જાગતિક રૂ સ્ટોક આઠ વર્ષના તળિયે છતાં ભાવ ત્રણ વર્ષની બોટમે

જાગતિક રૂ સ્ટોક આઠ વર્ષના તળિયે છતાં ભાવ ત્રણ વર્ષની બોટમે
ચીન સિવાયનો વૈશ્વિક રૂનો સ્ટોક છ ટકા વધી 46 લાખ ગાંસડી  

એકમાત્ર અમેરિકામાં સ્ટોક 64 લાખ ગાંસડી વધી 2007-08 પછીની નવી ઉંચાઈએ

ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 25 જૂન
રૂ હાજર અને વાયદામાં એવી કોઈ મજબૂત લેવાલી નથી જે ભાવને તત્કાળ નીચે જતા અટકાવી શકે. અલબત્ત, જો સૌથી મોટો નિકાસકાર અમેરિકા અને સૌથી મોટો ગ્રાહક દેશ ચીન વચ્ચે વેપાર ઝઘડાનો ઉકેલ આવે અથવા રૂ ઉત્પાદક દેશમાં હવામાન નકારાત્મક બને તો લેવાલી માટેનો માર્ગ મોકળો થઇ શકે. ટ્રેડરો પણ આવી ઘટનાને હાથોહાથ ઝીલી લેવા તૈયાર બેઠા છે, જેથી ભાવ ઉપર જવાની આશા બંધાય. અમેરિકા અને ચીનના પ્રમુખો આ સપ્તાહે જપાનમાં મળનાર છે.  
આઈસીઈ ન્યૂ યોર્ક જુલાઈ પાકતા વાયદાની ડિલિવરી નિર્ધારિત કરાવવાના આ સપ્તાહમાં પ્રથમ દિવસ (ફર્સ્ટ નોટિસ ડે) અગાઉ ગત સપ્તાહે ઓક્ટોબર ત્રિમાસિક વાયદામાં સંખ્યાબંધ ટ્રેડરોએ તેમના પાકતા અથવા રોકડા વાયદાના સોદા આગળ ખેંચ્યા (રોલ ઓવર) હતા. રોકડો જુલાઈ વાયદો શુક્રવારે, 1 એપ્રિલ 2016 પછીની નવી નીચી સપાટીએ ઇન્ટ્રાડેમાં 60.52 સેન્ટ પ્રતિ પાઉન્ડ (454 ગ્રામ) મુકાયો હતો. ત્રિમાસિક ઓક્ટોબર વાયદો 64.73 સેન્ટ બંધ થયો હતો. 28 જૂને અમેરિકન કૃષિ મંત્રાલય એકરેજ રિપોર્ટ રજૂ કરે ત્યાં સુધી ટ્રેડરો નવી પોઝિશન લેવા માટે રાહ જોઈ રહ્યા છે. 
રૂ ટ્રેડરોએ પણ જુલાઈથી ઓક્ટોબરમાં સોદા રોલ ઓવર કરવાના બદલા ચાર્જિસ (કેરી ચાર્જિસ) પણ વધારવાના ભરપૂર પ્રયાસ સફળ રહ્યા હતા. એકથી બીજા વાયદામાં સોદા સ્થળાંતરિત કરવા માટે બે વાયદા વચ્ચેનો ભાવ તફાવત બદલા અથવા કેરી ચાર્જિસ કહેવાય. યુએસડીએનો અહેવાલ કહે છે કે 2019-20ના રૂ વર્ષાંત સ્ટોક 8 વર્ષના નવા તળિયે 773 લાખ ગાંસડી (પ્રત્યેક 218 કિલો) રહેશે, જે 2018-19 કરતાં સહેજ નીચી હશે. પણ પાંચ વર્ષ અગાઉના વિક્રમી સ્ટોક કરતાં આ આંકડો 295 લાખ ટન ઓછો હશે. 
ચીનમાં 2019-20નો વર્ષાંત રૂ સ્ટોક વિશ્વના કુલ સ્ટોકનો 41 ટકા હિસ્સો એટલે કે 315 લાખ ગાંસડી અંદાજાયો છે. 2014-15માં વૈશ્વિક વર્ષાંત સ્ટોક વિક્રમ 1067 લાખ ગાંસડી હતો. જેમાં ચીનનો જ હિસ્સો 62 ટકા હતો. ચીનની સરકારે એવી નીતિ અખત્યાર કરી હતી, જેમાં અનામત સ્ટોકના ડુંગરા ખડકાવા લાગ્યા હતા, પણ આ નીતિને ઘણી હળવી કરવામાં આવતાં ત્યાર પછીનાં વર્ષથી તેમનો સ્ટોક ઘટતાં જાગતિક સ્ટોકમાં પણ ગાબડાં પાડવાં માટે કારણભૂત થયો હતો, એમ અમેરિકન કૃષિ મંત્રાલયનું કહેવું છે. આ વર્ષે ચીન બહાર, રૂ સ્ટોક 6 ટકા વધીને 460 લાખ ટન અંદાજિત છે. આ સ્ટોક વધવાનું મૂળ કારણ બ્રાઝિલ અને અમેરિકાથી ઘટેલી નિકાસ હશે.  
એકલા બ્રાઝિલમાં જોઈએ તો, 2018-19માં વિક્રમી પાક થયો હતો 2019-20માં પણ મોટો પાક અનુમાનિત છે, તેથી સ્ટોક 16 ટકા વધીને આગામી વર્ષે 125 લાખ ગાંસડીના વિક્રમી સ્તરે પહોંચશે. આ તરફ ભારતની કોટન એડવાઈઝરી બોર્ડનો અંદાજ છે કે 2018-19નું રૂ ઉત્પાદન 12 વર્ષમાં સૌથી ઓછું 337 લાખ ગાંસડી (પ્રત્યેક 170 કિલો) આવશે. બોર્ડે ગત મિટિંગમાં આ અંદાજ 361 લાખ ગાંસડીનો મૂક્યો હતો. બોર્ડ કહે છે કે જુદાં જુદાં કારણોસર ખેડૂતોએ ચોથી અને પાંચમી રૂની ચૂંટાઈ કરી જ ન હતી. નીચા આંતરરાષ્ટ્રીય ભાવને પગલે ભારતમાં 2018-19ની મોસમમાં રૂની આયાત 22 લાખ ગાંસડીએ પહોંચી ગઈ હતી, જે 2017-18ના વર્ષ કરતાં 7 લાખ ગાંસડી વધુ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer