જીએસટીના દર યથાવત્ રહેતાં વેપારીઓ નિરાશ

જીએસટીના દર યથાવત્ રહેતાં વેપારીઓ નિરાશ
વાર્ષિક રિટર્ન ભરવાની તારીખ લંબાઈ હોવાથી થોડી રાહત
અમદાવાદ, તા. 25 જૂન
સરકાર કરવેરાની આવક વધારવાના પ્રયાસો કરી રહી હોવાથી વેપારીઓમાં નિરાશા વ્યાપી છે. ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ (જીએસટી) કાઉન્સિલની તાજેતરની બેઠકમાં અપેક્ષા મુજબ વેરાના સ્લેબ ઘટાડવામાં ન આવ્યા. ઉપરાંત જીએસટીનું વાર્ષિક રિટર્ન સરળ બનાવવા માટે પણ કોઈ પગલાં ન લેવાયાં.
રિયલ્ટી, ઓટોમોબાઈલ અને હૉસ્પિટાલિટી ક્ષેત્રની કેટલીક ચીજવસ્તુઓ ઉપર કરવેરામાં ઘટાડો અપેક્ષિત હતો, પરંતુ કાઉન્સિલે તે બાબતે કોઈ નિર્ણય ન લીધો. જોકે, વેપારીઓને જેની સૌથી વધુ જરૂરિયાત હતી, તે વાર્ષિક રિટર્ન ભરવાની તારીખ કાઉન્સિલે લંબાવી છે.
ફેડરેશન અૉફ અૉલ ઈન્ડિયા વ્યાપાર મંડળના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું કે વાર્ષિક રિટર્નના ફૉર્મમાં કેટલીક અવ્યવહારુ કોલમ્સ સાથે પ્રક્રિયાને જટિલ બનાવી દેવાઈ છે, જેનાથી વેપારીઓને રિટર્ન્સ ફાઈલ કરવામાં મુશ્કેલી પડે છે. આ ફોર્મને સરળ બનાવાયું નથી તેમ જ રિટર્નના ફોર્મેટમાં કોઈ ફેરફાર કરાયા નથી. કરવેરાના દર પણ ઘટાડયા નથી.
સધર્ન ગુજરાત હૉટેલ ઍન્ડ રેસ્ટોરન્ટ્સ ઍસોસિયેશનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ હૉસ્પિટાલિટી ક્ષેત્રે મલ્ટિપલ રેટ્સને બદલે 12 ટકાના દરે સિંગલ રેટ લાગુ કરવાની માગણી કરી હતી. મલ્ટિપલ રેટ્સને કારણે અનેક ગુંચવાડા સર્જાય છે.
રિયલ એસ્ટેટની વાત કરીએ તો, સિમેન્ટને જીએસટીના 28 ટકાના સ્લેબને બદલે 18 ટકાના સ્લેબમાં મૂકવાની માગણી ઘણા લાંબા સમયથી કરાઈ રહી છે. સ્લેબમાં આ ફેરફારથી કુલ બાંધકામ ખર્ચ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય એમ હોવાનું એનારોક પ્રોપર્ટી કન્સલ્ટન્ટના ચેરમેન અનુજ પુરીએ જણાવ્યું હતું. પુરીએ ઉમેર્યું કે જોકે, આવા લાભ ગ્રાહકો સુધી પૂરેપૂરા પહોંચાડવામાં આવતા નથી. હકીકતમાં ગયા વર્ષે પુરાંત પુરવઠાને કારણે સિમેન્ટના ભાવ ઘટયા હતા, પરંતુ પ્રોપર્ટીના ભાવ ઉપર તેની કોઈ નોંધપાત્ર અસર જોવા મળી ન હતી. 
સરકારે 2019-20માં માસિક રૂા. 1.14 લાખ કરોડના જીએસટી કલેક્શનનું લક્ષ્યાંક રાખ્યું છે. એપ્રિલ, 2019માં જીએસટીની આવક રૂા. 1.13 લાખ કરોડ (લક્ષ્યાંક કરતાં સાધારણ ઓછી) નોંધાઈ છે, જે અત્યાર સુધીની સૌથી વધુ માસિક આવક છે, પરંતુ મે મહિનામાં લક્ષ્યાંક કરતાં વધુ ઓછી એટલે કે રૂા. 1,00,289 કરોડ આવક  નોંધાઈ છે.
અર્ન્સ્ટ ઍન્ડ યંગના પાર્ટનર (ટૅક્સ) અભિષેક જૈને જણાવ્યું કે કરવેરાની આવક વધારવા માટે સરકારે કરચોરી અટકાવવા તેમ જ અનુપાલન વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એકવાર આવક સ્થિર બને તે પછી સરકાર વેરાના દર ઘટાડવા વિશે વિચારી શકે. 
જીએસટીની નેશનલ ઍડવોકેટ્સ એક્શન કમિટીના કોર ગ્રુપના સભ્ય અક્ષત વ્યાસે જણાવ્યું કે નવી ટીમ સાથેની નવી સરકાર કરવેરાના દર ઘટાડવા જેવા મોટા નિર્ણય તાત્કાલિક લે તેવી અપેક્ષા વધુપડતી ગણાશે. રિટર્ન્સ ભરવાની તારીખ લંબાવાઈ હોવાથી મોટા ભાગના વેપારીઓ રિટર્ન ભરી શકશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer