સિંચાઈ ક્ષેત્રના વિકાસની યોજનાનું અડધોઅડધ ભંડોળ ગુજરાતને અપાયું

સિંચાઈ ક્ષેત્રના વિકાસની યોજનાનું અડધોઅડધ ભંડોળ ગુજરાતને અપાયું
જોકે, પ્રધાન મંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે સૌથી વધુ ભંડોળ આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રને મળ્યું
નવી દિલ્હી, તા. 25 જૂન
છેલ્લાં પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારે સિંચાઈ યોજનાઓ પાછળ ફાળવેલાં ભંડોળમાંથી નોંધપાત્ર રીતે મોટો હિસ્સો ગુજરાતને ફાળવવામાં આવ્યો હોવાનું રાજ્ય સભામાં પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં જણાવાયું હતું.
2014-15થી 2018-19 દરમિયાન કમાન્ડ એરિયા ડેવલપમૅન્ટ ઍન્ડ વોટર મૅનેજમેન્ટ (સીએડીડબલ્યુએમ) માટે કેન્દ્ર સરકારે કરેલા કુલ ખર્ચ રૂા. 3772 કરોડના 56 ટકા એટલે કે રૂા. 2074 કરોડની સહાય ફક્ત ગુજરાતને કરાઈ હોવાનું કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંઘ તોમરે કૉંગ્રેસના સાંસદ અમી યાજ્ઞિક અને હુસૈન દલવાઈએ ઉઠાવેલા સવાલનો ઉત્તર આપતાં જણાવ્યું હતું.
પ્રધાન મંત્રી કૃષિ સિંચાઈ યોજના (પીએમકેએસવાય) હેઠળ આજ ગાળામાં ગુજરાતને વધુ રૂા. 1200 કરોડ એટલે કે યોજનાના કુલ ખર્ચમાંથી 12 ટકા ભંડોળ અપાયું હતું. કેન્દ્ર સરકારે પીએમકેએસવાય યોજના હેઠળ 2014-15થી 2018-19 દરમિયાન કુલ રૂા. 10,249 કરોડની રકમ મંજૂર કરી હતી. ગુજરાત કરતાં વધુ ભંડોળ મેળવનારાં રાજ્યોમાં આંધ્ર પ્રદેશ (રૂા. 1674 કરોડ), કર્ણાટક (રૂા. 1323 કરોડ) અને મહારાષ્ટ્ર (રૂા. 1313 કરોડ) સામેલ છે.
તોમરે જણાવ્યું કે 2018-19માં છ રાજ્યોનાં કુલ 103 જિલ્લા દુકાળગ્રસ્ત જાહેર કરાયા હતા અને રાજ્યોની કુલ રૂા. 22,771 કરોડની માગ સામે સરકારે રૂા. 8171 કરોડ દુકાળ રાહત તરીકે ફાળવ્યા હતા. જોકે, દુકાળની અસર 2015-16 કરતાં ઓછી હતી.
મહારાષ્ટ્રમાં 26 જિલ્લાને દુકાળની ગંભીર અસર પહોંચી હતી અને કેન્દ્ર સરકાર તરફથી રૂા. 4714 કરોડની રાહત મળી હતી, જ્યારે રાજસ્થાનના દુકાળગ્રસ્ત નવ જિલ્લાને રૂા. 1207 કરોડની રાહત મળી હતી. દુકાળનો સૌથી વધુ ફટકો કર્ણાટકને પડયો હતો, જેના 30 દુકાળગ્રસ્ત જિલ્લાઓમાં ખરીફ અને રવી પાકને નુકસાન થયું હતું અને રાજ્ય સરકારે રૂા. 2434 કરોડની માગણી કરી હતી, જેની સામે કેન્દ્ર સરકારે રૂા. 949.49 કરોડ ફાળવ્યાં હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer