પાવરલૂમ ઉદ્યોગના ભારે વીજદર ઘટાડવા

પાવરલૂમ ઉદ્યોગના ભારે વીજદર ઘટાડવા
રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરીશ : અરવિંદ સાવંત
 
લઘુ એકમોના લોનના ઊંચા વ્યાજદર ઘટાડવા કેન્દ્રીય પ્રધાનનું ભારત મર્ચન્ટ ચેમ્બરને વચન

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 જૂન
પાવરલૂમ શહેર ભીવંડીમાં ઊંચા વીજદરની સમસ્યા રાજ્યસરકાર સમક્ષ રજૂ કરીને તેમાં ઘટાડો કરવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ રજૂઆત કરવાની સાથે નાના, લઘુ અને મધ્યમ ઔદ્યોગિક એકમોને લોનના ઊંચા દર 11.5 ટકાથી ઘટાડીને આઠ ટકા કરવા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી કેન્દ્રના ભારે ઉદ્યોગ અને જાહેર એકમોના પ્રધાન અરવિંદ સાવંતે આજે ભારત મર્ચંટ ચેમ્બરના પદાધિકારીઓ અને વેપારીઓને આપી હતી.
ભારત મર્ચંટ ચેમ્બર દ્વારા આયોજિત સન્માન સમારંભમાં સાવંત બોલી રહ્યા હતા. તેમણે એમએસએમઈ ક્ષેત્ર ઉપર ઊંચા વ્યાજદર વિશે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર સમક્ષ હું આ બાબતે ભારપૂર્વક રજૂઆત કરીશ કે `ઉદ્યોગ ભારે કરો અને વ્યાજ હળવાં કરો.'
 ભીવંડી પાવરલૂમ ક્ષેત્રના ઉદ્યોજકોને ઊંચા વીજદર લાદવામાં આવ્યા છે. પહેલા પ્રતિયુનિટ રૂા. 2.90 હતા તે હવે મહારાષ્ટ્ર સરકારે વધારીને રૂા. 4.50 પ્રતિ યુનિટ કર્યા છે, તેથી ઉદ્યોગો અન્ય રાજ્યોમાં હિજરત કરી રહ્યા હોવાનું ચેમ્બરના પ્રમુખ ચંદ્રકિશોર પોદારે સાવંતને જણાવ્યું હતું.
ભીવંડી પાવરલૂમ ઉદ્યોગની સમસ્યા મુખ્ય પ્રધાન સમક્ષ રજૂઆત કરવાની ખાતરી સાવંતે આપી હતી અને વીજદર ઘટાડવા પોતે આગ્રહ ધરશે એમ જણાવ્યું હતું.
ભારત મર્ચંટ અને હિન્દુસ્તાન ચેમ્બર આ બન્ને વેપારી સંગઠનો બિઝનેસ બરાબર સમજે છે. તેમના સમર્થન થકી જ પોતે ચૂંટણી જીતી શક્યા. કેન્દ્રના મજબૂત વડા પ્રધાન હતા તેથી મને કોઈ ચિંતા નહોતી, અને દૂષ્પ્રચાર છતાં ચુંટણી જીતી શક્યા, એમ સાવંતે જણાવ્યું હતું.
વેપારી સમુદાય અને સરકાર વચ્ચે કોઈ ગાંઠ નહોય ત્યારે સંબંધો બાંસુરી જેવા મીઠા બનશે, એમ અરવિંદ સાવંતે ચેમ્બરને સંબોધતાં જણાવ્યું હતું.
આ અગાઉ ચેમ્બરના પ્રમુખ ચંદ્ર કિશોર પોદારે સાવંતને પુષ્પ ગુચ્છ-શાલ આપી તેમનું સન્માન કર્યું હતું. તેમણે વત્રોદ્યોગ મંત્રાલય, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કમિટીમાં ભારત મર્ચંટ ચેમ્બરને પ્રતિનિધિત્વ આપવાની માગણી સાવંત સમક્ષ કરી હતી. તે સાથે જીએસટી, ઈ-વે બિલ સરળ બનાવવાની અને રૂા. પાંચ લાખની આવક વેરામુક્ત કરવાની, ટેક્સટાઈલ પોલીસમાં કર્મચારીઓનો પીએફ નહીં કાપવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ શ્રમ મંત્રાલયે તેને હજી મંજૂરી આપી નહીં હોવાથી તેને મંજૂર કરાવવાની માગણી પણ પોદારે કરી હતી.
ચેમ્બરના માનદ મંત્રી વિનોદ કુમાર ગુપ્તાએ સરકારની યોજનાઓનો લાભ વેપારીઓને સીધો અપાવવાની માગણી કરી હતી. ટ્રસ્ટી રાજીવ સિંગલે ચેમ્બરના કાર્યોનો પરિચય આપ્યો હતો. જ્યારે ઉપપ્રમુખ વિજયકુમાર લોહિયાએ અરવિંદ સાવંતની રાજકીય કારકિર્દીનો પરિચય આપ્યો હતો. માનદ મંત્રી વિનોદકુમાર ગુપ્તાએ આભારવિધી કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer