કાર્વીની પ્રાઇવેટ વેલ્થ કંપની સામે મોટા રોકાણકારોએ એફઆઇઆર નોંધાવી

કાર્વીની પ્રાઇવેટ વેલ્થ કંપની સામે મોટા રોકાણકારોએ એફઆઇઆર નોંધાવી
બાંયધરીયુક્ત ઊંચા વળતરની લાલચ આપી હોવાનો આક્ષેપ
બેંગલુરુ, તા. 25 જૂન
નાણાકીય ક્ષેત્રમાં જાણીતી કંપની કાર્વી સ્ટોક બ્રાકિંગ લિમિટેડની સંલગ્ન કંપની કાર્વી પ્રાઇવેટ વેલ્થ અને તેના અધિકારીઓ સામે કેટલાક રોકાણકારોએ છેતરાપિંડી અને વિશ્વાસભંગ બદલ બેંગલુરુમાં એફઆઈઆર નોંધાવી છે. કંપનીએ રોકાણકારોને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું જણાવીને ઊંચા વળતરની ખાતરી આપી હતી, પણ વાસ્તવમાં આ રોકાણકારોને ઘણું નીચું વળતર મળ્યું હતું. કેટલાકને લાંબા સમય પછી પણ તેમના પૈસા પાછા મળ્યા નથી. તેનો ભોગ બનેલામાં ગુજરાતી રોકાણકારો પણ છે. 
એફઆઈઆરમાં ફરિયાદી તરીકે કેતકી શાહ તલાટી પણ છે.
વિવિધ રોકાણકારોએ કરેલી ફરિયાદોને એક જ એફઆઇઆરમાં નોંધવામાં આવી છે.
કેસની વિગતો જોઈએ તો બેંગલુરુના 65 વર્ષીય નિવૃત્ત ડૉક્ટર ટી. ટી. ઉષારાણીએ કાર્વી પ્રાઇવેટ વેલ્થને પુત્રીના લગ્ન માટે બચાવેલા રૂા. 30 લાખ એક વર્ષ માટે રોકવાની તત્પરતા બતાવી અને શરત મૂકી કે રકમની સલામતી હોય અને એના પર બાંયધરીવાળું વળતર મળે. કાર્વીએ તેને આ રકમ ભારત હાઈ ટેક બીલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડના સિન્ડિકેટેડ લોન ટ્રાન્સેક્શનમાં રોકવાની સલાહ આપી હતી. તેને એ કહેવામાં આવેલું કે આ એકદમ સલામત રોકાણ છે અને તેના પર બાંયધરીયુક્ત 20 ટકા વળતર મળશે અને તે એક વર્ષે 22 નવેમ્બર, 2016ના દિવસે પાકશે, પણ વાસ્તવમાં બીલ્ડરે ડિફોલ્ટ કરતા તેને 10 ટકા જ વળતર મળ્યું અને તે પણ ફેબ્રુઆરી-માર્ચ 2017માં.   
કાર્વી જૂથ સામે નોંધાવાયેલી એફઆઈઆરમાં અન્ય રોકાણકારો પણ જોડાયા છે જેમને પણ આવા અનુભવો થયા હતા. તેમાં કહેવાયું છે કે અમે જૂન 2015માં કાર્વી પ્રાઇવેટ વેલ્થની વેબસાઈટ પર તેની જાહેરખબર જોઈ હતી જેમાં ઊંચી નેટ વર્થ ધરાવતા (એચએનઆઈ) વ્યક્તિઓ માટે સલામત અને ઊંચા વળતરવાળા રોકાણની પ્રોડ્ક્ટની વાત હતી.
એફઆઇઆરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના ચાર પ્રોજેક્ટનો ઉલ્લેખ છે જેમાં તેમનું રોકાણ ભરાઈ પડ્યું હતું. તેમને 16થી 21 ટકા વળતરની ખાતરી આપવામાં આવેલી અને કહેવાયેલું કે બીલ્ડરે ધિરાણની રકમથી ચાર ગણી મિલકત ગીરવે આપી છે.   
મુંબઈના મહેતાએ કહ્યું કે લોનમાં ડિફોલ્ટ થયા બાદ કંપનીના રિલેશનશિપ મેનેજરે અમારા ફોન લેવાનું બંધ કરી દીધું અને ફેક્સ મેસેજનો જવાબ પણ અમને મળતો નહોતો. તેમણે અમને આ પૈસા રોલ ઓવર કરવા કહ્યું પણ અમે એ માટે તૈયાર નથી. આજ સુધી અમને પૈસા મળ્યા નથી એમ તે કહે છે. અન્ય એક રોકાણકારે કહ્યું કે તેણે રોકાણના જોખમ વિષે ઘણો વિચાર કરેલો પણ કંપનીએ કરેલા બોગસ વિધાનોથી તે ભોળવાઈ ગયો.  
રોકાણના માધ્યમને સરકાર સાથેના જોઈન્ટ વેન્ચર તરીકે ઓળખાવવામાં આવેલું તેમ જ ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે આઇડીબીઆઇનું નામ હતું એ જોઈને અને કાર્વી બ્રાન્ડ પર મને વિશ્વાસ હોવાથી મેં રોકાણ કર્યું અને છેતરાઈ ગયો એમ શ્રીધર સેગુ કહે છે, જ્યારે લોનમાં ડિફોલ્ટ થયો ત્યારે આમાંથી કોઈ કંપની મારી મદદે આવી નહીં એમ તેણે કહ્યું. કાર્વી દરેક રોકાણ પર એકથી ત્રણ ટકા ચાર્જ વસૂલતી હતી એમ અમુક રોકાણકારોએ જણાવ્યું હતું.  
કાર્વીએ આ આક્ષેપોને નકારતા જણાવ્યું છે કે `અમે રોકાણકારોને જોખમ વિષે બધી માહિતી આપી હતી અને કંપની તરફથી જે દસ્તાવેજો અપાયેલા તે બધા અમે રોકાણકારોને ઉપલબ્ધ કરી આપ્યા હતા. અમે તો માત્ર બ્રોકર તરીકેનું જ કામ કર્યું છે.
રિયલ એસ્ટેટ બજારમાં નૉટબંધી અને જીએસટીને કારણે ઊભી થયેલી સમસ્યાઓનો હવાલો પણ તેણે આપ્યો છે. એનબીએફસી ક્ષેત્ર અને ડેબ્ટ માર્કેટમાં પ્રવાહિતાની કટોકટીનું કારણ પણ તેણે આપ્યું છે.
અમે રોકાણકારોને મદદ કરી રહ્યા છીએ અને કાનૂની કાર્યવાહીનો ખર્ચ પણ અમે જ ઉઠાવી રહ્યા છીએ જેથી એનો બોજ રોકાણકારો પર ન પડે.' 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer