તૈયાર વત્રોની નિકાસ મેમાં 14.05 ટકા વધી

ભારતીય ઉત્પાદનો 10થી 15 ટકા મોંઘાં હોવા છતાં વાર્ષિક 8થી 10 ટકાના દરે નિકાસ વધશે
એજન્સીસ
ચેન્નાઈ, તા. 25 જૂન
લગભગ બે વર્ષની સુસ્તી બાદ હવે ભારતની તૈયાર વત્રોની નિકાસ એકધારી વધી રહી છે. સરકારે વધારેલા ટૅક્સ રિબેટથી અને અન્ય પગલાંઓથી આ સુધારો જોવાયો છે.
મે 2019ના મહિનામાં ગાર્મેન્ટસની નિકાસ 14.05 ટકા વધી 1.528 અબજ ડૉલરની થઈ છે જે મે 2018માં 1.339 અબજ ડૉલરની હતી. વિશ્વબજારની પેરીટીમાં ભારતીય ઉત્પાદનો 10થી 15 ટકા મોંઘાં હોવા છતાંય વિદેશી ગ્રાહકો ભારતમાંથી ખરીદી વધારી રહ્યા છે. હવે ગાર્મેન્ટસની નિકાસ વાર્ષિક 8થી 10 ટકાના દરે વધવાની ધારણા છે.
2016-17માં કુલ ગાર્મેન્ટ્સની નિકાસ 17.361 અબજ ડૉલરની થઈ હતી. જીએસટી અને નોટબંધી અમલી બનતાં નિકાસ ઘટવી શરૂ થઈ હતી. 2018-19માં નિકાસ 3.43 ટકા ઘટી 16.14 અબજ ડૉલરની થઈ હતી જે 2017-18માં 16.71 અબજ ડૉલરની હતી.
નીચા ઇન્સેન્ટીવ અને ઊંચી કોસ્ટ જેવી ઉદ્યોગની સમસ્યા હતી. આથી સરકારે રિબેટ અૉફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્સીસ એન્ડ લેવી (આરઓએસસીટીએલ) અમુક આઇટમો પર 3.2 ટકા અને બાકીની આઇટમો પર 4.5 ટકા વધારી આપ્યા હતા.
તિરુપુર એક્સપોર્ટસ ઍસોસિયેશનના પ્રમુખ રાજા એમ. ષણ્મુઘમે જણાવ્યું હતું કે તિરુપુર માટે છેલ્લા છ મહિનામાં નિકાસવૃદ્ધિ 31.15 ટકા થઈ છે. સરકારી આંકડા જણાવે છે કે અૉક્ટોબર 2018થી નિકાસ 12 ટકા વધી છે.
ધી ક્લોધિંગ મેન્યુફેકચરર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સીએમએઆઈ)ના પ્રમુખ અને ઇન્ટરનેશનલ એપરલ ફેડરેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે હવે પરિસ્થિતિ બદલાઈ છે. સરકારી ટેકો વધ્યો છે. બાંગ્લાદેશ મોંઘું થઈ રહ્યું છે અને વિયેટનામ તેની સ્થાપિત ક્ષમતાના વપરાશની ટોચે પહોંચી ગયું છે. ચીનના ટેક્સટાઇલ ક્ષેત્રમાંથી નીકળી જવાના નિર્ણયથી બાંગ્લાદેશમાં મજૂરીના દર વધી ગયા છે. આથી ભારતીય નિકાસને ફાયદો થયો છે.
સેન્ટ્રલ અને સ્ટેટ ટેક્સીસના રીફંડથી, મર્ચન્ડાઇઝ એક્સપોર્ટસ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ (એમઈઆઈએસ) હેઠળના નવા લાભોથી, બે ટકા ડયૂટી ડ્રોબેકના રિન્યુઅલથી ભારતીય ગાર્મેન્ટ ઉદ્યોગ વધુ સ્પર્ધાત્મક બન્યો છે. ભારતના પક્ષે અન્ય લાભોમાં ડિઝાઇન, વેલ્યુએડિશન અને સ્કીલ છે.
રાહુલ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે વધુ સવલતો આપવાનો અવકાશ હવે સરકાર પાસે નથી પણ જીએસટી, બૅન્કિંગ, મજૂર સુધારાથી ઉદ્યોગને ફાયદો થશે. જો રિફંડ પ્રક્રિયા ઝડપી બનાવાય તો વર્કિંગ કેપિટલની ખેંચથી ઝઝૂમતા ગાર્મેન્ટ ઉદ્યોગને ભારે ફાયદો થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer