ઍક્સાઇઝ, વેટ અને સર્વિસ ટૅક્સ રિટર્નમાં તફાવત

ઍક્સાઇઝ, વેટ અને સર્વિસ ટૅક્સ રિટર્નમાં તફાવત
અમદાવાદના 40 હજાર કરદાતાઓને આયકર વિભાગની નોટિસ પાઠવાઇ 
 
અંદાજે રૂા. 4500થી 5000 કરોડ સુધીનો તફાવત પડતાં આયકર વિભાગ હરકતમાં  

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 25 જૂન
અમદાવાદ આવકવેરા વિભાગે એકસાથે 40 હજાર જેટલા સ્થાનિક કરદાતાઓને નોટિસ પાઠવતાં ખળભળાટ મચી ગયો  છે. કરદાતાઓના પાછલા વર્ષમાં એકસાઇઝ અને વેતન રિટર્નમાં મોટો નાણાકીય તફાવત હોવાનું માલૂમ પડતાં નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 
આવકવેરા વિભાગ પાસેથી મળેલી માહિતી પ્રમાણે 2014થી 2016 સુધીના વર્ષના એકસાઇઝ રિટર્ન, સર્વિસ ટૅક્સ રિટર્ન અને વેટના રિટર્ન તપાસવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે ત્રણેય રિટર્ન વચ્ચે મોટો તફાવત દેખાતાં નોટિસ આપી છે. કલમ 133 મુજબ તમામ પાસેથી વિગતો માગીને રિટર્નમાં તફાવત કેમ છે તે અંગેનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. 
આયકર વિભાગ નોટિસ માગીને જવાબ ન મેળવે તો આવકવેરા વિભાગ ઉપર જ ભવિષ્યમાં વેચાણ પરના આવકવેરાની જવાબદારી આવી પડે, એટલે આ વિસંગતતા દૂર કરવા માટે નોટિસ ફટકારાઇ હોવાનું એક અધિકારીએ કહ્યું હતું.
હાલ તો તમામ ટૅક્સ નિષ્ણાતો પાસે નોટિસ મળનાર કરદાતાઓની લાઈન લાગી છે અને આવકવેરા વિભાગની નોટિસનો શું જવાબ આપવો તેની મથામણમાં પડ્યા છે.   
આવકવેરા વિભાગે આપેલી માહિતી પ્રમાણે જે તફાવત જોવા મળે છે તે અંદાજે રૂા. 4500 થી 5000 કરોડ સુધીનો છે. જો કરદાતાઓ આ તફાવત મુદ્દે સ્પષ્ટ જવાબ નહિ આપી શકે તો સરકારને આ રકમ ટૅક્સના રૂપમાં મળી શકે તેમ છે. જોકે, સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ઘણી વખત આ તફાવત ટેક્નિકલ હોઈ શકે છે અને બાદમાં સેટલમેન્ટ થઇ જતું હોય છે. છતાં એકસાથે 40 હજાર ફોર્મમાં ટેક્નિકલ તફાવત પડે એ સંભવ નથી. ટૂંકમાં સરકારને ટૅક્સ પેટે મોટી રકમ મળવાની શક્યતા વધી ગઇ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer