રાજીનામાની ભીતરની વ્યથા

આરબીઆઇની સ્વાયત્તતાથી ઓછું આચાર્યને કંઈ સ્વીકાર્ય નહોતું 

મુંબઈ, તા. 25 જૂન
રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેનાં કારણો વિશે વિવિધ અટકળો થઇ રહી છે. તેમના પદે હવે કોણ આવશે એ વિશે પણ અનિશ્ચિતતા છે.  
આચાર્યના રાજીનામાના સમાચાર મીડિયામાં ચમક્યા એ પછી રિઝર્વ બૅન્કે સોમવારે પ્રેસ રિલીઝ જારી કરીને આ વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે આચાર્યે થોડા દિવસ અગાઉ રાજીનામું આપ્યું હતું. અંગત કારણોસર તેમણે આ પગલું લીધું હતું, એમ જણાવીને રિઝર્વ બૅન્કે કહ્યું હતું કે હવે આગળ શું કરવું એ વિશે વિચારણા ચાલી રહી છે. 
જાન્યુઆરી 2017માં ત્રણ વર્ષ માટે ડેપ્યુટી ગવર્નર નિમાયેલા આચાર્યએ ટર્મ પૂરી થાય તેના છ મહિના અગાઉ જ રાજીનામું આપી દેતાં નાણાકીય ક્ષેત્રમાં આશ્ચર્યનાં વમળો સર્જાયાં છે. 
જાણકારોનું કહેવું છે કે થોડા મહિનાઓ પહેલાં જ આચાર્યના રાજીનામાનો માહોલ ઊભો થયો હતો. સરકાર અને રિઝર્વ બૅન્ક વચ્ચે અમુક બાબતોમાં મતભેદ ઊભો થયો અને સરકારે પોતાનો અભિપ્રાય સ્વીકારવા દબાણ કર્યું એ પછી રઘુરામ રાજન અને પછી ઊર્જિત પટેલે ગવર્નર તરીકે રાજીનામાં આપ્યાં ત્યારે જ લાગતું હતું કે આચાર્ય પણ હવે જશે.  
અૉક્ટોબર, 2018માં આચાર્યએ કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જે સરકાર મધ્યસ્થ બૅન્કની સ્વાયત્તતા સ્વીકારતી નથી એ વહેલામોડા નાણાકીય બજારના ગુસ્સાનો ભોગ બને છે. 
વિરલ આચાર્ય રિઝર્વ બૅન્કની નાણાનીતિ અને વ્યાજદર નક્કી કરતી મોનિટરી પોલિસી કમિટીના સભ્ય હતા અને વ્યાજદર ઘટાડવા સામે તેમણે વારંવાર વિરોધ કર્યો હતો. જૂનમાં સર્વસંમતિથી રેપો રેટમાં ઘટાડો કરાયો ત્યારે બજારને આશ્ચર્ય થયું હતું, પણ બેઠકની મિનિટ્સ બહાર પડી ત્યારે જણાયું કે આચાર્યએ ખચકાતાં મને ઘટાડાની તરફેણમાં મત આપ્યો હતો. એ વિશે વધુ ફોડ આપવામાં આવ્યો નહોતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer