મહિનામાં 15 લાખ મીટરથી વધુ કાપડ પ્રિન્ટ કરી શકે

મહિનામાં 15 લાખ મીટરથી વધુ કાપડ પ્રિન્ટ કરી શકે
તેવું જર્મન મશીન અમદાવાદમાં  

મુકેશ પ્રજાપતિ
અમદાવાદ, તા.25 જૂન 
ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ક્રાંતિકારી કહી શકાય તેવું ડિજિટલ પ્રિન્ટિંગ મશીન તાજેતરમાં અમદાવાદમાં આવ્યું છે. એક જ માસમાં 15 લાખ મીટરથી વધુ કાપડ પ્રિન્ટિંગ કરી શકે તેવું જર્મન ટેકનૉલૉજીનું આ અદ્યતન મશીન તાજેતરમાં અમદાવાદસ્થિત અનુપમ ક્રિએશને વસાવ્યું છે. મહાત્મા મંદિર ગાંધીનગર મુકામે મસ્કતી કાપડ મહાજન કાપડ મારકેટ દ્વારા આયોજિત ફેબેક્સા-2019 દરમિયાન અનુપમ ક્રિયેશનના પી.આર. કાંકરિયા સાથે તેમના સ્ટોર ઉપર થયેલી મુલાકાતમાં તેઓએ મસ્કતી કાપડ મારકેટ મહાજનના પ્રમુખ ગૌરાંગભાઇ ભગત તથા નરેશભાઇ શર્મા અને તેમની ટીમને અભિનંદન આપતા જણાવ્યું કે, આવા બિઝનેસ મેળા યોજવાની પ્રશંસનીય કામગીરી છે અને ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓ એકબીજાની વધુ નજીક આવે છે અને વેપારને વેગ મળે છે.
ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં તેઓએ ડિજિટલ પ્રિન્ટિંગ ટેકનૉલૉજી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે,હાલમાં જે ટેકનૉલૉજી છે તેમાં ડાઇંગ, પ્રિન્ટિંગ અને વૉશિંગની પ્રક્રિયા હોય છે, તેમાં કારીગરો પણ વધારે જોઇએ છે અને કલર તેમ જ પાણીનો પણ વ્યય થાય છે. પરિણામે પ્રદૂષણ પણ વધે છે. અગાઉ જે કાપડ બનતું હતું તેમાં ક્રીન પ્રિન્ટિંગ અને હેન્ડ પ્રિન્ટિંગ ટેકનૉલૉજી વપરાતી હતી જ્યારે અનુપમ ક્રિયેશનમાં અમે ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝની વર્લ્ડ બેસ્ટડિજિટલ ટેકનૉલૉજી વસાવી છે. જેમાં કારીગરો ઓછા જોઇએ છે, કલરનો વપરાશ પણ ઓછો રહે છે અને 75 ટકાથી વધુ સમય અને પાણીની બચત થાય છે. આમ, આ ટેકનૉલૉજી ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટેં આશીર્વાદ રૂપ સાબિત થઇ છે. 
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ડિજિટલ પ્રિન્ટિંગ ટેકનૉલૉજીની આ સૌપ્રથમ યુનિટ અમારી પાસે છે. બેડ શીટમાં અમારી નિપુણતા છે. તમે કૉમ્પ્યુટરમાં કોઇપણ ડિઝાઇન કે ફોટો સિલેક્ટ કરીને પ્રિન્ટિંગ કમાન્ડ આપીને ઝડપથી તેવી જ ડિઝાઇન કાપડ ઉપર પ્રિન્ટ કરી શકાય છે. જે અન્ય કોઇપણ પ્રકારની ટેકનૉલૉજી કરતા વધુ સારું પ્રિન્ટિંગ અને સ્પષ્ટતા આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો તમારા ન્યૂઝ પેપરની પ્રિન્ટિંગ પ્રેસ જેવું જ આ ડિજિટલ પ્રિન્ટિંગ પ્રોસેસર છે, જે કપડા ઉપર પ્રિન્ટિંગ કરે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer