ભારત સામે ડબ્લ્યુટીઓમાં વાંધા ઊઠયા

નવી દિલ્હી, તા. 25 જૂન
કેન્દ્ર સરકારે માર્ચમાં ખેડૂતો માટે જાહેર કરેલી ટ્રાન્સપોર્ટ અને માર્કેટિંગ આસિસ્ટન્સ સ્કીમે હચમચી ગયેલા અનેક વિકસિત દેશોએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુટીઓ)ની બેઠકમાં આ યોજના સામે વાંધા ઉઠાવ્યા છે.
નાઈરોબીમાં યોજાયેલી ડબ્લ્યુટીઓની બેઠકમાં આ પ્રકારની સબસિડીઓ ઉપર અંકુશ લાદવા લેવાયેલા નિર્ણય સામે ભારતે આંખ આડા કાન કર્યા હોવાની શંકા ઓસ્ટ્રેલિયાએ વ્યક્ત કરી હતી, જ્યારે અમેરિકાએ આવી સબસિડીઓ અપાતી હોય તેવી ચીજવસ્તુઓની વધુ વિગતો માગી છે.
ઓસ્ટ્રેલિયા અને અમેરિકાએ ભારત સામે ઉઠાવેલા વાંધા વિશે 26મી જૂનના રોજ કૃષિ કમિટીની બેઠકમાં ચર્ચા થશે. એ સમયે આ ચર્ચામાં અન્ય દેશો જોડાઈ શકે છે. ડબ્લ્યુટીઓમાં આ દેશોનો વિરોધ એ છે કે ભારત કૃષિ પેદાશના આંતરરાષ્ટ્રીય નૂર તેમ જ માર્કેટિંગ માટે જે સહાય આપે છે, તેનાથી ચોક્કસ કૃષિ પેદાશોની નિકાસના પરિવહનનો ઊંચો ખર્ચ ઘટાડી શકાય છે અને ઉત્તર અમેરિકા, યુરોપિયન યુનિયન, દક્ષિણ અમેરિકાના કેટલાક દેશો, ચીન, આશિયાન દેશો, ન્યૂ ઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનાં બજારોમાં ભારતીય બ્રાન્ડેડ કૃષિ પેદાશોની પ્રોત્સાહન પણ મળે છે.
આ યોજનાનો લાભ 31મી માર્ચ, 2020 સુધી કરાતી નિકાસ ઉપર મળશે. ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું છે કે ભારતનું આ પગલું સબસિડી વધારનારું છે. ઓસ્ટ્રેલિયાએ એ પણ નોંધ્યું છે કે નાઈરોબીમાં લેવાયેલા નિર્ણયમાં વિકાસશીલ દેશોને પરિવહન અને માર્કેટિંગ માટે 2023 સુધી સબીસિડી આપવાની મંજૂરી હતી, પરંતુ તેમાં કેટલીક શરતો પણ હતી. આ શરતો મુજબ, સભ્યો નિકાસ સબસિડીને એવી રીતે લાગુ કરે નહીં, જે બધી નિકાસ સબસિડી ઘટાડવા અને દૂર કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકે, સભ્યો જે તે ઉત્પાદનને આધારે છેલ્લાં પાંચ વર્ષની સરેરાશ નિકાસ સબસિડી કરતાં વધુ સબસિડી આપી નહીં શકે, અને સભ્યોએ એ સુનિશ્ચિત કરવું પડશે કે તેમની નિકાસ સબીસિડીઓથી વેપાર ઉપર કોઈ વિપરીત અસર ન પડે અને બીજા કોઈ સભ્ય દેશની નિકાસોને માઠી અસર પડે નહીં

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer