3 હજાર કરોડનું હીરાનું કન્સાઇનમેન્ટ સીઝ થયાના અહેવાલોને હીરા ઉદ્યોગનો રદિયો

અફવાઓ ફેલાવી હીરા ઉદ્યોગનું વાતાવરણ ડહોળવા પ્રયાસ : દિનેશ નાવડિયા

ખ્યાતિ જોશી
સુરત, તા. 25 જૂન
મુંબઈ કસ્ટમ્સ વિભાગે સુરતની ટોચની હીરાની પેઢીના રૂા. 3 હજાર કરોડના રફ હીરાના કન્સાઈનમેન્ટને સીઝ કર્યાના મેમો નંબર સાથેના અહેવાલ પ્રસિદ્ધ થતાં ઉદ્યોગમાં સોંપો પડી ગયો છે. આ ઘટનાની સમગ્ર હીરા બજારમાં ભારે ચર્ચા ચાલી છે. વાસ્તવમાં મુંબઈ કસ્ટમ્સ વિભાગે આટલી માતબર રકમના હીરાનાં પાર્સલ જપ્ત કર્યા છે એ મુદ્દે તપાસ કરતાં હીરા ઉદ્યોગે આ દાવાને પોકળ ગણાવ્યો છે.  
ત્રણ હજાર કરોડના કન્સાઇનમેન્ટના સમાચારને ઉદ્યોગનાં વર્તુળો રદિયો આપે છે. જોકે, ચાલુ મહિને સુરતની એક ટોચની કતારગામ સ્થિત હીરાની પેઢીનું રૂા. દોઢ કરોડની કિંમતનું રફ હીરાનું કન્સાઈનમેન્ટ મુંબઈ કસ્ટમ્સ વિભાગે જપ્ત કર્યું હતું. હીરાનું વિવરણ કર્યું નહીં હોવા ઉપરાંત તેની કિંમતને લઈને કસ્ટમ્સ વિભાગને આશંકા જતાં કસ્ટમ્સ અધિકારીઓએ કંપનીના માલિકો સાથે ચર્ચા કરી વૅલ્યૂએશન મામલો ઉકેલાય નહિ ત્યાં સુધી પાર્સલને છોડયા ન હતા, પણ આ કંપનીએ વૅલ્યૂએશન મામલે કસ્ટમ્સ વિભાગને સંતોષકારક પ્રત્યુત્તર આપતાં તેનાં મહત્ત્વનાં બે પાર્સલ છૂટી ગયાં છે. માત્ર રૂા. 25થી 30 લાખની કિંમતનાં બે પાર્સલ છૂટવાનાં બાકી છે.
આ દરમિયાન સુરતના કતારગામની ટોચની હીરાની પેઢીનું રૂા. 3 હજાર કરોડનું કન્સાઈનમેન્ટ મુંબઈ કસ્ટમ્સે હીરાનાં ગ્રેડિંગ અને વૅલ્યૂએશનના મામલે સીઝ કર્યું હોવાના સમાચારો વહેતા થયા હતા. મુંબઈ કસ્ટમ્સ વિભાગને હીરા ઉદ્યોગમાં પેઢીઓ દ્વારા રફ-પૉલિશ્ડ હીરાનું ઓવર વૅલ્યૂએશન કરી લોન કૌભાંડ આચરવામાં આવતું હોવાની ગંધ આવી છે. આ મામલે મુંબઈ કસ્ટમ વિભાગે ડઝનબંધ કંપનીઓને નોટિસ મોકલી હોવાની વાત પણ થઇ રહી છે. જોકે, જાણકારો આ વાત સ્વીકારે છે કે કંપનીઓને ઓવર વૅલ્યૂએશન મામલે નોટિસ મળી છે, પરંતુ રૂા. 3 હજાર કરોડનું માતબર પાર્સલ પકડાયું હોવાની વાત તદ્દન પાયાવિહોણી છે. આ મામલે `વ્યાપાર'ના પ્રતિનિધિએ જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રિજનના ચેરમેન દિનેશ નાવડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું છે કે, બજારમાં કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યા છે. રૂા. 3 હજારનું કન્સાઈનમેન્ટ કસ્ટમ્સ વિભાગે સીઝ કર્યાની વાત ખોટી છે. આવી કોઈ ઘટના બની નથી. અમે અફવાઓ ફેલાવનારથી હીરા ઉદ્યોગના સાહસિકો, વેપારીઓ, દલાલો અને કર્મચારીઓને સાવધ રહેવા અપીલ કરીએ છીએ. ઉદ્યોગનું વાતાવરણ ડહોળનારાં તત્ત્વોથી દૂર રહેવા તાકીદ કરીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે, કસ્ટમ વિભાગે હીરાનું વિવરણ માગતું નોટિફિકેશન બહાર પાડતાં અમે તેનો વિરોધ નોંધાવી આ નોટિફિકેશન પાછું ખેંચવામાં આવે તેવી રજૂઆત કરી છે. 
ઓવર વૅલ્યૂએશન મુદ્દે ઈડી તપાસ કરે તેવી સંભાવના સૂત્રોના જણાવ્યા અનુસાર હીરાની પેઢીઓ દ્વારા કરાતાં ઓવર વૅલ્યૂએશન પર નિયંત્રણ લગાવવા માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ તપાસ કરે તેવી શક્યતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer