાઇ કોન્ટ્રાક્ટ આ લખાય છે ત્યારે રૂા. 29 વધીને રૂા. 2759 હતો. ઇન્ટ્રા ડેમાં રૂા. 2656 સુધી ઘટી ગયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer