સોનામાં પૂરપાટ તેજી મુંબઈમાં 24 કેરેટનો ભાવ રૂા. 34,588 થયો

અમારા પ્રતિનિધિ તરફથી, રાજકોટ, તા. 25 જૂન

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1439 ડૉલરની છ વર્ષની નવી ઊંચાઇ ઉપર પહોંચી ગયો હતો. ચલણ બજારમાં અમેરિકી ડૉલરનું મૂલ્ય નબળું પડી ગયું છે. ફેડ દ્વારા વ્યાજદર ઘટાડવાની નીતિનો અમલ આવતા મહિનાથી થાય છે તેની અસર ડૉલર પર થઇ છે. એ ઉપરાંત અમેરિકા અને ઇરાન વચ્ચે વધતાં ટેન્શન વચ્ચે ફંડો સોનાની ખરીદી કરતા થઇ ગયા છે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂા.150ની તેજીમાં રૂા. 34,150 થઇ ગયો હતો. મુંબઇમાં રૂા. 423ની તેજી આવતા રૂા. 34,588 હતો. 
પાછલા ચાર સપ્તાહમાં સોનાના ભાવમાં 10 ટકાની તેજી થઇ ગઇ છે. ડૉલરનું મૂલ્ય સાડા ત્રણ મહિનાના નીચાં સ્તરે છે. 1400 ડૉલરનું ટેકનિકલ સ્તર વટાવી દેતા તેજીનો તીવ્ર ઉછાળો આવ્યો છે. છેલ્લે સોનાનો ભાવ મે 2013માં 1438 ડૉલર થયો હતો. મંગળવારે 1438 ડૉલર થયા હતા. ઊંચા મથાળે હવે ફંડો અને રોકાણકારોને તેજીમાં વિશ્વાસ બેસતો જાય છે એટલે ખરીદી સારી છે. ચાર્ટ પ્રમાણે 1440 અને 1450 મહત્વના પ્રતિકારક સ્તર છે. ચાંદીમાં પણ તેજી છે. ન્યૂયોર્કમાં 15.41 ડૉલરનો ભાવ રાનિંગ હતો. સ્થાનિક બજારમાં અફડાતફડીના અંતે ચાંદી ગઇકાલના મથાળે રૂા. 38,200 ઉપર સ્થિર હતી. મુંબઇમાં ચાંદી એક કિલોએ રૂા. 120 વધતા રૂા. 38,065 હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer