63 મૂન્સ ટેક્નૉલૉજીસની ફરિયાદના આધારે

રમેશ અભિષેક વિરુદ્ધ અદાલતે સ્ટેટસ રિપોર્ટ માગ્યો 

મુંબઈ, તા. 25 જૂન
ડિપાર્ટમેન્ટ અૉફ પ્રમોશન અૉફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)ના સેક્રેટરી રમેશ અભિષેક વિરુદ્ધની એક ફરિયાદ સંબંધે મદ્રાસ વડી અદાલતે કેન્દ્રીય દક્ષતા પંચ પાસેથી ત્રણ સપ્તાહની અંદર સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે.  
63 મૂન્સ ટેક્નૉલૉજીસ (જૂનું નામ ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ - એફટીઆઇએલ) કંપનીએ આ ફરિયાદ કરી હતી. રમેશ અભિષેકે આ કંપનીનું તેની પેટા કંપની એનએસઈએલ (નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ની સાથે મર્જર કરવાની ભલામણ કરી હતી. એ ભલામણ કરવા માટે એ સમયની નિયમનકાર સંસ્થા ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ને કોઈ કારણ ન હતું એવું 63 મૂન્સે કેન્દ્રીય દક્ષતા પંચમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે. 
અહીં જણાવવું રહ્યું કે રમેશ અભિષેક એફએમસીના ચૅરમૅન હતા એ સમયે ઉક્ત ભલામણ કરવામાં આવી હતી, જેને કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે માન્ય રાખીને મર્જરનો આદેશ બહાર પાડ્યો હતો. સર્વોચ્ચ અદાલતે મર્જરના આદેશને ગત 30મી એપ્રિલે રદ કરતો ચુકાદો આપ્યો હતો.  
63 મૂન્સે કેન્દ્રીય દક્ષતા પંચ સમક્ષ ફરિયાદ કર્યા બાદ મદ્રાસ વડી અદાલતમાં કરેલી રિટ અરજીમાં કહ્યું હતું કે પંચે આ બાબતે તપાસ કરવી જોઈએ. અદાલતે પંચને આ તપાસ સંબંધે ત્રણ સપ્તાહની અંદર સ્ટેટસ રિપોર્ટ આપવાનો સોમવારે 24મી જૂને હુકમ કર્યો છે.  
પંચને કરાયેલી ફરિયાદમાં 63 મૂન્સે કહ્યું છે કે રમેશ અભિષેકે મર્જર કરાવવા સંબંધે સરકારને ગેરમાર્ગે દોરી હતી.  
રમેશ અભિષેકે એનએસઈએલ કેસમાં બ્રોકરોની સંડોવણી વિશેનો મુંબઈ પોલીસના ઉચ્ચાધિકારી રાજવર્ધન સિંહાનો અહેવાલ પણ દબાવી રાખ્યો અને તેના સંબંધે કોઈ કાર્યવાહી નહીં કરી એવો આક્ષેપ થયો છે. 
આ બાબતે રમેશ અભિષેક દ્વારા કોઈ પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ નથી. તેમણે મર્જરની ભલામણ કરતા પત્રમાં કહ્યું હતું કે જનહિતને ધ્યાનમાં રાખીને મર્જર કરવું જોઈએ. આ બાબતે સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે મર્જરના આદેશને જનહિત સાથે કોઈ લેવાદેવા નથી. તેણે તો એટલે સુધી કહ્યું હતું કે ખાનગી ટ્રેડરોના હિતને જનહિતનો પ્રશ્ન કહી શકાય નહીં.  
63 મૂન્સનું કહેવું છે કે રમેશ અભિષેકે સરકારી અમલદારને છાજે નહીં એવું બદઈરાદાપૂર્વકનું પગલું ભર્યું હતું તેથી તેના વિશે તપાસ થવી જોઈએ અને આવશ્યક સુધારાનાં પગલાં લેવાં જોઈએ. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer